માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું
મોરબી જિલ્લાનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, આચાર્ય તથા વહીવટી કર્મચારીઓ દ્વારા સાતમા પગારપંચ અને પડતર પ્રશ્ને મૌન ધરણા કરીને મુક વિરોધ નોંધાવી જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોરબી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો તથા આર્ચાર્યો અને વહિવટી શાખાના કર્મચારીઓએ ગઈકાલે સાતમા પગારપંચનો લાભ આપવા, શિક્ષકોની ઘટ પૂરી પાડવા, શિક્ષકો પર કામનું ભારણ ઘટાડવા, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આપવા, ગ્રાન્ટેડ શાળામાં આચાર્યની ભરતી કરવા સહિતની માંગણી સાથે જિલ્લા શિક્ષણ કચેરી ખાતે મૌન ધરણા યોજવામાં આવ્યા હતા બાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપરત કરાયું હતું.બાદમાં શિક્ષક સંઘ સંકલન સમિતિ દ્વારા જિલ્લા કલેકટરશ્રી ને પણ આવેદનપત્ર પાઠવી સાતમા પગારપંચની માંગણી દોહરાવી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા શિક્ષક સંઘ સંકલન સમિતિ દ્વારા સાતમા પગારપંચની માંગ ને લઇ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર પણ કર્યો છે.
મૌન ધરણા અને આવેદનપત્ર પાઠવવાના આ કાર્યક્રમમાં શિક્ષક સંઘના એલ.વી. કથગરા, બી.પી. આદ્રોજા, એ.એચ. માણસીયા સહિતનાં શિક્ષક સંઘનાં આગેવાનો સહિત ૨૦૦થી વધુ શિક્ષકો હાજર રહ્યા હતા.