હાલ તબિયત સંપૂર્ણપણે ચિંતામુક્ત, આંખ અને હાથના ઈશારા સાથે સામાન્ય વાતચીત પણ કરે છે: નિતીનભાઈ ભારદ્વાજની ચેન્નઈની એમજીએમ હોસ્પિટલ ખાતેથી ‘અબતક’ સાથે ખાસ વાતચીત
ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી, બ્રહ્મ સમાજના ટોચના આગેવાન અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓને ગત ૩૧મી ઓગષ્ટના રોજ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ફેફસા પર વધુ અસર થવાના કારણે ગત ૯ ઓકટોબરે તેમને વધુ સારવાર માટે ચેન્નઈની વિશ્ર્વ પ્રસિધ્ધ એમ.જી.એમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સઘન કાર્યવાહી ચાલી રહી છે. દરમિયાન પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજની આજે સવારે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન એવા શુભ સંકેતો આપ્યા હતા કે, અભયભાઈને ખુબજ જલ્દી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે અને તેઓ નજીકના દિવસોમાં ઘરે પાછા ફરે તેવી સંભાવના છે. તેમની તબીયતમાં ખુબજ સુધારો આવી રહ્યો છે. હાલ ઈકમો અને વેન્ટિલેટર હોવાના કારણે તેઓ મોઢેથી વાત કરી શકતા નથી પરંતુ હાથ હલાવી ઈશારાથી સંકેતો આપે છે.
નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, રાજ્ય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાના કારણે તેઓના ફેફસા વધુ ઈન્ફેક થયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ અભયભાઈની સારવાર માટે અમદાવાદથી ત્રણ નિષ્ણાંત તબીબની ટીમ રાજકોટ મોકલી હતી. આ ઉપરાંત સુરતના ફેફસાના નિષ્ણાંત પણ અભયભાઈની સારવાર માટે આવ્યા હતા. તેઓને ઈકમો દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોરોના રિપોર્ટ નેગેટીવ આવી ગયાના દિવસો વીતી ગયા છે પરંતુ ફેફસા વધુ અસરગ્રસ્ત થવાના કારણે ગત ૯મી ઓકટોબરના રોજ એર એમ્બ્યુલન્સ મારફત ચેન્નઈની એમ.જી.એમ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૩૩ દિવસથી ચેન્નઈની એમ.જી.એમ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર કારગત નિવડી રહી છે. તેમના શરીર પરથી ઈકમો હટાવવા અંગે આજે તબીબો નિર્ણય લઈ શકે છે. તબીયત કેટલા અંશે સુધારા પર છે અને ક્યારે ડિસ્ચાર્જ આપી શકાય છે તે અંગે બપોરે તબીબો માહિતી આપશે. સૌપ્રથમ ઈકમો હટાવ્યા બાદ અભયભાઈને વેન્ટિલેટર પરથી પણ હટાવી લેવામાં આવશે. હાલ તેઓ મોઢેથી વાત કરી શકતા નથી પરંતુ હાથ અને આંખના ઈશારાથી સામાન્ય સંકેતો આપી વાતચીત કરી શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર તેઓની તબીયત સંપૂર્ણપણે ચિંતામુક્ત છે અને ડિસ્ચાર્જ અંગે આજે નિર્ણય લઈ શકાય છે. સંભવત દિવાળી બાદ અભયભાઈને રજા આપી દેવામાં આવશે. સમર્થકો, શુભેચ્છકોને અભયભાઈ ભારદ્વાજની ચિંતા ન કરવા પણ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન માસમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં અભયભાઈ ભાજપના ઉમેદવાર તરીકે વિજયી બની રાજ્યસભાના સભ્ય બન્યા છે. રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ તેઓ કોરોના સંક્રમીત બન્યા હતા. છેલ્લા અઢી માસથી તેઓ હોસ્પિટલના બિછાને છે. હવે સારા સંકેતો એ મળી રહ્યાં છે કે તેઓની તબીયત પર સતત સુધારો આવી રહ્યો છે.