રોષે ભરાયેલા વેપારીઓએ સત્તાધીશોની આંખ ઉઘાડવા આંદોલન સહિતના કાર્યક્રમો ઘડાયાના ભાગરૂપે બંધનો અમલ કરાયો

જૂનાગઢના કાળવાચોક, એમ.જી.રોડ, ચિતાખાનાચોક સહિતના મુખ્ય માર્ગની હાલત બુરી થઇ ગઈ છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.જેના કારણે રોષે ભરાયેલા વેપારીઓએ સત્તાધીશોની આંખ ઉઘાડવા આંદોલન સહિતના કાર્યક્રમો ઘડી કાઢી ગઈકાલથી જ લડતનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગઈકાલ સવારથી બપોરના ૨ વાગ્યા સુધી એમ.જી.રોડ સદંતર બંધ રાખવામાં આવેલ હતો. જૂનાગઢ શહેરની વિકાસની અનેક વાતો તેમજ નાણાંની સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોય છતાં આ શહેરનો વિકાસ થયો છે અને લોકો પ્રાથમિક સુવિધાના પ્રશ્ને કેવું સુખ મળે છે તે લગભગ બધા જાણે જ છે. છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી જૂનાગઢ શહેરના તમામ રસ્તાઓને તોડી ફોડી નાખી, કાચબાના પીઠ કરતા પણ બદતર બનાવી દીધા છે.  ક્યારેક પાણીની પાઈપલાઈન તો ક્યારેક ભૂગર્ભ ગટરના પ્રશ્ને, ક્યારેક પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કેબલ પાથરવાને બહાને તો ક્યારેક ગેસની લાઈન નાખવાના પ્રશ્ને રસ્તાઓમાં સતત અને સતત ભાંગફોડ કરવામાં આવે છે. જાણે ધણીધોરી વિનાનું આ ગામ હોય તેવી હાલત રસ્તાની કરી દેવામાં આવી છે અને મન પડે ત્યારે રસ્તાઓમાં ઘૂસતા મારીને જતા રહે છે, ત્યારે રસ્તા માટે ઓશિયાળા જેવી હાલત વચ્ચે જૂનાગઢવાસીઓ પીડાઈ રહ્યા છે.ત્યારે ગઈકાલે વેપારી અગ્રણી અરવિંદ સોની, સંજય પુરોહિત, ભુપતભાઈ તન્ના સહિતના ૧૦૦ થી વધુ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી, પોતાની નારાજગી વ્યક્ત કરવા જૂનાગઢ મનપા કચેરીએ પહોંચ્યા હતા, રામધૂન કરી હતી અને અધિકારીઓ તથા પદાધિકારીઓને ફૂલ આપીને રસ્તા પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી.  સાથોસાથ જ્યાં સુધી રોડનું કામ સારું નહીં થાય ત્યાં સુધી દરરોજ જુદા-જુદા કાર્યક્રમો આપવામાં આવશે તેવું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે.

ત્યારે એક વાત ચોક્કસ છે કે, હવે જ્યા સુધી રસ્તાનું સંતોષકારક કામ નહિ થાય ત્યાં સુધી વેપારિઓ જંપીને બેશસે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.