શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા ટ્રેનો દોડાવવાનો સિલસિલો યથાવત : આજે રાજકોટથી અને મોરબીથી વધુ એક-એક ટ્રેનો ઉપડશે
લોકડાઉનના કારણે સૌરાષ્ટ્રમાં ફસાયેલા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા ગઈકાલે તેમજ આજે સવારે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરથી મધ્યપ્રદેશની ત્રણ ટ્રેનો રવાના થઈ છે. અને મોરબીથી ઝારખંડની ટ્રેન રવાના થઈ છે. વધુમાં આજે પણ રાજકોટથી અને રાજકોટથી વધુ એક-એક ટ્રેનો ઉપડવાની છે. કેશોદ તાલુકાના ૧૨૬૫ શ્રમિકોને ગઈકાલે રાત્રે ખાસ ટ્રેન મારફતે મધ્યપ્રદેશના મેઘપર સુધી પહોંચાડવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આ શ્રમિકોને પ્રથમ જૂનાગઢ રેલવે સ્ટેશન સુધી પહોંચડવામાં આવ્યા હતા. બાદમાં રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના અધિકારીઓની હાજરીમાં ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આવીજ રીતે પોરબંદરથી આજે સવારે ૬ કલાકે ૧૨૦૦ શ્રમિકોને ટ્રેન મારફતે મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. જયારે રાજકોટમાં પણ અંદાજે ૧૨૦૦ જેટલા શ્રમિકો માટે મધ્યપ્રદેશના રતલામ સુધીની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અધિકારીઓની હાજરીમાં આજે સવારે આ ટ્રેનને લીલીઝંડી આપવામાં આવી હતી. સાથે મોરબીમાંથી પણ વહેલી સવારે ઝારખંડ સુધીની ટ્રેન દોડાવવામાં આવી છે. જો કે હજુ પણ ટ્રેન મારફતે શ્રમિકોને વતન મોકલવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં આજે રાજકોટથી બપોરે ૧૨ વાગ્યે ઉતરપ્રદેશના બલિયા સુધીની ટ્રેન રવાના થવાની છે. જ્યારે મોરબીથી પણ વધુ એક ટ્રેન મધ્યપ્રદેશના બલિયા જવા રવાના થશે.