કોરોના અને સફાઈ બાબતે સીવીલ સર્જન સાથે કરી સઘન ચર્ચા
સમગ્ર દેશમાં જ્યારે કોરોનાનો ભય ફેલાયો છે ત્યારે અગમચેતીના પગલારૂપે રાજકોટ સીવીલ હોસ્પીટલની રાજ્યસભાના સંસદસભ્ય રામભાઇ મોકરીયાએ ઇમરજન્સી વોર્ડ, મલ્ટી સ્પેશીયાલીસ્ટ બીલ્ડીંગ, કોરોના યુનીટ વિગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન સીવીલ હોસ્પીટલમાં વોર્ડની આજુબાજુ ગંદકી જણાતા સીવીલ સર્જન ત્રિવેદી સાથે વાતચીત કરી સાફ સફાઇ ઉપર ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત બહાર પડેલ ભંગારનો નિકાલ કરવો તેમજ દર્દીને સ્ટાફ દ્વારા સારી સારવાર મળે, દવા સમયસર હોસ્પીટલમાંથી જ મળે તે અંગે સુચના આપી હતી. આ ઉપરાંત જે કોરોનાના કેસ વધે તો સીવીલ હોસ્પીટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને દવાઓ અંગે પણ ચર્ચા કરી હતી.
આ મુલાકાત દરમ્યાન સીવીલ સર્જન ત્રિવેદીએ રામભાઇ સમક્ષ હોસ્પીટલને લગતા રોડ, પાણીની સમસ્યા, ટ્રાફીક સમસ્યા રજુઆતો કરી હતી. જેનો રામભાઇ મોકરીયાએ જે-તે વિભાગના અધિકારીઓને ફોન દ્વારા પ્રશ્ર્નોનું કાયમી નિવારણ થાય તે માટે સુચના આપી હતી.રામભાઇ મોકરીયાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઇએ કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. નગરજનોએ ભીડભાડ વાળી જગ્યાએ જાય ત્યારે માસ્ક અવશ્ય પહેરવું અને સામાજીક અંતર જાળવા અપીલ કરી છે.
સાંસદ રામભાઈ મોકરીયાની મુલાકાત બાદ તબીબી અધિક્ષક એક્શન મોડમાં
ગઇ કાલે સાંજે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. ત્યાર બાદ સાંસદ રામભાઈ મોકરીયા અને તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સાથે સઘન ચર્ચા કરી અનેક સૂચનાઓ આપી હતી. જેના પગલે તાકીદે પગલાં લઈ સુપરિટેન્ડેન્ટ એક્શન મોડમાં આવી ગયા હતા અને તાબડતોડ મિટિંગનો દોર શરૂ કર્યો હતો.
ગઇ કાલે સાંજના સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સરપ્રાઇઝ વિઝિટ લીધી હતી. જેના કારણે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી દ્વારા આજરોજ મેડિકલ કોલેજના ડીન ડો.મુકેશ સામાણી, આર.એમ.ઓ. ડો. કામાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાબડતોડ મીટીંગ બોલાવી હતી. જે મિટિંગમાં અધિક્ષક દ્વારા તમામ સ્ટાફને અનેક મુશ્કેલીઓના પ્રશ્ને સૂચના આપી તેની તાકીદે નિરાકરણ કરવા માટે સ્ટાફને સૂચના પાઠવી હતી.