ચેક દેશમાં ૧૫ સપ્તાહનો ગર્ભ ધરાવતી મહિલા‘બ્રેઇનડેડ’ થયા બાદ મેડિકલ ટીમની જહેમતથી તંદુરસ્ત બાળકીનો જન્મ થયો
કોઈપણ ‘બ્રેઇન ડેડ’ થયેલી વ્યકિતને મેડીકલની વ્યાખ્યામાં ‘ડેડ’ એટલે કે ‘મૃત’ માનવામાં આવે છે ચેક રિપબ્લિક દેશમાં આવી મેડીકલી મૃત માતાએ ૧૧૭ દિવસ બાદ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. બાળકીનાં જન્મબાદ તબીબોએ માતાની લાઈફ સપોર્ટીંગ હટાવી લીધી હોવાનું ચેકની બ્રાનો હોસ્પિટલે જાહેર કર્યું હતુ.
ગત એપ્રીલ માસમાં બ્રાનો યુનિવર્સિટી હોસ્પિટલમાં બેભાન હાલતમાં પ્રેગનેન્ટ મહિલાને હેલીકોપ્ટર દ્વારા સારવાર માટે લાવવામાં આવી હતી. આ મહિલા ‘બ્રેઇન ડેડ ’ થઈ જતા તેના બચવાની સંભાવના ખૂબજ પાતળી હતી. જેથી હોસ્પિટલની મેડીકલ ટીમે તેના પેટમાં રહેલા ૧૫ સપ્તાહના તંદુરસ્ત બાળકને બચાવવાનો નિર્ણય કર્યો હતો.
આ ‘બ્રેઇનડેડ’ મહિલાને લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ પર રાખીને મેડીકલ ટીમે તેના બાળકને જીવંત રાખવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ‘બ્રેઇનડેડ’ ગર્ભવતી મહિલાના પેટમાં રહેલા બાળક સતત તંદુરસ્ત જણાતું હોય મેડીકલ ટીમે ભારે જહેમત અને કાળજીપૂર્વક સારવાર હાથ ધરી હતી આખરે પેટમાં રહેલુ બાળક નવ માસનું થતા ૧૫મી ઓગષ્ટે ડોકટરોએ બ્રેનડેડ મહિલાનું સીઝેરીયન ઓપરેશન હાથ ધર્યું હતુ.
આ સિઝેરીયન ઓપરેશન બાદ મહિલાએ ૨.૧૩ કિલો વજનની અને ૪૨ સેમીની લાંબી તંદુરસ્ત બાળકીનો જન્મ આપ્યો હતો.બ્રેનડેડ થયાના ૧૧૭ દિવસ પછી આ તંદુરસ્ત બાળકીનો જન્મ થતા મેડીકલ ક્ષેત્રમાં આશ્ર્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે. આ બ્રેઇનડેડ મહિલાની બચવાની સંભાવના ખૂબજ ઓછી હોય તંદુરસ્ત બાળકીના જન્મ બાદ મેડીકલ ટીમે તેની લાઈફ સપોટીંગ સીસ્ટમ હટાવી લીધી છે.