બેખૌફ લોકો કોરોના બોમ્બ ફોડશે?
માસ પ્રમોશનની સ્થિતિ હોવા છતાં વિદ્યાર્થીઓને ફરજિયાત ઘરે બેઠા પ્રશ્ર્નપત્રો પહોંચાડશે: માધાપર ગામની તાલુકા શાળામાં ૧૭ પ્રિન્સીપાલોને બોલાવાયા હતા અને ૧૦૦થી વધુ પ્રિન્સીપાલ અને સહાયકો ઉમટ્યા: શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝરનો અભાવ
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. આ સમયે છેલ્લા દોઢેક મહિનાથી તમામ સ્કૂલો, કોલેજો સહિતની સંસ્થાઓ બંધ છે. ધો.૧ થી ૯ અને ૧૧ની પરીક્ષાઓ પણ સરકારે રદ્દ કરી દીધી છે અને માસ પ્રમોશનના આધારે વિદ્યાર્થીઓએ આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવાનું નક્કી કરી દેવાયું છે. જો કે, હાલના સમયમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા છે. પ્રેક્ટિસના ભાગરૂપે પરીક્ષા દઈ શકે તે માટે વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ર્નપત્ર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેને લઈ આજે ‘અબતક’એ માધાપર ગામની તાલુકા શાળામાં રિયાલીટી ચેક કર્યું હતું. આજરોજ દ્વિતીય સત્રની પરીક્ષા ૨૦૨૦ના પ્રશ્ર્નપત્રો લેવા માટે ૧૭ જેટલા પ્રિન્સીપાલ અને સહાયકોનો તાલુકા શાળામાં બોલાવવામાં આવ્યા હતા. જો કે નિયમનો ઉલાળીયો થયો હોય તેમ ૧૦૦થી વધુ આચાર્ય અને સહાયકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સીંગ વિના જ પ્રશ્ર્નપત્ર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સેનિટાઈઝની પણ કાંઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
મળતી માહિતી મુજબ હાલ ટૂંક સમયમાં ધો.૧ થી ૯ અને ધો.૧૧ના તમામ જીએસઈબીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવશે. ત્યારે હાલ લોકડાઉનના સમયમાં વિદ્યાર્થી ઘરે બેસી પ્રેક્ટિના ભાગરૂપે પરીક્ષા આપે તે માયે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને તાલુકાની શાળામાં ભણતા પ્રાથમિકના વિદ્યાર્થીઓને ઘરે જ પ્રશ્ર્નપત્ર પહોંચાડવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટના માધાપરની તાલુકા શાળામાં આજે ટીપીઓ દ્વારા ૧૭ જેટલા પ્રિન્સીપાલો અને સહાયકોને બોલાવવામાં આવ્યા હતા. જો કે કોરોનાના નિયમોનો ઉલાળીયો થયો હોય તેમ ૧૦૦થી વધુ આચાર્યો અને સહાયકો પ્રશ્ર્નપત્ર લેવા ઉમટી પડ્યા હતા. સાથે સાથે જ આ કામગીરીમાં કોઈપણ દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવામાં આવ્યું ન હતું અને શાળામાં સેનીટાઈઝરની પણ કંઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
રાજકોટ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી પ્રશ્ર્નપત્ર વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં તાલુકા શાળાના આચાર્યો અને સહાયકોને બોલાવવામાં આવ્યા હતા અને ક્યાંકને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જેને લઈ માધાપર ગામની તાલુકા શાળાના ટીપીઓને સ્પષ્ટ સુચના અપાઈ છે કે, આગામી કોઈપણ આવી પ્રવૃતિમાં ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ અને સેનેટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. સરકારે વિદ્યાર્થીઓ માટે ઘરબેઠા પરીક્ષા આપી શકે અને પ્રક્ટિસ કરી શકે તે માટે વ્યવસ્થા કરી છે ત્યારે સમાજમાં આવા ઘણા બધા આચાર્યો છે કે જે બેખૌફ બનીને ફરી રહ્યાં છે અને કામગીરી કરે છે. આવા બેખૌફ લોકો કોરોનાનો બોમ્બ ફોડશે ? તે વૈધક સવાલ ઉદ્ભવે છે. હજુ વિદ્યાથીઓને આ પ્રશ્ર્ન પહોંચાડવાની કામગીરી કુલ ૯૦ ગામોમાં થવાની છે અને શનિવાર સુધી ચાલશે. જો આમને આમ પરિસ્થિતિ રહેશે તો ચોક્કસથી આવા બેખૌફ લોકો કોરોના બોમ્બ ફોડશે.