માતાની આવકનાં આધારે બાળકની કસ્ટડી સોંપવાનો ઈન્કાર ન થઈ શકે: ગુજરાત હાઈકોર્ટ
‘માં તે માં બીજા વગડાના વા’ આ કહેવત કદાચ અહીં સાચી પડી છે. બાળક માટે માતાની આવક કરતા ‘માતૃત્વ’ જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ એક ચુકાદો આપ્યો છે જેમાં બાળકના ઉછેર માટે માતાની આવક નહીં પરંતુ માતાનો પ્રેમ જરૂરી છે તેવું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી છુટાછેડાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં બાળકની કસ્ટડીનો પ્રશ્ન ઉભો થાય છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં બાળકની કસ્ટડી માતાને અપાય છે કેમ કે માતા બાળકનો ઉછેર સારી રીતે કરી શકે છે. જો તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોય તો પણ તેની પાસે સ્ત્રી ધન તો હોય જ છે જે તેને તેના લગ્ન સમયે મળ્યું હોય છે માટે તે સ્ત્રી ધનની સાથે સાથે તે તેના પતિ પાસે પણ ભરણપોષણની માંગણી કરી શકે છે માટે માતા ભલે કમાતી ન હોય પરંતુ બાળકનો ઉછેર કરવા તો તે સક્ષમ હોય જ છે.
ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં જ એક કેસનો ચુકાદો આપતા કોર્ટે જણાવ્યું કે જો માતા પાસે આવકનો સ્ત્રોત ન હોય તો પણ તે બાળકની કસ્ટડી મેળવી શકે છે. સમગ્ર ઘટના એવી હતી કે પતિ-પત્નિએ છુટાછેડા માટે અરજી કરી હતી અને તેવામાં તેમનું બાળક કોની પાસે રહેશે તે યક્ષ પ્રશ્ન હતો. ગાંધીનગરમાં રહેતા મોના અને રીયલકુમાર પટેલે ૨૦૧૨માં સર્વસંમતિથી લગ્ન કર્યા હતા અને ૨૦૧૩માં તેમના ઘરે દિકરાનો જન્મ થયો હતો જોકે દિકરાના જન્મ બાદ મોનાના સાસરીયા તરફથી તેને પરેશાન કરવામાં આવતી જેથી ડિસેમ્બર ૨૦૧૩માં મોના તેના ચાર માસના પુત્રને મુકી તેના પિયર ચાલી ગઈ હતી.
મોનાએ ૨૦૧૫માં બાળકની કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી અને કોર્ટે ૨૦૧૭માં તેની અરજીને નામંજુર કરી તેના પતિનું કહેવું હતું કે, મોના પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી એટલે તે બાળકનો ઉછેર કરવામાં સક્ષમ નથી માટે તેને બાળકની કસ્ટડી મળી શકે નહીં. જોકે, મોનાએ પણ બાળકની કસ્ટડી મેળવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા.
તો બીજી તરફ તેના પતિએ કોર્ટને એવું પણ જણાવ્યું કે તે તેના માત્ર ચાર મહિનાના પુત્રને મુકીને ચાલી ગઈ હતી તેને કસ્ટડી કેમ સોંપાય. ચાર માસનું બાળક માતાના દુધ માટે વલખા મારતું હતું તે સમયે તેને બાળકની યાદ કેમ ન આવી. જો કે ૨૯ સપ્ટેમ્બરે હાઈકોર્ટે નીચલી કોર્ટના જર્જમેન્ટને પડકારતા કહ્યું કે બાળક હજુ પાંચ વર્ષનું પણ નથી થયું અને બીજી વાત એ પણ છે કે જો માતા પાસે આવકનું સાધન ન હોય તો તેને બાળક કેમ ન સોંપાય ? પોતાના માતા-પિતા સાથે રહેતી મોના પાસે તેના લગ્ન સમયે મળેલુ સ્ત્રી ધન તેના બાળકના ઉછેર માટે પુરતું છે માટે માતાના માતૃત્વથી બાળકને વંચિત રાખવું યોગ્ય નથી.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી છુટાછેડાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને પશ્ર્ચિમી સંસ્કૃતિની જેમ માતા-પિતા બાળકની જવાબદારી સ્વીકારતા નથી અને કુટુંબ લગ્ન સંસ્થાની સાથે સાથે કુટુંબ સંસ્થાપણ તુટી રહી છે ત્યારે આવા સંજોગોમાં માતાની આવકને બદલે માતૃત્વને પ્રાધાન્ય આપવું જરૂરી બની રહ્યું છે કેમ કે માતા જ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે છે.