- લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડાયા: સાસુ-સસરા અને સાળા વિરૂઘ્ધ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતો ગુનો
શહેરના જામનગર રોડ નજીક માધાપર ગામે સિંધોઇનગર ખાતે માસુમ પુત્રીને મળવા આવેલા ન્યુઝ ચેનલના કેમેરામેન પર સાસુ-સસરા અને સાળાએ તિક્ષ્ણ હથિયાર વડે હિચકારો હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં યુવકને સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફને થતાં દંપતિ અને પુત્ર સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના પી.ડી. માલવીયા કોલેજ પાછળ સ્વામીનારાયણ ચોક પાસે અંબાજી કડવા પ્લોટમાં રહેતો અભયભાઇ રમેશભાઇ ત્રિવેદી નામના 30 વર્ષીય ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર માધાપર ગામે સિંધોઇ નગરમાં રહેતા રાજેશ જોશી અને તેનો પુત્ર શુભમ જોષી અને હેતલબેન જોષી સહિત ત્રણેય શખ્સોએ માર માર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી અભય રમેશભાઇ ત્રિવેદીના લગ્ન રાજેશ જોષીની પુત્ર પ્રિયંકાબેન સાથે લગ્ન થયા હતા. લગ્નજીવનથી એક પુત્રીનો જન્મ થયો હતો. બાદ રાજેશભાઇ જોષી પોતાની પુત્રી પ્રિયંકાબેનને પોતાના સાસરીયામાં મોકલતા ન હતા.
બાદ બન્ને પરિવારજનો વચ્ચે સમજૂતી થતા દર બુધવારે પુત્રીને મળવા પિતા અભયભાઇને તેના સસરા રાજેશભાઇ જોષીની હાજરીમાં નકકી થયું હતું. બાદ પાંચ માસથી અભયભાઇ ત્રિવેદી દર બુધવારે પુત્રીને રાત્રે નવ કલાકે રમાડવા જતો હતો. બાદ છેલ્લા પાંચ બુધવારથી પુત્રીને રમાડવા માટે મોબાઇલ કરતા સાસરીયા દ્વારા ફોન ન ઉપાડતા અંતે ગતકાલે બુધવારે ફરી ફોન કરતા ફોન ન ઉપાડતા અભયભાઇ ત્રિવેદી ગત રાત્રે પોતાની પુત્રીને રમાડવા જતા ત્યારે સસરા- સાસુ અને સાળા ઉશ્કેરાય જઇને છરી, લોખંડનો પાઇપ અને દસ્તાવડે માર મારી ગંભીર ઇજા પહોચાડી હતી. અભય ત્રિવેદીને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસ મથકને થતા પી.એસ.આઇ. એ.એસ. મકરાણી સહીતના સ્ટાફ દોડી જઇ અભયભાઇ ત્રિવેદીની ફરીયાદ પરથી સાસુ-સસરા અને સાળા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.