મધ્યપ્રદેશ પોલીસે જુદા જુદા ચાર ગુનામાં રૂ.૨૦ હજારનું ઇનામ જાહેર કર્યુ’તું: હથિયાર હોવાની શંકા સાથે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડીજુવારી ગામના વતની અને લૂંટ, ચોરી, બળાત્કાર અને અપહરણ સહિતના અનેક ગુનામાં વોન્ટેડ ભીલ શખ્સને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બેડી ચોકડી પાસેથી ઝડપી લીધો છે. વોન્ટેડ ભીલ શખ્સને ઝડપી લેવા મધ્યપ્રદેશ પોલીસે જુદા જુદા ચાર કેસમાં રૂ.૨૦ હજારનું ઇનામ જાહેર કર્યુ હતું.
બડીજુવારી ગામના રમેશ માનસિહ મેડા નામનો આદિવાસી શખ્સ સામે મધ્યપ્રદેશમાં અપહરણ, લૂંટ, ચોરી અને બળાત્કાર તેમજ ગેરકાયદે દારૂની ફેકટરી શરૂ કરવા સહિતના અનેક ગુનામાં વોન્ટેડ હોવાની અને બેડી ચોકડી પાસે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમીયા, જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને સંજયભાઇ રૂપાપરા સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો.
મધ્ય પ્રદેશની ત્રણ સગીર બાળકીને રમેશ મેડાએ હવસનો શિકાર બનાવી હોવાનું અને ગેરકાયદે દાતરુની ફેકટરી શરૂ કર્યાની તેમજ આમ્બુઆ વિસ્તારમાં લૂંટ અને હથિયાર સહિતના અનેક ગુનામાં સંડોવાયો હોવાથી મધ્ય પ્રદેશ પોલીસની ભીસ વધતા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આવી ધ્રોલ પંથકમાં ખેત મજુરી શરૂ કરી દીધાની કબૂલાત આપી છે.
મધ્ય પ્રદેશ પોલીસે રમેશ મેડાની બાતમી આપનારને રૂ.૨૦ હજારના ઇનામની જાહેરાત કરી હતી. પણ ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં આવી ગયો હોવાથી વોન્ટેડ હોવાની કબૂલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રમેશ મેડાની ધરપકડ કરી મધ્યપ્રદેશના અલીરાજપુર પોલીસને જાણ કરી છે.