તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારત રાષ્ટ્ર સમિતિ પાર્ટીના સાંસદ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં સાંસદ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. હુમલાખોરને બીઆરએસના કાર્યકરોએ પકડી લીધો હતો અને માર માર્યો હતો.
બીઆરએસ પાર્ટીના સાંસદને વિધાનસભાની ટિકિટ મળતા ચૂંટણી રેલીમાં નીકળ્યા હતા, હુમલાને લીધે લોહીલુહાણ થઈ ગયેલા નેતાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
મળતી માહિતી મુજબ, આ ઘટના દૌલતાબાદ ડિવિઝનના સુરમપલ્લી ગામમાં બની હતી. બીઆરએસ પાર્ટીના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી ચૂંટણી પ્રચાર દરમિયાન અહીં ગયા હતા. અહીં એક અજાણ્યા હુમલાખોરે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. કોઠા પ્રભાકર બીઆરએસ વતી ડબકાથી ચૂંટણી લડી રહ્યા છે.
કોઠા પ્રભાકર રેડ્ડી તેલંગાણાની મેડક સીટથી સાંસદ છે અને આ વખતે તેમને વિધાનસભા ચૂંટણીમાં પણ ઉતારવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી તેઓ આ વિસ્તારમાં પ્રચાર માટે સતત અલગ-અલગ જગ્યાએ જઈ રહ્યા છે. પ્રભાકર રેડ્ડીને પેટમાં છરી વાગી હતી. જેના કારણે લોહી વહી ગયું હતું, ત્યારબાદ તેમના સમર્થકોએ તેમને કારમાં બેસાડ્યા હતા અને ઘા પર કપડું મૂકીને રક્તસ્ત્રાવ રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર બીઆરએસ કાર્યકરોએ છરો મારનાર યુવકને માર માર્યો હતો. આ પછી યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આરોપી યુવકની ઓળખ કરવામાં વ્યસ્ત છે. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકે સાંસદ પર શા માટે હુમલો કર્યો? પોલીસ આ એંગલથી પણ તપાસ કરી રહી છે કે આ હુમલા પાછળ રાજકીય કારણ છે કે પછી પરસ્પર અદાવતના કારણે યુવકે હુમલો કર્યો છે.