રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની મીટીંગ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત વિવિધ યોજનાઓની અમલવારી અને પૂર્ણ અને પ્રગતિમાં હોય એવા કામોની સમીક્ષા કરી રાજ્ય સરકારના સંકલનથી ચાલતી વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભો લાભાર્થીઓને મળે અને વિવિધ પ્રોજેક્ટ સત્વરે પૂર્ણ થાય તે માટે પ્રોજેક્ટ ઓફિસર અને જિલ્લાના અધિકારીઓને સુચના આપી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં ગ્રામીણ વિકાસનું ફલક વધારવાની યોજનાકીય રૂપરેખા આપતા કલેકટર રેમ્યા મોહને મનરેગાની સાથે અન્ય ગ્રાન્ટને પણ જોડીને સરકારના નિયમો મુજબ લેબર વર્ક જાળવી રાખીને નવા કામોની રૂપરેખાની સાથે સબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને જે તે પ્રોજેકટમાં બાકી કામગીરી પુર્ણ કરવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે મનરેગાના કામો એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતા છે તેમાં બદલાવ આવવા માટે જિલ્લા પંચાયત કક્ષાએથી જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વૃક્ષારોપણ અને તેનો ઉછેર અને સીમાંત ખેડૂતોને પણ આ યોજનામાં લાભ આપી જોડવા જણાવવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ સરકારી બિલ્ડિંગના પરિસરમાં તેમજ તેમના હસ્તકની જમીનમાં વૃક્ષારોપણ અને ઉછેરની કાયમી વ્યવસ્થા થાય તે માટે તેમજ સંસદ સભ્ય તેમજ મંત્રીએ આ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને શાપર પાસે તેમજ ગ્રીનલેન્ડ ચોકડી થી ગોંડલ ચોકડી સુધીના રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં મિશન મંગલમ ,પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન ,પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલતી યોજનાઓ તેમજ અમૃત યોજના, સ્માર્ટ સિટી મિશન સહિતની યોજનાઓમાં રાજકોટ જિલ્લામાં થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. પટેલે વિવિધ વિભાગો દ્વારા રજુ કરવામાં આવેલ કામગીરીની ઝલક આપી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.