મોંઘવારીથી મૂકિત અપાવો તેવી પ્રાર્થના કરવા જવુ પણ મોંઘુ બન્યું

રોપ-વેનું સંચાલન કરતી એજન્સીએ ભાડામાં રૂ.29નો વધારો કર્યો

પાવાગઢમાં બિરાજમાન ર્માં મહાકાળીના દર્શન કરવાનું ભાવીકોને હવે મોંઘુ પડી રહ્યું છે. રોપ-વેનું સંચાલન કરતી એજન્સીએ ભાડામાં વધારો કર્યા છે. ઈંધણના ભાવોમાં થઈ રહેલા વધારાના કારણે રોપ-વેનું ભાડુ વધારવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

રાજયમાં પ્રથમ ઉડન ખટોલા પાવાગઢમાં શરૂ કરવામાં આવ્યું હતુ. ભાવીકોએ માં કાળીના દર્શન કરવા માટે પગથીયા ન ચડવા પડે તે માટે શરૂ કરાયેલી રોપ-વે સેવા ખૂબજ લોકપ્રિય બની હતી. હાલ રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા પાવાગઢમાં આવક અને જાવકનું ભાડુ પ્રતિ વ્યકિત રૂ.140 વસુલ કરવામાં આવતું હતુ. દરમિયાન પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારાના કારણે એજન્સી દ્વારા રોપવેના ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. એજન્સી દ્વારા રોપ-વેના ભાડામાં 29 રૂપીયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ભાવિકોએ રૂ.140ના બદલે રૂ.169 રૂપીયા ચૂકવવા પડશે.

મોંઘવારીએ અજગરી ભરડો લીધો છે. ખાદ્ય સામગ્રીથી લઈ તમામ ચીજ વસ્તુઓનાં ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે મંદિરોને પણ મોંઘવારી નડી રહી છે. પાવાગઢમાં રોપ-વે સેવાના ભાડામાં 22 ટકા જેવો વધારો ઝીંકવામાં આવ્યો છે. આગામી દિવસોમાં અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા અને જૂનાગઢમાં ગીરનાર રોપ-વે સેવાનાં ભાડામાં પણ વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાય મંદિરો દ્વારા મોંઘવારી વધવાના કારણે પ્રસાદના દરોમાં પણ વધારો કરી દીધા છે. મોંઘવારીથી મૂકિત અપાવો તેવી પ્રાર્થના કરવા ભગવાનના દ્વારે જવું પણ મોંઘુ બની રહ્યું છે. પાવાગઢમાં રોપ-વેના ભાડામાં વધારો થવાના કારણે ભાવિકોમાં છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.