ઇન્ચાર્જ કુલપતિ અને રજિસ્ટ્રારના ભરોસે ગુજરાતની યુનિવર્સીટીઓમાં શિક્ષણનું સ્તર નબળું થયું છે અને નેકનો ગ્રેડ પણ નીચે ગયો છે
રાજ્યની વિશ્વ વિધાલયોની સ્થિતિ કથળતી જતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યની મોટાભાગની યુનિવર્સીટી કાયમી કુલપતિ વિહોણી છે!!! જેને લઈને ગુજરાતની યુનિવર્સીટીઓમાં શિક્ષણનું સ્તર નબળું થયું છે અને નેકનો ગ્રેડ પણ નીચે ગયો છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઢગલાબંધ વિવાદો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા. એકબાજુ કોલેજોમાં આચાર્યની ભરતી ન કરી હોય તો તે તે કોલેજની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ છે જ્યારે બીજું બાજુ આ કોલેજોની જ માતૃસંસ્થા યુનિવર્સિટીઓમાં જ કાયમી કુલપતિ અને રજીસ્ટ્રારનો અભાવ જોવા મળે છે. હાલ રાજ્યની 50% ક તેથી વધુ વિશ્વ વિદ્યાલયોમાં કાયમી કુલપતિ કે રજીસ્ટ્રાર નથી. ઇન્ચાર્જના ભરોસે આટલી મોટી વિશ્વ વિદ્યાલયોનું ગાડું ગબડાવવાથી તેના શૈક્ષણિક અને વહિવટી પરિણામો ઉપર તો માઠી અસર પડે છે પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ પણ ડગમગાય છે.
રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (I/C) ડૉ. ગીરીશ ભીમાણી(I/C) અમિત પારેખ, આંબેડકર યુનિવર્સિટી (I/C) ડૉ. અમી ઉપાધ્યાય,એ.કે. જાડેજા, નરસિંહ મહેતા યુનિવર્સિટી (I/C) ચેતન ત્રિવેદી, (I/C) ડૉ. મયંક સોની, ચિલ્ડ્રન યુનિવર્સિટી (I/C) ડૉ. હર્ષદ પટેલ, (I/C) અમિત જાની, ગુજરાત યુનિવર્સિટીમાં ડૉ. હિમાંશુ પંડ્યા, પી.એન.પટેલ, પાટણ યુનિવર્સિટીમાં (I/C) રોહિત દેસાઈ(I/C)ચિરાગ પટેલ, ટીચર્સ યુનિવર્સિટીમાં ડૉ. હર્ષદ પટેલ, હિમાંશુ પટેલ, કચ્છ યુનિવર્સિટીમાં (I/C) ડૉ. પી.એસ. હિરાણી, ડૉ. જી.એમ. બુટાણી, ભાવનગર યુનિવર્સિટીમાં (I/C) મહેશ ત્રિવેદી , કૌશિક ભટ્ટે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં (I/C) નિરંજન પટેલ, ભાઈલાલ પટેલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં (I/C) લલિત પટેલ, દશરથ જાદવથી ગાડુ ચલાવવામાં આવે છે.
આ બાબતનો સૌથી મોટો ફટકો યુનિવર્સિટીઓ માં (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ) નું ચેકીંગ આવે ત્યારે પડે છે. કારણ કે નેકના ઇન્સ્પેક્શનમાં ન માત્ર કુલપતિ કે રજિસ્ટ્રાર પરંતુ કાયમી પ્રોફેસર કેટલા છે, કર્મચારીઓ કેટલા કાયમી અને કેટલા હંગામી છે તેવી અનેક બાબતો ધ્યાનમાં લેવાય છે,પરિણામે યુનિવર્સિટીને મૂલ્યાંકનમાં ફટકો પડે છે અને ગ્રેડ ઉપર પણ તેની માઠી અસર થાય છે. નેકના ગ્રેડના આધારે યુનિવર્સિટીને કેન્દ્ર સરકારની જુદી જુદી ગ્રાન્ટ મળે છે.