માતાને પ્રેમી સાથે જોઇ જતા છરીના છ ઘા ઝીંકી રહેસી નાખી
પાટડી તાલુકાના ધામા ગામે આડા સંબંધમાં આડખીલીરૂપ બનતી તરૂણીને માતાની નજર સામે પ્રેમીએ છરીના છ ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વેપારી શખ્સની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધામા ગામે રહેતી સોનલ ખોડાભાઇ પાનવેચા નામની ૧૭ વર્ષની તરૂણીને ઉમંગ લલિત ઠક્કર નામના લોહાણા શખ્સે છરીના છ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ધામા ગામે કરિયાણાની દુકાન ધરાવતા ઉમંગ ઠક્કર અને મૃતક સોનલની માતા કંકુબેન વચ્ચે આડો સંબંધ હોવાથી ગઇકાલે કંકુબેન પોતાના પ્રેમી ઉમંગ ઠક્કરને મળવા તેના ઘરે ગઇ હતી ત્યારે તેની પાછળ પુત્રી સોનલ પણ ત્યાં જતાં બંનેને જોઇ જતા ઉમંગ ઠક્કર ઉશ્કેરાયો હતો અને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે ઉમંગ ઠક્કર સામે હત્યાનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.મૃતક સોનલ બે ભાઇની એકની એક બહેન હતી તેના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.સોનલના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રાજકોટ મેડિકલ કોલેજમાં કરાવી પોલીસે તપાસ હાથધરી છે.