સુરતમાં રોજ-બરોજ ક્રાઈમની ઘટનાઓ સામે આવતી જ હોય છે ત્યારે આજ રોજ વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેના લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. પ્રસૃતિની ગણતરીની મિનિટ બાદ હજી પરિવાર નવજાતનો ચહેરો વ્યવસ્થિત જુએ તે પહેલા જ ઓપરેશન થિયેટરની બહારથી એક અજાણી મહિલા નવજાતને લઈ ગઈ હતી.
મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલની છે જ્યાં મહારાષ્ટ્રના ધુલીયાથી પ્રસૃતિ માટે લિંબાયત મારૂતી નગરમાં પિયરમાં આવેલી પ્રસુતા સાયના રફિક પીંજારીને મંગળવારે મળસ્કે પ્રસવ પીડા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાયનાને નોર્મલ પ્રસૃતિ ન થતા બપોરે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી હતી અને સીઝીરયન બાદ તેણે બાળકને જન્મ આપ્યો હતો.હજુ તો પરિવારે માસુમનો ચહેરો જોયો પણ ન હતો ત્યાં અજાણી મહિલા બાળકને લઈને ફરાર થઇ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતા હોસ્પિટલનો સિક્યુરીટી સ્ટાફએ તપાસ શરુ કરી હતી. ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવવાની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ દોડી ગઈ હતી. હાલ આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.