- 300થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનેત્રીએ ભજવી હતી ભૂમિકા
સિનેમા જગતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેત્રી સુલોચના લાટકરની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા હતાં. બોલિવૂડની વરિષ્ઠ અભિનેત્રી સુલોચના લાટકરની તબિયત બગડી હતી, ત્યારબાદ 94 વર્ષીય અભિનેત્રીને દાદરની સુશ્રુષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને ત્ચાં સુલોચનાનું નિધન થયું છે.
સુલોચના લાટકર છેલ્લા કેટલાક મહિનાઓથી શ્વાસની બીમારીથી પીડિત હતા. તેઓ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સુલોચનાના મૃત્યુની પુષ્ટિ તેમના જમાઈએ કરી છે. તેમના પાર્થિવ દેહને આવતીકાલે સવારે 11થી સાંજના 5 વાગ્યા દરમિયાન તેમના પ્રભા દેવી નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, પીઢ અભિનેત્રી સુલોચના લાટકર 94 વર્ષના હતા. તેમણે ઘણી ફિલ્મોમાં અમિતાભની માતાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મોમાં ‘રેશ્મા ઔર શેરા’, ‘મજબૂર’ અને ‘મુકદ્દર કા સિકંદર’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર સાથે પણ કામ કર્યું છે. અમિતાભ બચ્ચને પણ તેમના બ્લોગમાં ઘણી વખત તેમનો ઉલ્લેખ કર્યો છે. સુલોચના લાટકરે લગભગ 250 હિન્દી અને 50 મરાઠી ફિલ્મોમાં અભિનય કરીને યોગદાન આપ્યું છે. તે તેમના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતાં.
માર્ચમાં પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ વાતની જાણ થઈ તો તેમણે અભિનેત્રીની સારવારમાં મદદ કરી. માર્ચમાં જ્યારે સુલોચના લાટકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સુલોચના દીદીની સારવારનો તમામ ખર્ચ મુખ્ય પ્રધાનના તબીબી રાહત ભંડોળમાંથી ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. સુલોચના લાટકરે અત્યાર સુધી ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પ્રખ્યાત મરાઠી ફિલ્મોમાં ‘મરાઠા ટીટુકા મેલાવાવા’, ‘મોલકારિન’, ‘બાલા જો રે’, ‘સંગતે આઈકા’, ‘સસુરવાસ’, ‘વાહિની ચી બાંગડ્યા’નો સમાવેશ થાય છે. આ સાથે સુલોચનાએ ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.