સાપને મારી નાખ્યો એટલે પુત્રનું સર્પ દંશથી મોત થયાની અંધશ્રદ્ધાના કારણે જનેતાએ જીવન ટુંકાવ્યું
શહેરના કુવાડવા રોડ પાસે આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતી પરિણીતાએ અંધશ્રદ્ધાના કારણે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી. તબીબે મૃત જાહેર કર્યા હતા પરંતુ પરીવારજનોને તે હજી જીવીત હોય માટે સિવિલ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કુવાડવા રોડ પર આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતી ભાવનાબેન સંજયભાઈ સોલંકી નામની ૩૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાની ઘટનાની જાણ બી ડિવીઝન પોલીસ મથકમાં થતા પીએસઆઈ એમ.એમ.ઝાલા અને રાજદિપસિંહ ઝાલા સિવિલે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના પરથી બનાવનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભાવનાબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હતા. ઘણા સમય પહેલા જ મૃતક ભાવનાબેને એક સર્પને મારી નાખ્યો હતો. ત્યારબાદ તેમના સાત વર્ષના પુત્રનું સાતથી આઠ માસ પહેલા સર્પ કરડવાથી મોત નિપજયું હતું.
ત્યારબાદ ભાવનાબેનના મનમાં એવી શંકા ઘર કરી ગઈ હતી કે પોતે જે સાપને માર્યો તેનો બદલો લેવા માટે સાથે પોતાના પુત્રનો ભોગ લીધો હતો. ઉપરાંત પુત્રના મોત બાદ પોતે પણ ભયભીત પરિસ્થિતિમાં રહેતા હતા એટલું જ નહીં શંકા મૃતક ભાવનાબેનના મનમાં ઘર કરી ગઈ હતી. પરીવારના ઘણા પ્રયાસો છતાં પણ શંકાને દુર કરી શકયા ન હતા. આ પરિસ્થિતિમાં ભાવનાબેને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાનું તારણ મળી રહ્યું છે.
મૃતક ભાવનાબેને આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈડનોટ પણ પોલીસને મળી આવી હતી. જેમાં તેણે એવું લખ્યું હતું કે, મેં બધાને બહુ હેરાન કર્યા છે. મારા કારણે મારો દિકરો મરી ગયો હતો. મેં નાગદેવતાને માર્યા એટલે સાસરીયાઓએ જે કારણ આપ્યું છે તેને માવતર પક્ષના સભ્યોએ પણ સમર્થન આપ્યાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના પ્રાથમિક તારણમાં મૃતક ભાવનાબેને જે સાપને માર્યો તેના બાદ પોતાના પુત્રને સર્પદંશથી મોત નિપજતા સતત તેનો વિચાર મનમાં સતાવતો હતો. પરીણામે ભાવનાબેને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું જણાવ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.