આંતરિક ચેતના ઉજાગર કરાવે યોગ
અમરેલી જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા તા.૨૧મી જુનને વિશ્વ યોગ દિન તરીક જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર રાષ્ટ્રની સાથોસાથ અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત રાજય બીજ નિગમ અધ્યક્ષશ્રી રાજસીભાઇ જોટવા, સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી આયુષકુમાર ઓક, જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય સહિત મહાનુભાવો સહિત વિશાળ જનસમુદાયે યોગાસનો કર્યા હતા.
પ્રાસંગિક પ્રવચન કરતા ગુજરાત રાજય બીજ નિગમ અધ્યક્ષશ્રી રાજસીભાઇ જોટવાએ કહ્યું કે, યોગાસન એ ભારતની પ્રાચીન સંસ્કૃત્તિ છે. પહેલાના સમયમાં ઋષિઓ યોગધ્યાન કરતા હતા. યોગ આંતરિક ચેતના ઉજાગર કરાવે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારના સમયમાં યોગાભ્યાસનું ઘણું જ મૂલ્ય છે ત્યારે યોગ અને તેના મહત્વને સમજીને ભારત સરકારે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. યોગને રોજિંદા જીવનમાં કેળવીને સારું સ્વાસ્થ્ય હાંસિલ થઇ શકે છે.
કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચન-સંદેશનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતુ.
ધારી-બગસરા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભુવા, કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ. ડોબરીયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એ.બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી ડી.એન. સતાણી, પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેરશ્રી ભટ્ટ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સી.એમ. જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી બી.એસ. બસીયા, સિવિલ સર્જનશ્રી ડૉ. કિશોર રાઠોડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માંકડ, જિલ્લા તિજોરી અધિકારીશ્રી સુવા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વસાવા, સહિત મહાનુભાવોએ યોગાસનો કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને વિવિધ શાળાઓના વિદ્યાર્થી-વિદ્યાર્થીનિઓ ઉપરાંત જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધીશ્રીઓ-સભ્યો તથા મહાનુભાવો પણ યોગમાં જોડાયા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ-અલગ સ્થળો પરના કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિન ઉજવણીમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત જિલ્લાભરમાં શાળા-સંસ્થાઓ-કેન્દ્રો પર લોકો યોગ દિન ઉજવણી માટે સરકારી અધિકારી-કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, બાળકો, સિનીયર સીટીઝન્સ, મહિલાઓ અને નગરજનો જોડાયા હતા.
યોગ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર યોગાભ્યાસાર્થીઓને સન્માનિત પણ આ તકે કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઇ જોષીએ અને યોગનિદર્શન યોગશિક્ષકશ્રી અશરફભાઇ પરમાર તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા યોગગુરૂઓએ કર્યુ હતુ.