- પુરવઠા વિભાગ એસીમાં બેસી વ્યસ્ત રહે છે બીજી બાજુ ગરીબોને અપાતાં અનાજમાં લોલમલોલ
- સડેલું અનાજ ઉપરથી આવે છે કે અહીંથી ભેળસેળ થાય છે ? : રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ ઉઠાવ્યા સવાલો
સરકાર ગરીબોની જઠરાગ્નિ ઠારવા માટે યોજનાઓ ચલાવી મસમોટા ખર્ચ કરી રહી છે. પણ લેભાગુ તત્વો આમાંથી કાળી કમાણી કરી રહ્યા હોય, આજે સાંસદ રામભાઈ મોકરીયાએ સડેલુ અનાજ એક બેઠકમાં કલેકટર સમક્ષ મુકતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા. રાજકોટમાં પુરવઠા વિભાગમાં વર્ષોથી લોલમલોલ ચાલી રહ્યું છે. ગરીબોને અનાજનો પુરવઠો સમયસર ન મળતો, અનાજ મળે તો પણ નબળી ગુણવત્તાનું અનાજ મળે આવા અનેક પ્રશ્નોથી લાભાર્થીઓ પીડાઈ રહ્યા છે. તેવામાં સાંસદ રામભાઈ મોકરીયાએ પુરવઠાના આ લોલમલોલને ઉજાગર કર્યું છે.
આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પુરવઠાની બેઠક મળી હતી. જેમાં પુરવઠા અધિકારી અને અન્ય અધિકારીઓ પણ હાજર રહયા હતા. આ સાથે સાંસદ રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા. આ બધા વચ્ચે બેઠક દરમિયાન સાંસદ રામભાઈ મોકરીયાએ સડેલા અનાજની પોટલી જિલ્લા કલેકટર સમક્ષ મૂકીને આ સડેલા અનાજ અંગે રજુઆત કરી હતી.
આમ તો છેલ્લા ઘણા સમયથી પૂરવઠા વિભાગમાં લોલમલોલ ચાલી રહી છે. પણ અધિકારીઓની સાથે નેતાઓ પણ આંખ આડા કાન કરી રહ્યા હતા.
સાંસદ રામભાઇ મોકરિયાએ પૂરવઠાની પોલ છતી કરતા સૌ અચંબિત થઈ ગયા હતા. તેઓએ એવો સવાલ પૂછ્યો છે કે આ સડેલું અનાજ ઉપરથી આવે છે કે અહીંના કોઈ સારા માણસો તેમાં ભેળસેળ કરે છે ?
ઉલ્લેખનીય છે કે ભાજપના રાજ્યસભાના સાંસદે સડેલા અનાજનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે જોવું રહ્યું કે પુરવઠા વિભાગ આ મામલે શુ પગલાં લ્યે છે ?