- અંગ્રેજી માધ્યમમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ગુજરાતી જ્ઞાન હોવું અનિવાર્ય છે
- ગુજરાતી ભાષાની બાળકોમાં વાંચન અને લેખનની ઉણપ: બાળકોમાં માત્તૃભાષાના સર્વાંગી વિકાસના પ્રયત્નો માટે સમાજને અપીલ
દેશ દુનિયાનું જ્ઞાન લેવાની હરીફમા આજે માતૃભાષાને લોકો ભૂલી ગ્યા છે ત્યારે નવી આવનારી પેઢીમાં માતૃભાષાની ઉણપ ના સર્જાય એ માટેની તકેદારી તો સૌએ લેવાની જ રહી તો ચાલો આજે માતૃભાષા શું અને તેને કઈ રીતે બાળકોમાં વિકસાવવી તેનું જ્ઞાન મેળવીએ.
આજે જયારે અંગ્રેજી ભાષા ગ્લોબલ સ્તરે વિકસિ છે ત્યારે દરેક માતા પિતાને પોતાનું બાળક અંગ્રેજી ભાષામા નિપુણતા ધરાવે એ સ્વપ્નને સાકાર કરવું છે. જે બદલ માતાપિતા તેના બાળકને અંગ્રેજી માધ્યમની શાળામા અભ્યાસ કરાવી તેને સંપૂર્ણ અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતો કરવા ઈચ્છે છે ત્યારે ઘર આંગણે રહેલી માતૃભાષાને બાળક સરખું જાણતો પણ નથી એક ગુજરાતી તરીકે જે ગુજરાતી ભાષાને જાણવી, સમજવી અને વ્યક્ત કરવી આપણા માટે મુશ્કેલ થઈ પડી છે ત્યારે આજે તેનું જતન પણ આપણે જ કરવાનું છે.
ગુજરાતીઓની આગવી ઓળખ એટલે કે ગુજરાતી ભાષા. આજ આપણું જ બાળક ગુજરાતી ભાષા પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. બાળકોને સારી અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરાવવાના મોહ પાછળ માતા-પિતાએ બાળકમાં ગુજરાતી ભાષા પ્રત્યેની દિનપ્રતિદિન વધતી ઉણપને ધ્યાનમાં જ નથી લીધી. આ માટે એક માત્ર વિદ્યાર્થીને જ નહીં પણ શાળા અને શિક્ષકોએ પણ પ્રયત્નો કરવા ખાસ જરૂરી બન્યા છે. દરેક માધ્યમની શાળામાં ગુજરાતી માધ્યમનું વાંચન અને લેખનનું બાળકમાં પૂરતું જ્ઞાન આવે અને બાળકમાં અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન કેળવાય એ બાબતે પ્રયત્નો કેળવવા ખુબ જ આવશ્યક છે.
એવું કહેવાય છે કે સપનાઓ હંમેશા માતૃભાષામાં જ આવે છે, તો એનું જ્ઞાન તો દરેક વ્યક્તિમાં અનિવાર્યપણે હોવું જ જોઈએ. સુખ દુ:ખ અને લાગણીની ક્ષણોમાં જે પેલો શબ્દ બોલવામાં આવે છે તે શબ્દ એટલે માતૃભાષા. તો આવનારી પેઢીમાં દરેક ભાષાનું જ્ઞાન કેળવાય, ને બાળક નિપૂણ બને તે માટે ભાષાના વિકાસ અને જતન બાબતે ચલો મળીએ કેટલાક નિષ્ણાંતોને અને તેમના માતૃભાષા પ્રત્યેના વિચારોને જાણીએ.
માતૃભાષાની મહત્તા માટે જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું તેમજ મજાનું સ્લોગન આપ્યું છે, ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે.’
ગર્ભાવસ્થા દરમ્યાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું હોય છે. તેના આ માનસિક બંધારણ ઉપર મોટે ભાગે તેની માતાના વર્તન, વ્યવહાર, જીવનશૈલી અને આસપાસના વાતાવરણનો ઘણો પ્રભાવ હોય છે. સંભાળતી ભાષા, ઉપરથી ભાષાને ઝીલવાની; સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિષ્કમાં છે. અને, આ ક્ષમતા બાળકમા તે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ કાર્યરત થઈ જાય છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકનું મગજ કાને પડતી ભાષાને ગ્રહણ કરવામાં અત્યંત કુશળ બની જાય છે. બાળકને સાંભળવાની તકલીફ ન હોય તો તે સાંભળી સાંભળીને જ માતૃભાષા શીખી જાય છે. ગર્ભમાંથી જ બાળક માતાની ભાષા શીખવા લાગે છે, તેથી તે માતૃભાષા કહેવાય છે. બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માતૃભાષાના બે હજાર જેટલા શબ્દો તેના અર્થ અને ભાવ સાથે શીખીને તેને અનુભવમાં પણ લઈ લે છે. અંગ્રેજી માધ્યમમાં 1 થી 10 ધોરણ સુધી ભણ્યા પછી પણ બાળક અંગ્રેજી ભાષાના તેટલા શબ્દોના ભાવ અને અનુભવનો સાક્ષાત્કાર નથી કરી શકતો.
માતૃભાષામાં બાળક જ્ઞાનને ઝડપથી ઝીલે છે. જે ભાષામાં બાળક ઊછર્યું હોય તે જ ભાષામાં ગ્રહણશક્તિ, સમજશક્તિ અને વિચારશક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે. આ કમ્પ્યુટરની સહુથી વધુ બંધ બેસે તેવી ભાષા માતૃભાષા છે.
ઘરમાં બોલાતી ભાષા એ જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે. મનોવૈજ્ઞાનિકો, બાલમાનસશાસ્ત્રીઓ અને બાલરોગચિકિત્સકો પણ માને છે કે ઘર અને નિશાળની ભાષા જુદી પડે ત્યારે બાળક મૂંઝાય છે, મુરઝાય છે, લઘુતાગ્રન્થિનો ભોગ બને છે. ક્યારેક તો ઘેરી માનસિક હતાશાનો ભોગ બને છે. તેનો બૌદ્ધિક વિકાસ પણ રૂંધાય છે.
બાળક માના ખોળામાં જેટલું ખીલે એટલું આયાના ખોળામાં ન ખીલે, એ સીધી સરળ વાત આજે અચાનક અઘરી કેમ બની ગઈ હશે ! અંગ્રેજી ગેસ્ટ ભાષા છે. માતૃભાષા બેસ્ટ ભાષા છે. મહેમાનની ઊંચી સરભરા ભલે કરો. પણ મમ્મી-પપ્પાને બહાર હાંકી કાઢીને મહેમાનને ઘરમાં સ્થાન ન જ અપાય.
માતૃભાષાના માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ લગભગ આઠ-નવ ધોરણ સુધી ટ્યુશન કરતા નથી. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને શરૂઆતથી જ ટ્યુશન શા માટે કરાવવું પડે છે ?
જાપાન અને જર્મનીમાં સર્વેક્ષણો થયા છે. તેના તારણોમાં જણાયું છે કે, માતૃભાષાના માધ્યમમાં ભણનારની સ્ટ્ર્રેસ કેપેસિટી વધારે હોય છે, જે તેને જીંદગીના બધા પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે.
અંગ્રેજી ભાષાનો વધુ ને વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપવામાં આવે છે કે આજે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખી રહ્યા છે. પણ ચીનમાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાઈ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ચીન જે સફળતાએ પહોંચ્યો છે તેના પરથી આજે એ પણ માને છે કે શિક્ષણ માતૃભાષામાં દેવું જોઈએ.
ઈઝરાયલ કે જે આપણા દેશના દસમાં ભાગમાં પણ નથી આવતો તેવો આ દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણાથી ઘણો આગળ છે. તેમજ આપણાથી દસ ગણા વધુ નોબેલ પુરસ્કારો પણ મેળવ્યા છે. તેનું કારણ માત્ર એ જ છે કે તે દેશના બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવે છે. તે જ રીતે રશિયા, ફ્રાંસ, ચીન, જર્મની દેશોમાં એમની જ માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે અને કોઈ પણ દેશ પ્રગતિમાં પાછા નથી રહ્યા.
મોરારિબાપુ કહે છે : અંગ્રેજી કામની ભાષા છે. તેથી તેની પાસેથી કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીનું સ્થાન ન અપાય.
ઘણાં સર્વેક્ષણો અને અભ્યાસોએ પુરવાર કર્યું છે કે, માતૃભાષા છોડીને પરાયી ભાષાના માધ્યમથી શિક્ષણ લેનાર બાળકનો બૌદ્ધિક વિકાસ રૂંધાય છે. છતાં, પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખનારા માતા-પિતા પોતાની ઊંચી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કેમ નહિ કરતા હોય ? ચંદ્રકાન્ત બક્ષીએ એક જગ્યાએ લખ્યું છે કે, જગતમાં કોઈ અક્કલવાળી પ્રજા બાળકને પહેલો કક્કો માતૃભાષા સિવાયનો શીખવતી નથી. વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો જે ભાષામાં રજૂ થાય, તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય.
EFA Global Monitoring Report-2005 The Quality Imperative માટે સ્વીડનની સ્ટોકહોમ યુનિવર્સિટીના ડો. કેરોલ બેન્સને પોતે હાથ ધરેલા એક વિસ્તૃત અભ્યાસનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમના અભ્યાસનો વિષય હતો : The importance of mother tongue-based schooling for educational quality – તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં 1970થી માંડીને થયેલા અનેક સર્વેક્ષણો અને અભ્યાસોને, સંદર્ભોને પોતાના શોધલેખમાં ટાંક્યા છે. આ શોધલેખમાં રજૂ થયેલી વિગતો અને તારણો ખૂબ રસપ્રદ છે.
માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ જ નથી. પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતાં તેનાથી ખૂબ સારા પરિણામો દેખાયા છે. માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લેનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે. માતૃભાષાના સહારાથી તેમને તે બીજી ભાષામાં પણ ખૂબ સારી ફાવટ આવી જાય છે. બન્ને ભાષામાં તે વિદ્યાર્થી પાવરધો બને છે.
વિદ્યાર્થી માતૃભાષામાં વર્ગની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. અભિવ્યક્તિ ખૂલે છે અને પ્રતિભા બહાર આવે છે. માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે. પોતાના જ્ઞાન અને અનુભવને નિ:સંકોચ રજૂ કરવાની બાળકને તક મળે છે.
દરેક પ્રજાને પોતાની ભાષા અને સંસ્કૃતિ માટે સ્વાભાવિક લગાવ અને લાગણી હોય છે. માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ પામે છે.
માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ રસ લેતા થાય છે. પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમાં આવે છે. વાલીઓના શિક્ષકો અને શાળા સાથે બંધાતો નાતો બાળકોના લાભ માટે થાય છે.
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાથી ભણવામાં બાળાઓને રસ અને ઉત્સાહ ખૂબ વધે છે. અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ટકાવારીમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.
વર્ગમાં પ્રશ્નો પૂછવાની અને જવાબ આપવાની હિંમત બાળકમાં ખૂલે છે. શ્રી પટ્ટનાયકના સર્વેક્ષણનો સંદર્ભ ટાંકીને ડો. કેરોલ બેન્સને ભારતની પણ વાત કરી છે. ભારતમાં ત્રણ ભાષા ભણાવવામાં આવે છે. પ્રાદેશિક ભાષા, રાષ્ટ્રભાષા-હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા-અંગ્રેજી. જે વિદ્યાર્થીની પ્રાદેશિક ભાષા માતૃભાષા નથી તેવા વિદ્યાર્થીઓ ખૂબ તકલીફ અનુભવે છે.
દા.ત. મહારાષ્ટ્રમાં ભણતું ગુજરાતી બાળક મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભણે છે. તેની માતૃભાષા તો ગુજરાતી છે. આપણા દેશની વિવિધ ક્ષેત્રની ઉચ્ચ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓની જીવનકથા વાંચો. મોટેભાગે તે બધાએ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ લીધું છે.
‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે નોબલપ્રાઈઝ પ્રાપ્ત કરનાર રવીન્દ્રનાથ ટાગોર અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમત્ર્યસેન માતૃભાષા બંગાળીમાં ભણ્યા હતા. અંગ્રેજી ભાષા સાથે જોડાવાથી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે છે અને તેની સાથે જ આપણી મહાન સંસ્કૃતિ ક્ષતિ પામે છે.
વિજ્ઞાનક્ષેત્રે નોબલ પુરસ્કાર જીતનાર સી.વી.રામને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. વિખ્યાત અણુવિજ્ઞાની અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતાની માતૃભાષામાં ભણ્યા હતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્રભૂષણ વગેરે અનેક ખિતાબો, એવોર્ડસ અને ઈનામો પ્રાપ્ત કરનાર, સાયન્સ અને એન્જીન્યરિંગના વિષયમાં 25 જેટલી યુનિવર્સિટીઓમાંથી જેમણે ડોક્ટરેટ કરેલું છે. અરૂણભાઈ ગાંધી તાતા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે. રતન તાતાના જમણો હાથ સમા અરૂણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલમાં એસ.એસ.સી. સુધીનો અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.
અવકાશયાત્રા દરમ્યાન પોતાનો જાન ગુમાવનાર અને વિશ્વભરમાં પોતાનું નામ રોશન કરનાર કલ્પના ચાવલાએ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે જે ઓળખાય છે તે બાબાસાહેબ આંબેડકરે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતી ભણ્યા હતા. ગાંધીજીએ લખ્યું છે : માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે, તેની અને શાળાની વચ્ચે જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું ભારે પ્રાયશ્ચિત આપણે કરવું પડશે.
ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ મજેવડીની ગુજરાતી શાળામાં પોતાનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભાના ધારક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા.
અંગ્રેજી માધ્યમ પાછળની આજની ગાંડી અને આંધળી દોટને કારણે પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાયા પછી પણ આજે પ્રતિવર્ષ જાહેર થતા 10માં અને 12માં ધોરણના પરિણામોના મેરિટ લીસ્ટમાં પ્રાદેશિક ભાષામાં ભણનારા વિદ્યાર્થીઓના નામ ખૂબ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને સીધો સંબંધ છે, તે સ્પષ્ટપણે પુરવાર થાય છે.
મગજના કમ્પ્યુટરની ભાષા માતૃભાષા છે. તેથી અન્ય ભાષાના શબ્દો કે વાક્ય પ્રયોગોનું પહેલા આ કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરશે. પછી, વિષયવસ્તુને સમજવા માટે મગજનો ઉપયોગ કરશે. તેની મગજની ઘણી બધી શક્તિ તો ભાષાંતરનો વ્યર્થ વ્યાયામ કરવામાં જ વપરાઈ જશે. માતૃભાષા ભણનાર બાળકના મગજની પૂરી શક્તિ વિષયવસ્તુને સમજવામાં વપરાય છે. માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોંશિયાર હોય છે, તેનું આ રહસ્ય છે.
મારું તો એવું માનવું છે કે, પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી જ તે અંગ્રેજી ભાષા શીખે તો વિષયોની જેમ અંગ્રેજી ઉપર પણ તેનું ખૂબ પ્રભુત્વ આવે છે.
અંગ્રેજી માધ્યમમાં ભણવાથી બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ વિકાસ પામે છે, ખૂબ હોંશિયાર અને સફળ થાય છે તે નર્યો ભ્રમ છે. સફળતા કે સિદ્ધિને ભાષા નહિ, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોઈ શકે. બધા જ અંગ્રેજો અને અમેરિકનો સિદ્ધિના શિખરે છે તેવું નથી અને બધા બિનઅંગ્રેજીભાષકો બેહાલ છે, તેવું પણ નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોએ માતૃભાષાનો જ મહિમા કર્યો છે.
બાળકને અંગ્રેજી માધ્યમાં ભણાવવાની બે ફલશ્રુતિ બહાર તરી આવે છે. બાળક લઘુતા ગ્રન્થિથી પીડાય છે અને મા-બાપ ગુરુતાગ્રન્થિ !
અભિવ્યક્તિનું અને ગ્રહણ તથા સમજણ માટેનું શ્રેષ્ઠ માધ્યમ માતૃભાષા જ છે. મહાવીર સ્વામી લોકભાષા પ્રાકૃતમાં જ ધર્મદેશના આપતા હતા.
સંત તુલસીદાસે રામચરિત માનસની રચના લોકભાષા અવધીમાં કરી. સંત જ્ઞાનેશ્વરે ‘જ્ઞાનેશ્વરી’ મરાઠીમાં રચ્યું.
એક સરેરાશ અંગ્રેજ કરતાં મહાત્મા ગાંધીનું અંગ્રેજી વધારે સારું હતું. તે છતાં પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ તેમણે માતૃભાષા ગુજરાતીમાં લખી.
માતૃભાષા દરવાજા જેવી છે, અંગ્રેજી ભાષાને બારી કહી શકાય. બારી બહાર ડોકિયું કરવા કામ લાગી શકે. પણ, આવન-જાવન તો દરવાજા દ્વારા જ થઈ શકે !
બેબીફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ન હોય, પણ સમગ્ર સંસાર એ વાત જાણે છે કે મા ના દૂધની બરાબરી કોઈ જ બેબીફૂડ કરી શકે નહીં. બસ, આટલો જ ભેદ માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે. માણસે માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય, સર્જનાત્મક બનવું હોય તો જીવનરૂપી ક્યારીમાં માટી તો માતૃભાષારૂપી જ હોવી જોઈએ.
મારી દ્રષ્ટિએ માતૃભાષામાં શિક્ષણ-પ્રાથમિક શિક્ષણ તો જરૂરી છે, કારણ કે –
શીખવા માટે વિચારવું અને કલ્પના કરવાનું સ્વાતંત્ર્ય જરૂરી છે, તેથી જ માતૃભાષામાં શિક્ષણ જરૂરી છે. બાળકનું મન ઘડા જેવું છે. ખૂબી ઘડાની સુંદરતાની નહીં, પરંતુ ઘડનારની છે. બાળકની નિખાલસતા સાચવવાની જવાબદારી માતાપિતાની છે,નિખાલસતા માતૃભાષાના શિક્ષણ દ્વારા આવે છે.માતૃભાષા એ પ્રેરણાસ્ત્રોતની ગંગોતરી છે. માતૃભાષા એ માર્ગદર્શકની દિવાદાંડી છે. માતૃભાષા એ જીવનને મધુર બનાવતી પલો છે. માતૃભાષા એ પ્રેમ કરવાની કળા છે. સંવાદ કરવાની કળા છે. માતૃભાષા એ શ્રવણકળાની પ્રેક્ટિસ કરવાનું પ્લેટફોર્મ છે. માતૃભાષા એ સંશોધન કરવાની મજા છે. માતૃભાષા એ પ્રશંસા થકી પ્રેરણા પૂરી પાડવાની કળા છે. માતૃભાષા દામ્પત્ય સંબંધોમાં મધુરતા બક્ષતી સુવર્ણ ક્ષણો છે. માતૃભાષા એ આદર આપવાની કલા છે. માતૃભાષા એ ઈશ્વર પ્રત્યેની આસ્થા છે. દરેક બાળકને ઈશ્વરની ગવાહી છે કે કુદરતને હજુ માનવજાત ઉપર શ્રદ્ધા છે.
ભાષા તો માત્ર એક માધ્યમ છે જ્ઞાન આવશ્યક છે: નિકુંજ ચણાભટ્ટી
ન્યૂ ગુરુકુલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ-કાલાવડ રોડના ડાયરેક્ટર -નિકુંજ ચણાભટ્ટીએ જણાવ્યું કે, હું એવું માનું છું કે,બાળકને ક્યાં માધ્યમમાં ભણાવવું એનો બાળકના ઉછેરના આધારે જ નિર્ણય કરવો જોઈએ.જો માતાપિતા શિક્ષિત હોય તો એમણે બાળકને અંગ્રેજી માધ્યમમાં જ બેસાડવું જોઈએ પરંતુ જો ઘરનું સંપૂર્ણ વાતાવરણ ગુજરાતીમય હોય તો બાળકને ગુજરાતી માધ્યમમાં જ ભણાવવું જોઈએ. જેથી બાળકને પરિવાર તરફથી યોગ્ય સલાહ નિર્દેશ સૂચવવામાં આવે.
વધુમાં જણાવતા કહ્યું કે, મેં એવા ઘણા ઉદાહરણ જોયા છે કે જેમાં અંગ્રેજી માધ્યમના બાળકો ગુજરાતી ભાષાના વાંચન અને લેખનમાં ભૂલો કરે છે ત્યારે બાળકના માતા પિતાએ બાળકને ઓછામાં ઓછું પંદર મિનિટ દરરોજ ગુજરાતી સમાચારપત્ર વંચાવવાંની ટેવ પાડવી જોઈએ. જેથી બાળક એની માતૃભાષાને સારી રીતે વાચી કે લખી શકે. જો આમ ન કરવામાં આવ્યું તો મારાં ખ્યાલ મુજબ અંતે બાળક નહીં તો ગુજરાતી ભાષાનું રહે કે નહીં અંગ્રેજી ભાષાનું રહે. મેં એવા ઘણા ઉદાહરણ જોયા છે કે જેમાં બાળકને ગુજરાતી આંકડાનું પણ પૂરતું જ્ઞાન નથી હોતું. આપણે ઘરમાં જે વાતાવરણ ઉભું કરેલું છે એ થોડું ગુજરાતી અને થોડું અંગ્રેજી છે. જેથી બાળક ગુંચવાયેલું રહે છે. આજના યુગમાં અંગ્રેજી ભાષાનું ખુબ જ મહત્વ વધ્યું છે.દરેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષા સૌથી અગત્યની બની રહી છે.તો એનું જ્ઞાન તો આવશ્યક જ છે પરંતુ જયારે તમે ગુજરાતમાં રહેવાના છો ત્યારે ગુજરાતી આવડવું જ જોઈએ. માતૃભાષા પર પણ એટલું જ પ્રભુત્વ હોવું જરૂરી છે.
અંતે તેમણે જણાવ્યું કે, આપ અંગ્રેજી માધ્યમમાં તમારા બાળકોને ભણાવો એ વાત ખુબ જ સારી છે.પરંતુ સાથે સાથે આપણી માતૃભાષાની આપ જરા પણ અવગણના ન કરો. તમે બાળકોને ગુજરાતી નાટક અને ફિલ્મોની સાથે પરિવારમાં દાદા-દાદી સાથે વાર્તાઓ અને પ્રાર્થના કરતી વખતે ઘણા એવા ગુજરાતી શબ્દોનો પણ ખરો અર્થ સરળ શબ્દોમાં ગુજરાતીમાં સમજાવવાનો પ્રયાસ કરો. શાળાના શિક્ષકોએ પણ કાળજી લેવી કે બાળકની પ્રતિભા એની માતૃભાષામાં ખીલે.
મહાન ગુજરાતી સહિત્યકાર અખાના શબ્દોમાં જણાવતા કહ્યું કે, “ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર” કહેવાનો અર્થ છે,કે બાળકની આવડત ખીલે એ જ આપનો ઉદ્દેશ્ય છે. બાકી ભાષા તો બસ એક માધ્યમ છે.એટલે આપણે અંગ્રેજી માધ્યમમાં ચોક્કસ બાળકોને ભણાવીએ પરંતુ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન, આંકડાકીય સમજ અને શબ્દો પરનું પ્રભુત્વ કેળવતા ન ભૂલીએ.
રાજ્ય સરકારના નવા નિયમ મુજબ દરેક શાળા-વર્ગમાં ગુજરાતી ભણાવાશે: પ્રકાશ કરમચંદાણી
પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત કોચિંગ ક્લાસ આસોશિએશનના પ્રકાશ કરમચંદાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતી માધ્યમ,હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ એમ ત્રણ માધ્યમોમાં બાળકોને ભણાવવામાં આવે છે.પહેલા તો માત્ર ધનિક વર્ગના બાળકો જ અંગ્રેજી માધ્યમમાં ભણતા હતા પરંતુ આજે તો ગરીબ અને મધ્યમ વર્ગોના વાલીઓ પણ બાળકને અંગ્રેજી માધ્યમ માં જ ભણાવાનો પ્રથમ આગ્રહ અને ઈચ્છા ધરાવે છે. જેનાથી ક્યાંક ને ક્યાંક આપણી માતૃભાષાનો બાળકોમાં પ્રભાવ ઓછો થઈ ચુક્યો છે.
અમને વધુમાં જણાવતા કહ્યું કે, મારું માનવું એવું છે,કે બાળકોમાં અંગ્રેજી ભાષાનો અભાવ તો ન હોવો જોઈએ પણ પ્રભાવ તો ન જ હોવો જોઈએ. કહેવાનો અર્થ એ છે અંગ્રેજી ભાષાની ઘેલછામાં ગુજરાતીને ભૂલી જઇએ,એવું ના જ કરવું જોઈએ. એક સમયમા ક્યાંક ને ક્યાંક શાળા કક્ષાએ ગુજરાતીની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી ત્યારે ગત વર્ષે સરકારે એવો નિયમ દાખવ્યો છે કે, ગુજરાતમાં આવતી તમામ શાળાઓમાં દરેક ધોરણોમાં ગુજરાતી વિષય અનિવાર્ય છે, જેને લઈને દરેક શાળામાં એક સોગંદનામું પણ લેવામાં આવ્યું છે. જેની આવનાર દિવસોમાં અસર જણાશે જ અને બાળકોની ગુજરાતી ભાષા પ્રત્યેની ઉદાસીનતાનો પણ અંત આવશે. વધુમાં એમણે માતૃભાષા વિલુપ્ત ના થાય અને બાળકોમાં અંગ્રેજીની સાથે જ ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન કેળવાય એ માટેના સરકારના પ્રયત્નોમાં આપણે પણ સહભાગી બનવું જોઈએ. અને બાળકના સર્વાંગી વિકાસ કેળવાય એ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ, એમણે સમાજના લોકોને એવી અપીલ કરી.
જે ર્માં પાસેથી શીખીએ એ જ માતૃભાષા છે: અરુણ દવે
જે માઁ પાસેથી શીખવા મળે છે તે આપણી માતૃભાષા છે. જો માતૃભાષામાં શિક્ષણ અપાય તો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત છે.એનું કારણ છે કે માતૃભાષા સરળતાથી સમજાય જાય. વધુમાં એમણે જણાવ્યું કે અંગ્રેજી અને હિન્દી ભાષા એ મદદનીશ ભાષા છે. એટલે જો માતૃભાષામાં બાળક પારંગત હશે તો જ બાળક અન્ય ભાષાઓ શીખશે. રાજ્યની નવી શિક્ષણનીતિ વિશે વાત કરીએ તો તેના નિયમાનુસાર બાળકોને 1 થી 4 ધોરણનું શિક્ષણ ગુજરાતી માધ્યમમા જ કરાવવા બાબત છે પરંતુ તે નિયમોનું હજુ પણ પૂર્ણત: પાલન નથી કરવામાં આવતું અને નર્સરી, એલ.કે.જી. અને એચ.કે.જી. ના માધ્યમથી બાળકોને પેલા એબીસીડી શીખવવામાં આવે છે પરંતુ ખરેખર બાળકોની શરૂઆત કક્કો અને બારક્ષરીથી થવી જોઈએ. જેને એનો અભ્યાસ આવડી જશે તે બાળકને વાંચતા અને સમજતા આવડી જશે. અને અંતે બાળકની વિચારશક્તિ વિક્સશે. માતૃભાષામા શિક્ષણ મળવું એ બાળકનો પ્રથમ અધિકાર છે. ગુજરાતના ઘણા એવા મહાનુભાવો છે કે જેમનું પ્રાથમિક શિક્ષણ માતૃભાષામા જ હતું તો એવી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી એ એટલી મીઠી ભાષા છે અને સરળતાથી સમજાય જાય એવી ભાષા છે તો શા માટે વાલીઓ અંગ્રેજી પાછળ આંધળી દોટ મૂકે છે.આ ઉપરાંત તેમણે અબતકના માધ્યમથી સર્વે વાલીઓને નમ્ર વિનંતી કરી કે મેં મારાં જીવનના 40 વર્ષ બાળકોને ભણાવ્યું છે, તો આપ આપના બાળકોને ગુજરાતી માધ્યમમા જ અભ્યાસ કરાવો અને બાળકને તેની માતૃભાષાથી દૂર ના કરો.