- કુરીયર કંપનીની બોલેરો પિકઅપ કાર રાજકોટથી અમદાવાદ જતી’તી : સુરેન્દ્રનગર જિલ્લાભરની પોલીસ દોડી ગઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. અવાર નવાર ચોરી-લૂંટના સામે આવતા બનાવો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર કાનપરના પાટિયા નજીક લૂંટનો બનાવ બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાભરની પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે. કુરિયર કંપનીની પીકઅપ બોલેરોને નિશાન બનાવી તસ્કરો કિંમતી દાગીના, અંદાજિત 120 કિલો ચાંદીનો જથ્થો, ઇમિટેશન જવેલરી સહીતનો મુદ્દામાલ લૂંટી ગ્યાના પ્રાથમિક માહિતી સામે આવી છે.
મળતી વિગત અનુસાર રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવેલા સાયલા અને ડોળીયા બાઉન્ડ્રી નજીક આવેલા કાનપર ગામના પાટિયા પાસે લૂંટારોએ કીમતી જ્વેલરી તેમજ ચાંદી ભરી અમદાવાદ જતી બોલેરો પીકઅપ કારમાં લૂંટ ચલાવી છે. ખાસ કરીને આ બોલેરો પીકપ કાર રાજકોટથી કુરિયરનો ચાંદી અને કીમતી જ્વેલરીનો માલ લઈને અમદાવાદ તરફ જતી હતી તે દરમિયાન ચારથી પાંચ જેટલા લૂંટારો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.
ઘટનાને પગલે લીંબડી નાયબ પોલીસ અધિક્ષક ચેતન મુંધવા સહિતના અધિકારી-કર્મચારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધોરણે દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ કરવામાં આવતા 120 કિલો જેટલી ચાંદી અને કીમતી જ્વેલરીની લૂંટ થઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને પગલે લૂંટારુઓને ઝડપી લેવા સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ, અમદાવાદ હાઇવે ઉપર આવતા ગામો અને ટોલનાકા પર નાકાબંદી કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીંથી પસાર થતાં તમામ વાહનોમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
હાલના પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ, સાયલા પોલીસ, લીંબડી પોલીસ, પાણસીણા પોલીસ તથા જિલ્લાભરની પોલીસ આ કામે લાગી છે. હાલના તબક્કામાં આંતરરાજ્ય ગેંગ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
અમદાવાદ- રાજકોટ હાઇવે લૂંટનું એપિસેન્ટર : એક વર્ષમાં બીજી વાર કુરિયર કંપનીની ગાડી લૂંટી લેવાઈ
અમદાવાદ રાજકોટ હાઇવે લૂંટારુઓ માટે જાણે મોકળું મેદાન બની ગયું હોય તેવી રીતે એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં aa પ્રકારનો બીજો બનાવ સામે આવ્યો છે. અગાઉ સાયલા નજીક કુરિયરની કારમાં લુટ ચલાવી 1400 કિલો ચાંદીનો જથ્થો લૂંટી લૂંટારુઓ ફરાર થઇ ગયાં હતા અને હવે કાનપરા ગામના પાટીયા નજીક આ પ્રકારની ઘટના બની છે. ઉલ્લેખનીય બાબત છે કે, બંને લૂંટ એક જ મોડસ ઓપરેન્ડીથી જ ચલાવવામાં આવી છે.
લીંબડી હાઇવે ઉપર ઠેર ઠેર નાકાબંદી : સીસીટીવી ફૂટેજની ચકાસણી
કાનપર ગામના પાટીયા નજીક લૂંટની જે ઘટના બની છે તેને લઇને લીંબડી હાઇવે પર આવેલા ટોલનાકાઓ પર નાકાબંદી કરી દેવામાં આવી છે તેમજ ગામડાઓમાં પણ નાકાબંદી કરી તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત હોટલો તેમજ ધાબાના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
રાજકોટ અને અમદાવાદના અનેક મોટા વેપારીના ચાંદી સહિતના દાગીના ગયાં
સાયલા નજીક જે લૂંટની ઘટના છ મહિના પહેલા બની હતી તેનું હજુ મુખ્ય આરોપી પકડાયો નથી અને તેની કોઈ વસ્તુ પણ પાછી આવી નથી. ત્યારે આજે ફરી એક વખત કાનપર ગામના પાટિયા પાસે આ જ પ્રકારની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના અનેક મોટા વેપારીઓના ચાંદીના દાગીનાના પાર્સલ હોવાની વિગતો બહાર આવી રહી છે. આ સંદર્ભે જે બોલેરો કાર ચાલક છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.