ગોંડલમાં માતાએ પોતાની બે માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. ફાયરે રેસ્ક્યુ ઓપરેશન કરીને ત્રણેયના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
બે વર્ષ પહેલા પતિએ આપઘાત કર્યા બાદ માવતરના ઘરે પરિણીતાએ ભરેલા પગલાથી પરિવારમાં આક્રંદ
વિગતો મુજબ ગોંડલ તાલુકાના મસીતાળા ગામની બહાર આવેલા કૂવામાં માતાએ બે પુત્રી સાથે ઝંપલાવી આપઘાત કર્યો છે. 100 ફૂટ ઊંડા કૂવામાં 80 ફૂટ પાણી ભરેલું હતું જેમાં માતા અને પુત્રી સહિત ત્રણેયના મોત નીપજ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી હતી. મહિલા અને પુત્રી કૂવામાં પડ્યા હોવાનો કોલ મળતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ઘસી આવ્યો હતો.
ફાયર વિભાગે માતા અને પુત્રીને બહાર કાઢવા માટે 4થી 5 કલાક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રાણીબેન દેવરામભાઈ માલાણી (ઉ.વ. 30), રાજલ દેવરામભાઈ માલાણી (ઉ.વ. 2 વર્ષ) અને વેજલ દેવરામભાઈ માલાણી (ઉ.વ. 2 વર્ષ)ના મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યો હતો. મૃતક માતા અને બંને માસૂમ પુત્રીના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક રાણીબેન ઘરકામ કરતા હતા અને બે પુત્રીના ચકચારી આપઘાતને લઈ ગોંડલ સુલતાનપુર પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.
ઉ્લેખનીય છે કે,બે વર્ષ પહેલાં પતિએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. મૃતક રાણીબેન પિયર તેમના માતા-પિતા સાથે મસીતાળા રહેતા હતા. દીકરીના પિતા પશુપાલન દ્વારા દૂધનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાણી બહેનને પિયરમાં માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ છે. સાસરિયા પાદરિયા ગામ જૂનાગઢ ખાતે રહે છે. તેમના લગ્નને અંદાજે 5 વર્ષ જેટલો સમય થયો હતો, પરંતુ બે વર્ષ પહેલાં પતિએ આપઘાત કરી લેતા અંતે મહિલાએ તેના બે બાળકો સાતે જીવન ટુંકાવ્યું હોવાની સામે આવ્યું છે.