રેગ્યુલરાઈઝડ કરવાની કટ ઓફ ડેટમાં રેવન્યુ વિભાગે ૫ વર્ષનો વધારો કરતા લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે
સુચિત સોસાયટીઓના મકાનોને રેગ્યુલરાઈઝડ કરવાની કટ ઓફ ડેટમાં રેવન્યુ વિભાગે ૫ વર્ષનો વધારો કરવાની જાહેરાત કરી છે. કટ ઓફ ડેટમાં થયેલ આ વધારાના કારણે રાજકોટમાં મોટાભાગની નામંજુર પાત્ર અરજીઓ પર મંજુરીની મહોર લાગવાની છે. મોટાભાગના સુચિત બાંધકામો વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ વચ્ચે ખડકાયા હોવાથી મોટી સંખ્યામાં આસામીઓ રેગ્યુલરાઈઝડ કરવાની આ સ્કીમનો લાભ લઈ શકશે.
રાજય સરકારના રેવન્યુ વિભાગે ગઈકાલે પરીપત્ર જાહેર કર્યો હતો કે, ગત ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ સુચિત સોસાયટીઓના મકાનો રેગ્યુલરાઈઝડ કરવા માટેના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો એ મુજબ તા.૧/૧/૨૦૦૦ સુધીમાં સુચિત સોસાયટીઓમાં અસ્તિત્વમાં આવેલા રહેણાંક મકાનો રેગ્યુલરાઈઝડ કરી શકાતા હતા.
સરકારની આ યોજનામાં કટ ઓફ ડેટ વધારવા માટે વ્યાપક પ્રમાણમાં રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને સરકારે નવી કટ ઓફ ડેટ જાહેર કરી છે. આ નવી કટ ઓફ ડેટ મુજબ તા.૧ જાન્યુઆરી ૨૦૦૫ પહેલા અસ્તિત્વમાં આવેલા સુચિત સોસાયટીમાં રહેણાંક મકાનોને રેગ્યુલરાઈઝડ કરી શકાશે.
રેવન્યુ વિભાગે સુચિત સોસાયટીઓના મકાનોને રેગ્યુલરાઈઝડ કરવાની કટ ઓફ ડેટમાં વધારો કરતા મોટાભાગની નામંજુરપાત્ર અરજીઓને મંજુરી મળવાની છે. કારણકે રાજકોટમાં સુચિત સોસાયટીઓમાં થયેલા મોટાભાગના બાંધકામો ૨૦૦૨ થી ૨૦૦૫ સુધીના ગાળાના છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકામાં કુલ ૧૩,૪૫૬ અરજીઓ રેગ્યુલરાઈઝડ કરવા માટે આવી હતી જેમાંથી ૨૭૯૧ અરજીઓને મંજુરી આપી દેવામાં આવી છે. બાકી રહેલી ૧૦,૬૬૫ અરજીઓ હાલ નામંજુર કરવાપાત્ર છે પરંતુ સુચિત સોસાયટીઓના મકાનોને રેગ્યુલરાઈઝડ કરવાની કટ ઓફ ડેટમાં વધારો થતા નામંજુર કરવાપાત્ર રહેલી અરજીઓમાંથી મોટાભાગની અરજીઓને મંજુરી મળી જશે.