100 વર્ષ જુનો ભોગ ભંડાર જર્જરીત હાલતમાં
પ્રસાદ બનાવનાર પૂજારી પરિવાર અને વૈષ્ણવો પર જોખમ
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને દરરોજ દિવસ દરમ્યાન 11 ભોગ ધરાવવામાં આવે છે. પૂજારી પરિવાર તથા વૈષ્ણવો દ્વારા ઠાકોરજીને ધરાવાતાં ભોગ પ્રસાદ મંદિરમાં આવેલ ભોગ ભંડારમાં બનાવવામાં આવે છે. અહીં જ ઠાકોરજીના છપ્પન ભોગ, અન્નકુટ, મનોરજ, કુંડલા ભોગ, કુનવારા ભોગ વગેરે મનોરથોના પ્રસાદ તૈયાર કરવામાં આવતાં હોય દરરોજ ધમધમતાં અને આશરે એક સદી જેટલા જુના પ્રસાદાલયગની હાલત છેલ્લા બે’ક વર્ષોથી અતિ જર્જરીત હોય ગમે ત્યારે અકસ્માતનો ભય રહે છે.
ભોગ ભંડારના નવીનીકરણ હેતુ પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીને વખતોવખત પુજારી પરિવાર દ્વારા રજુઆત કરવામાં આવી છે. આમ છતાં ભોગ ભંડારના નવીનીકરણ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો હોવાનું જણાતું નથી. ચોમાસું નજીક હોય ત્યારે ગમે ત્યારે દુર્ધટના બની શકે તેમ હોય આ અંગે તંત્ર ત્વરીત પગલાં લે તે જરુરી બન્યું છે.દ્વારકાધીશ મંદિરમાં ભોગ ભંડારની ર્જીણ હાલત અંગે પોરબંદરના સાંસદ અને દ્વારકાધીશના પરમભકત રમેશભાઇ ધડુક દ્વારા કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના મીનાક્ષીબેન લેખીને રજુઆત કરવામા આવી છે.
તેઓની રજુઆત અનુસાર ભોગ ભંડારની ર્જીણ હાલત હોય ગમે ત્યારે અકસ્માતનો ભય રહેલો છે. આશરે એકાદ માસ પહેલા બાંધકામનો એક સ્લેબ તૂટવાની પણ ઘટના બની હોય ત્યારે આ અંગે તાત્કાલીક નિર્ણય લેવાાય તે જરુરી છે. આ સાથે ભોગ ભંડાર નવીનીકરણ – મરામત અંગે વખતોવખત પુરાતત્વ વિભાગને રજુઆત કરાઇ હોવા છતાં આ અંગે નકકર કાર્યવાહી આજદિન સુધી થઇ નથી તેવું પણ તેમણે ઉમેર્યુ છે. અને તુરંતમાં ભોગ ભંડાર નવીનીકરણ અંગે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
નવા બાંધકામ અંગે પુરાતત્વ વિભાગ મંજુરી આપે તે જરૂરી
દ્વારકા દેવસ્થાન સમીતીના વહીવટદાર તેમજ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ થોડા સમય પહેલા જ જણાવેલ કે જર્જરીત ભોગ ભંડાર અ:ગે આર્કોલોજી વિભાગ પાસે નવા બાંધકામ હેતુ અનેક વાર રજુઆત કરી માંગ કરાઇ છે. ભોગ ભંડારમાં રીપેરીંગ થઇ શકે તેવી હાલત ન હોય નવું બાંધકામ કરવું પડે તેમ છે. જે અંગે પુરાતત્વ વિભાગ દ્વારા સુધી મંજુરી અપાઇ નથી.