અભયભાઈની હાલત સુધરી કૃત્રિમ રીતે ઓક્સિજન આપવાનું પ્રમાણ માત્ર ૩૦ ટકા

દિલ્હી એઇમ્સમાં ખસેડવાની વાત પાયા વિહોણી હોવાનું જણાવતા લઘુબંધુ નિતીન ભારદ્વાજ

રાજ્યસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી, નિષ્ણાંત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજને કોરોના પોઝિટિવ આવતા રાજકોટની સિવિલમાં તેમને સારવાર દરમિયાન તબીયત લથડતા વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. બાદ ગઈકાલે અમદાવાદના તબીબોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને સ્થાનિક તબીબોને માર્ગદર્શન આપી અભયભાઈની તબીયતનું તબીબી સારવાર અને આરોગ્યની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સુરતથી આવેલી નિષ્ણાંત તબીબોની ટીમની નિગરાનીમાં ચાલી રહેલી સારવાર કારગત નિવડી હતી અને તબીયત સુધારા પર આવી હતી.

આજે તેમના નાના ભાઈ નીતિનભાઈ ભારદ્વાજે ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મોટાભાઈની તબીયત સુધારા પર છે તેમને કૃત્રિમ રીતે ઓક્સિજન આપવાનું પ્રમાણ ઘટી ગયું છે અને માત્ર ૩૦ ટકાની માત્રામાં જ કૃત્રિમ રીતે ઓક્સિજન અપાય રહ્યું છે. અત્યારે તેમનું ઓક્સિજનનું લેવલ ૯૯ ટકા સુધી પહોંચી ગયું છે.

અભયભાઈનો ટેસ્ટ પોઝિટિવ આવતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ૧૧ દિવસની સારવાર બાદ તબીયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

તેમની નાજૂક તબીયત સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સારવાર માટે રાજકોટના પ્રભારી અને કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અમદાવાદના નામાંકીત તબીબ અતુલ પટેલ, તુષાર પટેલ અને આનંદ શુકલ સાથે ખાસ હવાઈ માર્ગે રાજકોટ મોકલ્યા હતા અને ત્યાં તેઓએ અભયભાઈની સારવાર કરી રહેલા તબીબોને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા.

અમદાવાદના નિષ્ણાંત તબીબોએ પત્રકારોને જણાવ્યું હતું કે, અભયભાઈને ફેંફસામાં પુરતુ ઓક્સિજન પહોંચતું નથી અને કાર્બન ડાયોકસાઈડ બહાર નીકળતો નથી તેથી કૃત્રિમ ફેંફસાની મદદથી શુદ્ધ લોહી શરીરમાં પહોંચાડવામાં આવી રહ્યું છે.

ફેંફસાની સારવાર માટે મોડી રાત્રે સુરતથી નિષ્ણાંત તબીબો પ્લેન દ્વારા તબીબ સમીર ગામ ટીમ સાથે રાજકોટ ખાતે આવી એકમો સીસ્ટમથી સારવાર આપવામાં આવી રહી છે.

અમદાવાદ અને સુરતથી આવેલી તબીબી ટીમ સાથે રાજકોટની ગોકુલ હોસ્પિટલના તબીબ દિગ્વિજયસિંહ જાડેજા, ચિરાગ માત્રાવાડીયા અને ધીરેન તન્ના સહિત તબીબો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ સુરતના તબીબો દ્વારા કરવામાં આવેલી સધન સારવાર કારગત નિવડતા કૃત્રિમ રીતે અપાતા ઓક્સિજનનું પ્રમાણ ઘટાડી ૩૦ ટકા કરવામાં આવ્યું છે અને ઓક્સિજનનું પ્રમાણ હાલ ૯૯ ટકા છે.

ધીરે ધીરે તબીયતમાં સુધારો જણાય આવે છે. સોશિયલ મીડિયામાં અભયભાઈ ભારદ્વાજને એર લીફટ કરી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવાની વાતને પ્રદેશ ભાજપ અગ્રણી અને અભયભાઈના લઘુબંધુ નિતીનભાઈ ભારદ્વાજે ‘અબતક’ સાથેની વાતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.