- વિશ્વકર્મા સમાજ સૌરાષ્ટ્રની 15 સીટો પર પ્રભુત્વ ધરાવે છે, કોઇપણ રાજકીય પાર્ટીને સત્તા પર બેસાડવા કે દૂર કરવા માટે માત્ર 6 ટકા મતોની ઉલટફેર જરૂરી: જો ભાજપ વિશ્ર્વકર્મા સમાજને ટિકિટ નહિ આપે તો દક્ષિણ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારને ઉભો રાખી જીતાડવાની વિશ્વકર્મા ઓબીસી પરિવારનો હુંકાર
- સતત રાજકીય અન્યાયથી વિશ્ર્વકર્મા સમાજ આગ બબૂલા, હવે જડબાતોડ જવાબ આપવાના મૂડમાં જે પાર્ટી વધુ ટિકિટો આપશે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેવી કરાઈ સત્તાવાર ઘોષણા
સૌરાષ્ટ્રની ઓછામાં ઓછી 15 બેઠકો પર વિશ્ર્વકર્મા સમાજના મતદારોનું પ્રભુત્વ છે. વિશ્ર્વનું સર્જન કરનારા આ સમાજને વર્ષોથી અલગ-અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. વસ્તીના પ્રમાણ વિધાનસભા કે લોકસભામાં મહત્વ આપવામાં આવતું નથી. માત્ર નેતાઓ મત મેળવવા માટે સમાજના ખોટા વખાણ કરે છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ સમાજ હવે કોઇ કાળે અન્યાય સહન કરવાના મૂડમાં નથી. જો 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપ વિશ્ર્વકર્મા સમાજને ટિકિટની ફાળવણી નહી કરે તો આ બેઠક પર 90 હજારથી પણ વધુ મતદારો ધરાવતો વિશ્ર્વકર્મા ઓબીસી સમાજ અપક્ષ ઉમેદવારને ઉભો રાખી ચૂંટણી જીતાડી દેશે તેવો હુંકાર આજે ‘અબતક’ શુભેચ્છા મુલાકાત દરમિયાન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
નરેન્દ્રભાઇ રાઠોડ (કડિયા), અરવિંદભાઇ ગોહિલ (કડિયા), રમણીકલાલ પાટણવાડીયા (સુથાર), પ્રફુલ્લભાઇ પીઠવા (લુહાર), કાવ્યેશભાઇ કાચા (કડીયા), વિકાસભાઇ રાઠોડ (કડિયા, દિનેશભાઇ કણઝારિયા (સતવારા), તનસુખભાઇ ગોહિલ (દરજી), વી.કે. ગાંગાણી (કડીયા), દિપકભાઇ પીઠડીયા (દરજી), નિકુંજભાઇ પારેખ (સોની), કાંતિભાઇ રાઠોડ (કડિયા) અને રાજુભાઇ કાચા (કડિયા)એ આજે ‘અબતક’ની શુભેચ્છા દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ સહિત સમસ્ત સૌરાષ્ટ્રમાં વિશ્ર્વકર્મા સમાજને થતાં રાજકીય અન્યાય સામે રોષની જ્વાળામુખી ફાટી નીકળી છે. રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર વિશ્ર્વકર્મા ઓબીસી સમાજ 90 હજારથી વધુ મતદારો ધરાવે છે ત્યારે માતૃ પાર્ટી ભાજપ પાસે અમે આ બેઠકની માંગણી કરી રહ્યા છે. જો ભાજપ અમને રાજકોટ દક્ષિણ બેઠક પર ટિકિટ નહિ આપે તો અમે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉભો રાખીશું અને તેને જીતાડી દેશું. સમાજને સતત અન્યાય કરનારી રાજકીય પાર્ટીને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
આગેવાનોએ વધુમાં ઉમેર્યું હતું કે 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ વિવિધ જ્ઞાતિ સમાજોમાં ચૂંટણીની ટિકિટોની ફાળવણીને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર ગણાતા રાજકોટ શહેરમાં વિશ્ર્વકર્મા સમાજની જ્ઞાતિઓ જેવી કે પ્રજાપતિ સમાજ, કડીયા સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, સોની સમાજ, દરજી સમાજ સહિતના સમાજોની લાખોની સંખ્યામાં જનસંખ્યા આવેલી છે. આમ છતા દરેક રાજકીય પક્ષો તરફથી ટિકિટોની ફાળવણીમાં દરેક વખતે સમગ્ર વિશ્ર્વકર્મા સમાજ સાથે સતત અન્યાય થતો જોવા મળી રહ્યો છે. વિશ્ર્વકર્મા સમાજના વિવિધ જ્ઞાતિ સમૂહના સામાજીક આગેવાનોએ આ બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા અને રાજકીય પક્ષોની સામે પોતાની લાગણી વ્યક્ત કરવા જણાવ્યું હતું કે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર વિશ્ર્વકર્મા સમાજ સાથે અન્યાય થશે તો હવે સમગ્ર સમાજ જે કોઇ પોલીટીકલી પાર્ટીઓ વિશ્ર્વકર્મા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ નહી આવે તેમને હરાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે અને જરૂર જણાયે સમગ્ર સૌરાષ્ટ્રના વિશ્ર્વકર્મા સમાજના લોકોને જણાવવામાં આવશે કે હવે આપણે પાર્ટીના ગળે બાંધેલા પટ્ટાઓમાંથી મુક્ત થઇ અને ફગાવી દઇ અને જ્યારે દરેક સમાજના લોકો પોતાની જ્ઞાતિઓ માટે લડાઇ લડતા હોય છે. ત્યારે આપણે પણ આપણા સમાજ માટે થઇ અને આપણે પણ લડાઇ લડવાની આવશ્યકતાઓ છે. મતદાનએ ગુપ્ત છે જો તમે લોકો કોઇ પોલીટીકલી પાર્ટીથી લોકોથી ડરતા હોવ તો ચુપચાપ પણ તમારો મત તમારી સમાજની વ્યક્તિઓને આપીને તેને જંગી બહુમતીથી વિજય બનાવી વિધાનસભામાં મોકલી શકો છો. આ અન્યાયનો રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. સમગ્ર વિશ્ર્વકર્મા સમાજના સામાજીક અગ્રણીઓમાં આ બાબતને લઇને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતો વિશ્ર્વકર્મા સમાજ આજ સુધી ભારતીય જનતા પાર્ટીની વફાદાર વોટ બેંક રહ્યો છે. કોઇપણ ચૂંટણી હોય પછી તે કોર્પોરેશન હોય વિધાનસભા હોય કે સંસદની ચૂંટણી હોય વિશ્ર્વકર્મા સમાજે હંમેશા ભાજપની તરફેણમાં એકધારૂં મતદાન કરીને ભાજપને સત્તાની ખુરશી પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ આમ છતા ભાજપ દ્વારા વિશ્ર્વકર્મા સમાજ સાથે કાયમ ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું છે. રાજકોટની 3 બેઠકો એટલે કે રાજકોટ-68, રાજકોટ-70, રાજકોટ-71 પર વિશ્ર્વકર્મા સમાજનું સંપૂર્ણ પ્રભુત્વ છે. આ બેઠકો પર વિશ્ર્વકર્મા સમાજનાં લોકો સંપૂર્ણ પણે નિર્ણાયક છે અને ધારે તેને જીતાડી અને હરાવી શકશે. ત્યારે સ્વાભાવિક છે કે આ બેઠક પર ભાજપ કે અન્ય પક્ષો દ્વારા વિશ્ર્વકર્મા સમાજના વ્યક્તિને ટિકિટની ફાળવણી થવી જોઇએ. પરંતુ ભાજપ અને અન્ય પક્ષો જેવા કે કોંગ્રેસ અને આપ પણ વિશ્ર્વકર્મા સમાજની સાથે અન્યાય કરી માત્ર પાટીદાર સમાજને પ્રાધાન્ય આપી રહેલ છે. ત્યારે આગામી ચૂંટણીમાં સમગ્ર સમાજ સાથે મળીને તેનો જડબાતોડ જવાબ આપશે. સામાજીક આગેવાનો દ્વારા આ બાબતને લઇને ખાટલા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. વિશ્ર્વકર્મા સમાજ ઉપરાંત રાજકીય અન્યાયનો ભોગ બનેલા અન્ય સમાજનાં આગેવાનોનો પણ સંતર્ક કરી તેમને સાથે રાખીને બેઠકો પર મજબૂત અને સક્ષમ અપક્ષ ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે અને તે વિશ્ર્વકર્મા સમાજનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીને સમાજનાં તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવે તે માટે શરૂ કરી દેવામાં આવી છે.
- વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા હોય હક્ક-અધિકાર માંગીએ છીએ
વિશ્ર્વકર્મા સમાજના લોકો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે બીજા શબ્દોમાં કહેવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અમારી માતૃ પાર્ટી છે. માટે વિધાનસભાની આગામી ચૂંટણીમાં અમે પક્ષ પાસે અમારો હક્ક, હિસ્સો માંગીએ છીએ. સૌરાષ્ટ્રની 15 બેઠકો પર પ્રભુત્વ ધરાવતા હોવા છતાં માત્ર પાંચથી છ બેઠકોની માંગણી આ સમાજ દ્વારા કરવામાં આવી છે. છતાં જો ભાજપ દ્વારા માત્ર બે બેઠકો વિશ્ર્વકર્મા સમાજને ફાળવવામાં આવશે તો પણ અમને સંતોષ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર અમારા સમાજના મતદારો સૌથી વધુ હોય આ બેઠક પર વિશ્ર્વકર્મા સમાજના આગેવાનને ટિકિટ આપવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે. અમે ક્યારેય અન્ય રાજકીય પક્ષ સાથે જોડાયા નથી. આવામાં ભાજપ પાસે જ અમે હક્ક અને અધિકારી માંગવા માટે દાવેદાર છીએ છતાં જો અમારી લાગણી-માંગણીને ધ્યાનમાં લેવામાં નહી આવે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.