ગુજરાતી ભાષાને ધો.1થી8 સુધી ફરજિયાત કરીને ગુજરાતી, સંસ્કૃતિ અને સાહિત્યને સાચવવાનું પ્રશંસનીય ભર્યું છે
તાજેતરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ હજુ ગયો કે તરત જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક ગુજરાતી બાળકને માતૃભાષા શીખવવાનું ફરજિયાત કરીને, ગુજરાતને માતૃભાષા દિવસની ભેટ આપી ને ખરા અર્થમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવ્યો છે.
“ભાર વિનાનું ભણતર” કરવા માટે શિક્ષણ વ્યવસ્થામાં સમયે સમયે ફેરફાર કરવામાં આવતા હતા. પરંતુ દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ માટે ભણતરનો ભાર વધતો જતો હતો. ગુજરાતી ભાષાને શિક્ષણમાં ફરજિયાત લાવીને નવી પેઢી માટે ખરેખર ભણતરનો ભાર ઘટાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે.
દેખાદેખી ના આ યુગમાં બાળકને અંગ્રેજી માધ્યમમાં બેસાડતા મા-બાપને ખુદને અંગ્રેજી બહુ આવડતું ન હોય, તેથી ટ્યુશન કરાવીને બાળકને વધુને વધુ સમય ભણવા પાછળ રોકી રાખવાથી ખેલવા કુદવાની બદલે સતત ભણતર બાળકને ખીલવાની બદલે મુરજાવી નાખે છે. ઘરમાં તેમજ આડોશ-પાડોશ કે સગા-સંબંધીમાં જ્યાં પણ જાય ત્યાં ગુજરાતી જ બોલાતું હોવાથી બાળકને ગુજરાતી આવડે છે, પરંતુ સ્કૂલમાં ગુજરાતીના બદલે પરાણે અંગ્રેજી પિરસાતું હોવાથી બાળકની દશા “ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો”, જેવી થાય છે.
અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ, પણ કમસે કમ એક વિષય તરીકે માતૃભાષા ગુજરાતીને આવરી લેવાથી ભાષાકીય વિષય ભણવાની ચિંતા વિદ્યાર્થીને અડધી થઈ જશે. કારણકે ગુજરાતમાં રહેતો બાળક જન્મથી જ ગુજરાતી ભાષા સાંભળતો આવ્યો છે, તેની કલ્પના, તેનાં વિચારો તેને ગુજરાતીમાં જ આવે છે તેથી ગુજરાતી વિષય સહેજમાં આવડી જાય છે.અંગ્રેજી માધ્યમમાં ભણતા કોઈપણ ગુજરાતી વિદ્યાર્થીને પૂછજો કે તેને સ્વપ્ન કઈ ભાષામાં આવે છે? જોજો સ્વપ્ન માં બોલેલા કે સાંભળેલા શબ્દો હંમેશા ગુજરાતીમાં જ હોય છે. કારણ કે સ્વપ્ન, વિચારોનું માધ્યમ છે અને દરેક “ગુજરાતીઓ” ને વિચારો ગુજરાતીમાં જ આવે છે.
આ છે આપણી માતૃભાષાની કમાલ !ધીમે ધીમે શિક્ષણમાંથી ગુજરાતી ભાષા ભૂંસાતી જતી હતી. તેની જગ્યાએ અંગ્રેજી તો ઠીક પરંતુ ફ્રેન્ચ અને સ્પેનિશ જેવી અન્ય વિદેશી ભાષાઓ ઘુસાડવાથી ભણતરનો ભાર વધતો જતો હતો, તેમ છતાં મા બાપ પણ એ બાબતમાં ગર્વ લેતા ફરે છે કે મારું બાળક ફ્રેંચ ભાષા શીખે છે. અરે ગુજરાતમાં રહેનારને ફ્રેન્ચ કે સ્પેનિશ શીખવાની શી જરૂર? હા બાળક મોટો થઈને વિદેશ જવાનો જ હોય તો, ત્યારે ચાર છ મહિનામાં વિદેશી ભાષા શીખી લેશે. પરંતુ અત્યારે ગુજરાતમાં રહે છે અને ગુજરાતી નથી આવડતું એનું શું?
આપણી આજુબાજુ બોલતી વ્યક્તિ ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરે છે. છાપા, ચોપડીઓ ગુજરાતીમાં આવે છે, તે વાંચતા ન આવડે અને ભવિષ્યનો વિચાર કરીને અન્ય વિદેશી ભાષા શીખવાડે એ કેટલી મૂર્ખતા કહેવાય !આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતના ગામડામાં બાળપણ વિત્યું છે અને ગુજરાતી ભણીને તેઓ અહીંયા સુધી પહોંચ્યા છે. મહાત્મા ગાંધી પણ ગુજરાતી ભણીને પછી બેરીસ્ટર બન્યા હતા. આવા તો કંઈ કેટલાય ઉદાહરણ છે, પરંતુ અત્યારના માવતર જ પોતાના સ્ટેટસ માટે લાખો રૂપિયાની ફી ભરીને બાળકને આવી અન્ય ભાષાઓ ભણાવીને ભણતરનો ભાર વધારી રહ્યા છે.
ગુજરાતી ભાષાને ધોરણ 1 થી 8 સુધી ફરજિયાત કરીને ગુજરાત સરકારે આપણી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્યને સાચવવાનું તેમજ આગળ વધારવાનું પ્રશંસનીય પગલું ભર્યું છે. ગુજરાતી સાહિત્ય વારસો જાળવી રાખવા માટે તેનો પ્રચાર અને પ્રસાર ખૂબ મહત્વનો છે. અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા લાવવાથી ગુજરાતી સાહિત્યનો પ્રચાર થશે. કવિ કલાપી, કવિ નર્મદ કે ઝવેરચંદ મેઘાણી જેવા મહાન સાહિત્યકારોને અત્યારની પેઢી ઓળખતી પણ નથી, જેને હવે ઓળખતી થશે, તેમજ નવા સાહિત્યકારો જન્મ લેશે.નવી પેઢીને ગુજરાતી ભાષા ભણાવવાથી તેઓ ગુજરાતી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થશે. અત્યારના 15 થી 25 વર્ષની ઉંમરના ગુજરાતી યુવાઓ આપણી સંસ્કૃતિ પ્રત્યે સૂગ દર્શાવે છે, હોટલ કે થિયેટરમાં એ સૂગ નજરે ચડે છે. જેમ કે ગુજરાતી મુવી ને બદલે અંગ્રેજી કે હિન્દી ડબ મુવી જોવું, ગુજરાતી થાળીને બદલે પંજાબી કે પીઝા પસંદ કરવા.
અત્યારની નવી પેઢી આપણી ગુજરાતી પરંપરાનું અનુસરણ કરવાને બદલે સતત પ્રશ્નો પૂછે છે, જેના જવાબ મા બાપ પાસે ન હોવાથી તેઓ પરંપરા ને તોડે છે. આપણી પરંપરા અને ધર્મને જાણવા માટે સાહિત્યનું વાંચન ખૂબ જરૂરી છે અને તેના માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું પણ એટલું જ જરૂરી છે.