ચાલુ વર્ષે ધોરણ-12 સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોતા 50 ટકાથી વધુ બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 34 સાયન્સ કોલેજો અને ત્રણ ડિપાર્ટમેન્ટ કોર્ષની કુલ મળીને અંદાજે 14 હજાર બેઠકો પૈકી ગત વર્ષે 50 ટકાથી વધરે બેઠકો ખાલી પડી હતી. બેઠકોની સ્થિતિ જોતા ચાલુ વર્ષે અંદાજે ત્રણ સ્વનિર્ભર સાયન્સ કોલેજના સંચાલકોએ કોલેજ બંધ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે જ ગ્રાન્ટેડ કોલેજોમાં મોટી સંખ્યામાં કોલેજો ખાલી રહેતા આગામી દિવસોમાં અનેક પ્રશ્ર્નો ઉભા થાય તેવી સ્થિતિ છે. બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ 15મીથી લઇને 22 જૂન સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાત યુનિવર્સિટી પૂરતું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંકને ક્યાંક કોલેજોની આ જ સ્થિતિ જોવા મળી રહી છે. મોટાભાગની સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ કોલેજોમાં બેઠકો ખાલી રહેતા સંચાલકોએ કોલેજ બંધ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 34 સાયન્સ કોલેજો અને ત્રણ ડિપાર્ટમેન્ટ મળીને કુલ 37 કોલેજોમાં 14 હજાર બેઠકો માટે ગત વર્ષે કાર્યવાહી કરવામાં આવી હતી. સળંગ પાંચ કરતા વધારે રાઉન્ડ પછી 50 ટકા એટલે કે 7 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. કેટલીક સ્વનિર્ભર સાયન્સ કોલેજો એવી હતી કે સામાન્ય સંખ્યા પણ મળી શકી ન હતી. હવે જોવાનું એ રહેશે કે રાજ્યભરમાં ચાલુ વર્ષે સાયન્સ કોલેજોમાં કેટલી સીટો ભરાય છે અને કેટલી ખાલી રહે છે.
મેડિકલ પ્રવેશ પહેલા નવી પાંચ મેડિકલ કોલેજોમાં સ્ટાફ સહિતની ભરતી પ્રક્રિયા શરૂ
ધોરણ-12 સાયન્સ બી-ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હાલ નીટની તૈયારી કરી રહ્યા છે ત્યારે રાજ્યમાં નવી મંજૂર થયેલી પાંચ મેડિકલ કોલેજ સહિત સોસાયટી સંચાલિત કોલેજોમાં ખાલી પડેલા સ્ટાફની અંદાજે 12,00થી વધારે જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટનું પરિણામ આવે ત્યાં સુધીમાં તમામ મેડિકલ કોલેજમાં સ્ટાફ ભરી દેવાશે. રાજ્યમાં ચાલુ વર્ષે પાંચ નવી મેડિકલ કોલેજ નવસારી, પોરબંદર, મોરબી, ગોધરા અને રાજ પીપળામાં 100 બેઠકો સાથે નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની મંજૂરી મળી ચુકી છે. ચાલુ વર્ષે ધો.12 પાસ કરનાર વિદ્યાર્થીઓ આ બેઠકો ઉપર પ્રવેશ મેળવી શકશે.
1000થી વધુ કેરળની નર્સો વતન પરત ફરતા રાજ્યમાં જોબ પોર્ટલ શરૂ કરાયા
અમદાવાદ કોર્પોરેટ સંચાલિત હોસ્પિટલોની વાત કરીએ તો 50 ટકા અથવા તેથી વધુ નર્સો કેરળની હોય છે પરંતુ કોરોના મહામારી પછી માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં અનુભવી નર્સોની માંગ વધવાને કારણે અમદાવાદ અને ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાંથી મોટી સંખ્યામાં નર્સોનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષમાં 1,000 નર્સો કામ છોડીને કેરળ વતન જતી રહી છે. આટલું જ નહિં દેશભરમાં કોરોનાએ ફરી ઉછાળો માર્યો છે ત્યારે આવી સ્થિતિમાં જો નર્સો જ નહીં હોય તો હોસ્પિટલોએ ભારે સમસ્યાનો સામનો કરવો પડશે. અમૂક મોટી હોસ્પિટલોમાં નર્સોના પલાયનનો ડર 5 ટકા જેટલો નોંધાયો છે. હવે હોસ્પિટલોમાં નર્સોની અછત ન સર્જાય તે માટે રાજ્યમાં જોબ પોર્ટલ ફોર હેલ્થકેર સેન્ટરની શરૂઆત કરાઇ છે. જેને લઇને હેલ્થકેર સેન્ટરો વધશે અને નર્સોની અછત પણ દૂર થશે.