IUCAW અને દુર્ગાશક્તિની ટીમે કોટક ઇંગ્લીશ મિડીયમ સ્કૂલમાં 100 જેટલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યોે
અબતક, રાજકોટ
કોરોના કાળ હળવા થતાં જ શાળા-કોલેજોની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ થઇ છે. જેના ભાગરૂપે બોર્ડના વિદ્યાર્થીઓનું હિમ્મત વધારવા માટે મહિલા પોલીસ મથકની બે ટીમો દ્વારા મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉત્સાહભેર પ્રદર્શન કરી શકે તે માટે વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા.
પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા મદદનીશ પોલીસ કમિશનર મહિલા સેલ આર.એસ.બારીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ મથકની આઇયુસીએડબલ્યૂ અને દુર્ગાશક્તિની ટીમ દ્વારા ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે ખાસ મોટીવેશન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે પી.વી. કોટક ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષાએ વિદ્યાર્થીઓ માટે મહત્વનો સમયગાળો માનવામાં આવે છે. આ પરીક્ષા દરમિયાન ઘણીવાર વિદ્યાર્થીઓ હતાશા અનુભવતાં હોય છે. જેમની હિમ્મતમાં વધારો કરવા માટે રાજકોટ શહેર પોલીસે એક ડગલું માંડ્યુ છે.
પી.વી. કોટક ઇંગ્લીશ સ્કૂલમાં હાજર 100 જેટલા વિદ્યાર્થીઓને સેમીનારના વક્તા સાગરભાઇ અરવિંદભાઇ ચૌહાણ દ્વારા પરીક્ષાને લગતું જરૂરી માર્ગદર્શન અને સારૂં પ્રદર્શન કરવા માટે મોટીવેટ કરવામાં આવ્યા હતા. આ તકે સેમીનારમાં પી.વી. કોટક સ્કૂલના પ્રિન્સિપાલ પ્રવિણાબેન કાનાણી તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. જ્યારે સેમીનારને સફળ બનાવવા માટે મહિલા પોલીસ મથકના પીએસઆઇ જે.જી.ચૌધરી તથા આઇયુસીએડબલ્યૂ અને દુર્ગાશક્તિની ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.