સરકારની યોજનાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા નિમિત બનવાના મનોરથ સાથે રાજયસભામાં પ્રવેશ
સતત સંઘર્ષમાં વર્ષો વિત્યા છતાં સાહસ અને સદભાવ છોડયા નથી
માત્ર પચાસ પૈસાના રોજ કામ કરનાર રામભાઇ મોકરીયા સ્વબળે આગળ આવીને આજે ૧૪ હજાર લોકોની રોજગારીમાં નિમિત બન્યા છે.એક બહુ જાણીતી કાવ્યપંક્તિ છે: અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તાજેતરમાં જ જેઓ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરિફ ચૂંટાયા છે એવા રામભાઇ મોકરીયા માટે આ પંક્તિ સુંસંગત છે. આજે તો રામભાઇને હવે ઘણા લોકો ઓળખે છે. દેશભરમાં ૨૯૦૦ સેન્ટર્સ પર એમની ઓફિસ છે અને સેવાક્ષેત્રમાં પણ મોટું નામ છે પરંતુ બહુ ઓછા લોકો એવું જાણે છે કે સફળતાના આ શિખર પર પહોંચતાં પહેલાં એમણે પગની પીંડી તૂટી જાય એટલો સંઘર્ષ તળેટીમાં કર્યો છે.
સમાજ જીવન અને રાજકારણના રાજમાર્ગ પર તેઓ આજે પહોંચ્યા છે પરંતુ ત્યાં પહોંચતાં એમના પગમાં કેટલા કાંટા વાગ્યા છે, કેટલાં વાઢિયાં પડ્યાં છે તે તો રામભાઇ પોતે અને એમનો પરિવાર જ જાણે છે. સતત સંઘર્ષમાં વર્ષો રહ્યા છતાં એમણે સાહસ અને સદભાવ છોડ્યો નથી એના પરિણામે આજે તેઓ અહીં પહોંચ્યા છે.
રામભાઇ મોકરીયા હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. સ્વ. અભયભાઇ ભારદ્વાજના અવસાનથી ખાલી પડેલી બેઠક પર એમની પસંદગી થઇ અને તેઓ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
તેઓ કહે છે, મારા પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે વિશ્વાસ મૂક્યો છે તેને હું ચરિતાર્થ કરી બતાવીશ. રાજ્ય સભાનો સદસ્ય એ એક મતવિસ્તારનો નહીં પરંતુ રાજ્યના પ્રતિનિધિ ગણાય. તે દ્રષ્ટિએ રામભાઇ કહે છે, સૌરાષ્ટ્રના મહત્વના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. આમ તો નરેન્દ્રભાઇએ સૌરાષ્ટ્રને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મહત્વાકાંક્ષી યોજનાની ભેટ આપી દીધી છે. હવે આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય એ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની વચ્ચે જે કંઇ પણ સંકલન કરવાનું હશે તેમાં હું સહભાગી થઇશ.
રામભાઇ મોકરીયા સમાજના તમામ વર્ગ માટે ચિંતીત છે એનું કારણ એ છે કે તેઓ પોતે અત્યંત સાધારણ પરિવારમાંથી અને સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. એમનો જન્મ ૧ જુન ૧૯૫૭ના રોજ પોરબંદરના ભડ ગામે, હરજીભાઇ મહેતા અને ગંગાબહેન મહેતાના ઘરે. અબોટી બ્રાહ્મણ હરજીભાઇના વડવાઓ મોકર ગામના એટલે અટક રાખી મોકરિયા. ખીમજીભાઇ, ભાણજીભાઇ અને રમાબહેન, રામભાઇના ભાઇઓ અને બહેન. ઉછેર એમનો ભડમાં થયો. આમ અબોટી બ્રાહ્મણો ખેડુત ગણાય પરંતુ મોકરિયા પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સદ્ધર નહીં. સાવ એટલે સાવ સામાન્ય. રામભાઇ પાંચમાં ધોરણમાં હતા ત્યારે સુતારીકામના વર્કશોપમાં જોડાયા હતા. દરરોજ પચાસ પૈસા મળે. એક માસ કામ કર્યું અને પંદર રૂપિયા મળ્યાં એમાંથી ભણવા માટેના પુસ્કત અને જુના કપડાં ખરીદ્યા. આઠમાંથી અગિયારમાં ધોરણ સુધી તેઓ પોરબંદરના દીનદયાળ છાત્રાલયમાં ભણ્યાં. રહેવા. જમવા, ભણવાનું બધું મફત. ભણતાં ભણતાં એમણે ક્યારેય કોઇ મોજ શોખ નથી પાળ્યાં. ક્યારેય નથી ફિલ્મ જોઇ. હંમેશા નોકરી કરી છે. ક્રિકેટનો શોખ હતો પણ બેટ-બોલ ખરીદવાના પૈસા નહોતા. રામભાઇએ પાનની દુકાને નોકરી કરી છે, સૌરાષ્ટ્ર કેમિકલ્સમાં ઓપરેટર તરીકે કામ કર્યું. ઓક્ટ્રોય કલર્ક તરીકે પણ નોકરી કરી. મોટાભાઇ ખીમજીભાઇ મજુરી કરતા અને પૈસા આવે એમાંથી રામભાઇને ભણવામાં મદદ કરતા.
એસએસસી પાસ કર્યા પછી કોલેજમાં જવાના પૈસા નહોતા તો પીટીસી કરવાની કોશિશ કરી. શિક્ષક તરીકે નોકરી મળી જાય તો આવક શરૂ થાય. પરંતુ એમાં પણ એડમિશન ન મળ્યું. મહિને દોઢ સો રૂપિયાના પગારથી ઓક્ટ્રોય ક્લાર્ક તરીકે કામ કર્યું. બીએ એલએલબી સુધી ભણ્યા. અને પછી મારૂતિ ટ્રાવેલ્સ એન્ડ કાર્ગો સર્વીસ શરૂ કર્યું. જ્યારે કુરીઅર એટલે આંગડિયા એવો રૂઢિગત ખ્યાલ હતો ત્યારે એમણે આધુનિક ઢબે કુરીયર શરૂ કર્યું. આજે દેશમાં ૨૮૦૦ અને યુ.કે.માં ૪ ઓફિસ છે. મારૂતિ કુરીયર ઉપરાંત હાર્મની હોટેલ, મારૂતિ લોજીસ્ટિક્સ, રીઅલ એસ્ટેટ સહિતના ક્ષેત્રે એમની સિદ્ધિઓ છે. ૧૪૦૦૦ જેટલા લોકોને રોજગારી આપવામાં તેઓ નિમિત્ત બને છે.
પોતાનો રૂા. ૭૦૦ના માસિક પગારથી નોકરી મળે એવી ઇચ્છા રાખનાર રામભાઇ મોકરીયા આજે ૧૪૦૦૦ લોકોની રોજગારી માટે નિમિત્ત બન્યા છે. કુરીઅર સર્વીસની શાખ એમણે બનાવી. પોસ્ટલ ડીપાર્ટમેન્ટની હડતાળ હતી ત્યારે સરકારી ટપાલો, પાર્સલ એમણે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર લોકો સુધી પહોંચાડીને સરકારને સહયોગ આપ્યો હતો. એમને પદ તો આજે મળ્યું છે પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી હંમેશા નિભાવી છે. સૌરાષ્ટ્રમાં કુરીઅર વ્યવસાયમાં જીએસટી અને ઇનકમટેક્સ ભરવામાં મારૂતિ એકથી પાંચ ક્રમે હોય છે.
પોરબંદર શહેર ભાજપ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી અદા કરી છે. જ્યારે ૯૨ થી ૯૪ દરમિયાન પોરબંદર શહેર ભાજપના પ્રમુખ રહ્યા બાદ લોકોને સાથે રાખીને ચાલવાની એમની કાર્ય પ્રણાલી, સમાજ જીવનના પ્રશ્ર્નોને પક્ષના માધ્યમથી કેમ વાચા આપવી એની સૂઝને પારખીને ૨૦૦૫ થી બે ટર્મ સુધી રામભાઇને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીમાં પણ સ્થાન અપાયું હતું.