દાદરાનગર હવેલીમાં સરકારી યોજનાઓનો લાભ ગરીબ વ્યકિત સુધી પહોંચતો નથી, જનપ્રતિનિધિઓની સત્તાને પ્રસાશને ગણકારતી નથી:સાંસદ
દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર લોકસભામાં ફરીવાર લોક અધિકારનો મુદ્દો ઉઠાવી જનતાની લાગણીનું પ્રતિબિંબ પાડવામાં સફળ થયા છે. પોતાના પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓના અધિકારનો મહત્વનો મુદ્દો સંસદમાં ઉઠાવતા સાંસદ મોહન ડેલકરે જણાવ્યું છે કે, દેશમાં જેટલી પણ સરકારી યોજનાઓ છે તેનો ફાયદો ગરીબ વ્યક્તિ સુધી પહોંચી શકે તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા યોજનાઓ બનાવવામાં આવી છે. પરંતુ દાદરા નગર હવેલીમાં આ પ્રમાણેની તમામ યોજનાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા લાગુ કરવા માટેનો કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્દેશ જારી કરવામાં આવ્યો છે તેનું અમલીકરણ થયું નથી. પ્રશાસને તમામ અધિકાર પોતાની પાસે રાખી જનપ્રતિનિધિઓની સત્તાને નજરઅંદાજ કરવાનું કામ કર્યું છે.જેના કારણે જનતાને જે લાભ મળવા જોઈએ , જે ફાયદો થવો જોઈએ તે થઈ શક્યો નથી.સરકારી યોજનાઓના નક્કર પરિણામો સામે આવવા જોઈએ તે આવી રહ્યા નથી. આ બાબતની ખૂબજ ફરિયાદો પણ ઉઠવા પામી છે . ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ કે જ્યાં વિધાનસભા નથી ત્યાં ભારત સરકારની જવાબદારી બને છે કે,જેટલી પણ જનહિતની યોજનાઓ છે તેને સફળતાપૂર્વક લાગુ કરવાની સાથે યોગ્ય અમલ માટે ધ્યાન રાખવાનું કામ થઈ રહ્યું છે કે નહીં. પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હાથમાં આવી સત્તા હોય ત્યારેજ એમાં સફળતા મળી શકે છે. એટલા માટે લોકસભાના માધ્યમથી ભારત સરકારને અનુરોધ અને નિવેદન કરવા માગું છું કે, લોકશાહી ઢબે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને જે નિર્દેશ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે તેનું તાત્કાલિક અસરથી અમલ થવો જઈએ. પ્રદેશના સાંસદ મોહન ડેલકર દ્વારા લોકસભામાં પ્રજાની લાગણીનું સાચા અર્થમાં પ્રતિબિંબ પડતું પ્રદેશની જનતા જોઈ રહી છે. આવનાર દિવસોના એના સારા પરિણામો સામે આવશે અને સાચી લોકશાહી સ્થાપિત થશે તેવી લાગણીઓ પ્રદેશની જનતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.