અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડયા અને પંકજ ભટ્ટ સહિતનાઓ ગાંધીજીને પ્રિય એવા મેઘાણી-ગીતો રજુ કરશે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ, પિનાકી મેઘાણીનાં માતા તથા આજીવન સમાજસેવિકા – પૂર્વ સાંસદ સ્વ. જયાબેન વજુભાઈ શાહનાં નાનાં બહેન સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં ૨૫ નવેમ્બર ૨૦૧૮ ને રવિવારે — સાંજે ૫ કલાકે — અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ (હીરક મહોત્સવ હોલ) ખાતે ‘માતૃવંદના સ્વરાંજલિ કાર્યર્ક્મનું આયોજન કરાયું છે. ગાંધીજીને પ્રિય એવાં મેઘાણી-ગીતો ગુજરાતનાં ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા, ઋષભ આહીર અને ગંગારામ વાઘેલા રજૂ કરશે. જાણીતા સંગીતકાર પંકજ ભટ્ટનું સંગીત નિયોજન છે.
વિવિધ મેઘાણી-સ્મૃતિ કાર્યક્ર્મો માટે પ્રેરણાસ્તોત્ર કુસુમબેન મેઘાણીની સ્મૃતિમાં આ વિશેષ કાર્યક્ર્મનું આયોજન ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયું છે. કુસુમબેન પ્રત્યે લાગણી અને આદરભાવથી પ્રેરાઈને અભેસિંહભાઈ રાઠોડ અને સહુ કલાકારો સ્વરાંજલિ અર્પણ કરશે. ગૂજરાત વિદ્યાપીઠનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.
કુસુમબેન મેઘાણીએ ૮૦ વર્ષની વયે ૬ નવેમ્બર ૨૦૧૮ના રોજ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. પ્રાધ્યાપક રહી ચૂકેલાં કુસુમબેન પુત્ર પિનાકી મેઘાણી અને ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનનાં સતત પથદર્શક રહ્યાં હતાં. ભાવનગર ખાતે જન્મેલાં અને એમ.એ. – બી.એડ.નો ઉચ્ચ અભ્યાસ કરનાર કુસુમબેનએ શિક્ષણ, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય અને રમતગમત ક્ષેત્રે અનેક સિધ્ધિઓ હાંસલ કરી હતી. નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત પંડિત જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, મોરારજીભાઈ દેસાઈ, ઈન્દિરાબેન ગાંધી સહિત દેશનાં પાંચ પ્રધાન મંત્રીને પ્રત્યક્ષ મળવાનો અવસર કુસુમબેનને પ્રાપ્ત થયો હતો જે ખાસ ઉલ્લેખનીય છે.