- આજે વિશ્ર્વ પર્વત દિવસ
- પર્વતારોહીઓને પ્રોત્સાહન માટે માર્ગદર્શન તાલીમ અને નાણાકીય સહાય આપતી રાજ્ય સરકાર
માનવ જીવન અને પ્રકૃતિ બંને એકબીજાના પૂરક છે. પર્વતોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ જાળવણીમાં પર્વતોની ભૂમિકા સ્થાપિત કરવા માટે માટે દર વર્ષે 11 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે.
ભારત પર્વતોનો દેશ કહેવાય છે. સમગ્ર વિશ્ર્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ કૈલાશ, કે-2, કાંચનજંઘા, લાઓ ત્સે, મકાલુ, નંદાદેવી, વૈષ્ણોદેવી વગેરે જેવા ખુબ જ પ્રસિદ્ધ પર્વતો ભારતમાં આવેલા છે. હિમાલયન પર્વત શૃંખલા ભારતને ઉત્તરી ગોળાર્ધમાંથી ફુંકાતા હિમ પવનોથી બચાવે છે. જેના કારણે ભારતમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે અને તેમાંથી નીકળતી નદીઓ ભારતને અન્ન અને ધાન્યથી સમૃધ્ધ બનાવે છે.ભારતમાં પ્રથમ રેકોર્ડ પર્વતારોહણ અભિયાન 1883 માં થયું હતું જ્યારે વિલિયમ ડબ્લ્યુ. ગ્રેહામની આગેવાની હેઠળની એક ટીમ કુમાઉ પ્રદેશમાં સરનકોટ (20,180 ફૂટ)ના શિખર પર પહોંચી હતી. આનાથી ભારતીય હિમાલયમાં પર્વતારોહણ અભિયાનોની શ્રેણીની શરૂઆત થઈ. 1899માં બ્રિટિશ પર્વતારોહક એલિસ્ટર ક્રોલીએ વિશ્ર્વની ત્રીજી-ઉચ્ચ શિખર કાંચનજંગા પર ચઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.
1957માં સ્થપાયેલ ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન (IMF)એ ભારતમાં પર્વતારોહણને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ અંગે માહિતી આપતા સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાના યુવા પ્રિન્સિપાલ રાજલ પટેલ જણાવે છે કે, પર્વતારોહણ માનવીને પોતાની જાત અને પ્રકૃતિના સાથે સંવાદ કરતાં શીખવે છે. પર્વતારોહણ એ વ્યક્તિને હમેશા ઉપરની તરફ ગતિ કરતાં, બીજાને મદદ કરતાં તથા અન્યોને સાથે લઈને ચાલતા શીખવે છે. સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુ તથા પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ સંસ્થા, જુનાગઢ ખાતે પર્વતારોહણના વિવિધ કોર્સ કરાવવામાં આવે છે. જેમાં વિન્ટર અને સમર એમ બે ઋતુ માટે એડવેન્ચર ટ્રેઈનિંગ કોર્ષ 08 થી 13 વર્ષની વય જૂથ માટે તથા સ્પેશિયલ એડવેન્ચર ટ્રેઈનિંગ કોર્ષમાં 45 થી 65 વર્ષની વય જૂથ માટે કરાવવામાં આવે છે. આમાં રાજ્ય સરકાર દ્વારા રહેવા-જમવાની સુવિધા તથા ટ્રાન્સપોર્ટની સુવીધા પુરી પાડવામાં આવે છે. આ કોર્ષ માટે અન્ય રાજ્યોમાં 25 હજાર જેટલી ફી ચુકવવી પડે છે, જે ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક કરાવવામાં આવે છે. વર્તમાનમાં સમયમાં આ કોર્સના તાલીમાર્થીઓ પાસેથી ફુડ ચાર્જ તરીકે પ્રાતિ દિવસ 150/- રૂ વસુલવામાં આવે છે.
આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા હિમાલયન પર્વતમાળામાં ટ્રેકિંગ માટે તાલીમ અને સહાય બંને પુરૂ પાડવામાં આવે છે. હિમાલયન પર્વતમાળામાં ટ્રેકિંગ 18 થી 45 વર્ષની વય જૂથ માટે શારીરિક તંદુરસ્તી જરૂરી છે.