Table of Contents

૨૦મીથી યાત્રાનો પ્રારંભ: પ્રથમ તબકકામા ૩૨૭ યાત્રિકોનો સમાવેશ: ભુરા મુંજા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ડિરેકટર હિરલબા જાડેજા પ્રથમ વખત યાત્રા કરશે: ૨૫ થી વધુ વખત યાત્રા કરનાર ડો. યશવંત ગોસ્વામીના નેતૃત્વમાં યાત્રાનું આયોજન

કૈલાશ માસરોવર યાત્રાનો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી બહોળો અનુભવ ધરાવતા ડો. યશવંત ગોસ્વામીએ અનેક વખત કૈલાશ યાત્રા કરી છે. તેમના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ હજારો યાત્રિકો અમરનાથ અને કૈલાસ માન સરોવર યાત્રા કરી ચૂકયા છે. તેમણે અબતક વિશેષ અહેવાલમાં કૈલાસ માનસરોવર વિશે ઘણી બધી માહિતી આપી હતી તકે ભૂરા મુંજા ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ડિરેકટર હીરલબા જાડેજા પ્રથમ વખત કૈલાશ માન સરોવરની યાત્રા કરવાના છે. તેને લઈને તેમણે પણ તેના વિશે વિશેષ વાતચીત કરી હતી.

પ્રશ્ન: યાત્રાની શરૂઆત કેવી રીતે કરી અને વિચાર કયાંથી આવ્યો?

જવાબ:યાત્રાનો વિચાર અને બીજ તો જન્મથીજ હોય તેમ કહી શકાય કારણ કે મારા પિતાજી અને માતાજી પરમ શિવ ઉપાસક છે. તેમણે જયારે અમરનાથની યાત્રા કરી ત્યારે મારા મનમાં પણ આ યાત્રા કરવાનો વિચાર નાનપણથી જ હતો. અને પછી જયારે મારા પિતાએ વાત કરી કે ભગવાન શિવ તો કૈલાશ પર્વત પર બિરાજે છે. ત્યારે મે એમને પૂછયું કે પપ્પા મારે શિવજીને મળવું હોય તો ? તો તેમણે કીધું કે કૈલાશ જવું જોઈએ બસ ત્યારથી જ આ ધૂન લાગી હતી.

પ્રશ્ન: યાત્રા કરવી અધરી હોય છે?

જવાબ:યાત્રાં જો યાતના ન હોય તો તેને યાત્રા જ ન કહેવાય એક સંતે ખૂબ સરસ વાત કરી છે કે યાતના સભર યાત્રાને જ સાચી યાત્રા કહેવાય. જો યાત્રામાં યાતના ન હોય તો તેની અનૂભૂતીઓ પણ નથી હોતી. એટલે કૈલાશ અને માનસરોવરની યાત્રાના સંદર્ભમાં અત્યાર સુધી લોકોના મનમાં એવું છે કે એ યાત્રા વિશ્વ સૌથી વધુ કઠીન યાત્રા છે. છેલ્લા રામ-રામ કરીને નીકળવું જોઈએ. પાછા આવ્યા તો આવ્યા આવી ધણી બધી વાતો છે. વર્ષો પહેલા આ માન્યતા સાચી હતી પણ હવે તમામ પ્રવાસના ધામો અને યાત્રાનાક સ્થળો પણ એટલા બધા સુખ સુવિધાથી ભરપૂર બન્યા છેકે આજે યાત્રાઓ પણ ખૂબ સુગમ અને સરળ બની છે.

પ્રશ્ન: તમે આ યાત્રામાં પ્રથમવાર જોડાવાના છો. આ યાત્રામાં જવાના કારણો શું?

જવાબ: આ પ્રશ્નના ઉત્તરમાં હીરલબા જાડેજાએ જણાવ્યું હતુ કે આપણે હિન્દુ છીએ એટલે હિન્દુત્વની રીતે આપણને એવું થાય કે જો લોકો દરેક સંપ્રદાય છે. દરેક જાતી છે, જેમકે જૈન લોકો તીર્થકર, સંમેદ શીખર જઈને પૂરી કરે છે. મુસ્લિમ લોકો હોય તો મકકા મદીના જઈને યાત્રા પૂરી કરે તો આપણે તો હિન્દુ છીએ આપણી યાત્રા પણ કૈલાશ માન સરોવર જયારે જઈએ ત્યારે જ હું માનું છું કે આપણી યાત્રા પૂરી થાય છે.

પ્રશ્ન: યાત્રા માટે તમે શું શું તૈયારીઓ કરી રાખી છે?

જવાબ: આ તકે વધુમાં હીરલબા જાડેજાએ જણાવ્યું હતુ કે મે તો ખૂબજ ઝડપથી ભાઈશ્રી યશવંતભાઈના પરિચયમાં આવી અને મને લાગ્યું કે ના મારે જે યાત્રા કરવી છે. એ હું યશવંતભાઈ સાથે જ કરી શકીશ. એમની જે યાત્રાની વાત અને વિચાર જે કંઈ હતા. એમની જે વસ્તુઓ છે એ મને ખૂબજ ગમી એટલે મે જયારે યશવંતભાઈ સાથે યાત્રામાં જવાનો નિર્ણય કર્યો ત્યારે યશવંતભાઈએ આપેલ લીસ્ટ મુજબ મોટાભાગે ગરમ કપડા, કપૂરની ગોળીઓ, થોડુ ડ્રાયફૂટ અને શરદી કે ઠંડીના લાગે તેના માટેની તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની તમામ વ્યવસ્થા કરી છે.

પ્રશ્ન: કોઈ વ્યકિત યાત્રામાં જતા હોય તો તેમણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ?

જવાબ: યાત્રાકે પ્રવાસ એ એવી વસ્તુ છે કે યાત્રામાં જયારે વ્યકિત જતો હોય ત્યારે તેની માનસિકતા કંઈક અલગ હોય એક ધાર્મિક ભાવ સાથે યાત્રા થતી હોય છે. સૌથી પેલી જરૂરિયાત તો એ છે કે તમે જે તે સ્થળની યાત્રા કરો છો એ યાત્રાની સંપૂર્ણ પણે માહિતી આપણી પાસે હોવી જોઈએ મારૂ દ્દઢ પણે માનવું છે કે યાત્રામાં જતા પહેલા જે તે સ્થળની તમામ પ્રકારની માહિતી જો આપણે મેળવી લઈએ તો એ યાત્રા આપણા માટે જીંદગીભરનું સંભારણું બની રહે છે. કૈલાશ યાત્રા એ મોટુ મહા પ્રસ્થાન છે.

એટલે આ યાત્રા માટે તો ઘણી બધી તૈયારીઓ આ યાત્રિકોએ કરવી જોઈએ પણ તમે જયારે કૈલાશ માન સરોવરની યાત્રાએ જાવ છો ત્યારે બીજુ બધુ ઘણું બધુ હોય જો તમારામાં દ્દઢ આત્મ વિશ્વાસ અને સંપૂર્ણ શ્રધ્ધાભાવ ન હોય તો આ યાત્રા ન કરી શકાય. એટલે યાત્રાની પહેલી શરત છે તમારી દ્દઢ શ્રધ્ધા અને આત્મવિશ્વાસ સાથે સાથે તમા‚ શરીર તંદુરસ્ત હોવું જોઈએ, મન પણ દ્દઢ હોવું જોઈએ અને ધન તો હોવું જ જોઈએ તન, મન અને ધન આ ત્રણેયનો સંયોગ થાય ત્યારે જ કૈલાશ માન સરોવરની યાત્રા આપણે કરી શકીએ છીએ એમ યશવંતભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતુ.

પ્રશ્નો: કૈલાશ માન સરોવર કેવું છે?

જવાબ: આ પ્રશ્નનો ઉત્તર આપતા યશવંતભાઈએ જણાવ્યું હતુ કે દરેક હિન્દુ લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે જે નથી ગયા એમને કે કૈલાશ માન સરોસર એવું શું છે. કે લોકો ત્યાં જાય છે. અને દરેકનું એક સ્વપ્ન હોય કે જીવનમાં જીવતે જીવ એક વખત કૈલાશ માન સરોવરની યાત્રા થાય તો સાત જન્મોના પાપોમાંથી મૂકતી મળે છે. એટલે મારા માટે તો હું એવું માનું કે આ પૃથ્વી લોકમાં શિવજીની કૃપા જો કોઈ પર હોય તો તે મારા પર છે. કારણ એટલું જ કે મેં માત્ર એક વખત આ સ્વપ્ન સેવેલું આજથી ૨૦ વર્ષ પહેલા મે સાડા ત્રણસો કિલોમીટર ચાલી અને આ સરકારી યાત્રા કરી છે. અને એ સરકારી યાત્રામાં મહાદેવનો સાક્ષાત્કાર પણ કર્યો છે.

મહાદેવ સાથે વાત પણ કરી છે. પછી જયારે બીજી વખત મને ઈચ્છા થઈ અને હું યાત્રામાં જોડાયો પછી મને એવું લાગ્યું કે મારી સાથે અનેક યાત્રિકો જોડાય છે. એમનો વિશ્વાસ મારા પ્રત્યેનો વધતો જાય છે. એટલે આજે ૨૫ વખત મને યાત્રામાં જવાની જે તક મળી છે. એ માટે હું કહેવા માંગુ છું કે એના માટે મારા મહાદેવજીના સંપૂર્ણ આશીર્વાદ અને સમગ્ર દેશના યાત્રિકોએ મારા પર જે વિશ્વાસ મૂકયો છે એ વિશ્વાસને કારણે જ આજે હું ૨૫મી વખત હું કૈલાશ-માનસરોવરની યાત્રા લોકોને કરાવી રહ્યો છું.

પ્રશ્ન: કૈલાશ માન સરોવરની યાત્રામાં કેટલો ખર્ચો થાય ?

જવાબ: આમ તો સરકારી યાત્રા અને પ્રાઈવેટ એમ બંને રીતે અલગ અલગ યાત્રા થઈ શકે છે. ગર્વમેન્ટ ગ્રુપમાં તમે જાઓ છો એમાં ઢાલચુલાથી અને નાયુલા બોર્ડરથી એમ બે રીતે યાત્રા થાય છે. અને પ્રાઈવેટ રીતે જે યાત્રા થાય છે એ નેપાળથી થાય છે. અને નેપાળ બોર્ડરથી ત્રણ અલગઅલગ રીતે કૈલાશ અને માનસરોવર જઈ શકાય છે.

ચાઈના ગવર્નમેન્ટ દ્વારા એક યાત્રિક દીઠ ૧૨૫૦ ડોલર જેવો પરમીટનો ચાર્જ ચૂકવવો પડે છે અને સાત હજાર વીઝાના પણ ચૂકવવા પડે છે. એક યાત્રિકે મીનીમમ ૯૦ થી ૯૫ હજાર જેટલો ચાર્જ ચાઈના ગવર્નમેન્ટને ચૂકવવો પડે. એ ઉપરાંત પ્લેનની ટીકીટ, હોટલ, ભોજન આ બધુ ગણીએ તો બાય રોડ યાત્રા કરો તો એક લાખ પંચોતેર હજાર જેવો ખર્ચ થાય. અને બાય હેલીકોપ્ટર જાવ તો બેથી બે લાખ દસ હજાર જેવો ખર્ચ થતો હોય છે.

પ્રશ્ન: તમે ૨૫ વાર યાત્રા કરી છે તો તમારા કેવા અનુભવો રહ્યા છે?

જવાબ: મારી ઘણી બધી યાદો કૈલાશ માન સરોવર સાથે જોડાયેલી છે. તેના પર એક હજાર પેજનું મેં પુસ્તક લખેલું છે. એમાં મે મારી જે યાદો છે. મારી જે અનુભુતીઓ છે એ બધી જ અનુભુતીઓને મહાદેવની કૃપાથી વહેતી મૂકી છે. પણ જયારે હું મારી વ્યકિતગત યાત્રાની વાત કરૂતો સરકારી યાત્રા મે જયારે કરેલી ત્યારે તે મારી વ્યકિતગત યાત્રા હતી અને પછી જયારે યાત્રીકોને સાથે લઈને જાઉ છું ત્યારે મારૂ એક જ લક્ષ્ય હોય કે યાત્રીક જ મારો મહાદેવ છે અને યાત્રિકની સેવા કરવી એ જ મારા મહાદેવની સેવા કર્યા બરાબર છે.

આવું હું માનું છું એટલે એની અનૂભૂતીઓ કરતા મને સૌથી વધારે ખૂશી ત્યારે થાય કે જયારે યાત્રિકને એમ થાય કે નહી અમે યશવંતભાઈની સાથે યાત્રા કરી છે. એમાં અમને સંપૂર્ણ આનંદ થયો છે. એ મારા માટે સૌથી મહત્વની વાત હોય છે. શ્ર્વાસ અને વિશ્ર્વાસ એ ખૂબજ મહત્વની બાબત છે. એટલે જ હું યાત્રિકોને કહુ છુંકે તમે યાત્રાની અંદર તમારો શ્ર્વાસ જાળવવાની જવાબદારી મારી છે. વિશ્ર્વાસ જાળવવાની જવાબદારી તમારી છે.

પ્રશ્ન: કૈલાશ માન સરોવરની યાત્રા સિવાય તમે કયાં કયાં ગયા છો?

જવાબ: આ પ્રશ્નના ઉત્તરમાં હીરલબાએ જણાવ્યું હતુ કે આમ તો મે ઘણા બધા પ્રવાસો કર્યા છે. એમાં અમરનાથની યાત્રા મુખ્ય છે. અમરનાથની યાત્રામાં જયારે હું ગઈ ત્યારે ત્યાં જે હવા પાતળી થાય તેના કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડે પછીથી તો મને થોડો ડર લાગી ગયો હતો મને થતું હતુ કે હવે મારે કૈલાશ માન સરોવરની યાત્રા કેવી રીતે કરીશ. પણ યશવંતભાઈ સાથે જયારે વાત કરી ત્યારે શ્રદ્ધાની વાત આવી વિશ્વાસની વાત આવી ત્યારે મને ફરીથી મન થયું કે નહિ આજે શ્રધ્ધા અને વિશ્વાસ આપણામા દ્દઢ પણે હોય, જેમ અમરનાથની કઠીનયાત્રા પણ આપણષ સર કરી શકયા હતા તો આ યાત્રા પણ સરળ કરી શકીશું.

પ્રશ્ન: ભુરામુંજા ચેરીટેબલ ટ્રસ્ટમાં કયાં પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે?

જવાબ: અમે ૨૨ વર્ષથી સેવાઓ કરીએ છીએ અમે ટોટલ ૪૦ જેટલી સેવાઓ આપીએ છીએ વિધવા, ત્યકતા બહેનોને રાખીએ છીએ, વૃધ્ધ વડીલોને રાખીએ છીએ, અનાથ બાળકોને રાખીએ છીએ, દિકરીઓને કન્યાદાન આપીએ છીએ, જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય તેને ભણાવીએ છીએ, મારા બંગલા ખાતે જ માવતર હોસ્પિટલની સ્થાપના થઈ છે. જેમાં ડોકટર દવા અને લેબોરેટરી ત્રણેય ફ્રી છે. પરમહંસોની સેવા કરીએ છીએ, દિવ્યાંગો માટે સાયકલ, વોકર વગેરેની સેવા આપીએ છીએ, વૃધ્ધ વડીલો જેઓને બત્રીસીની જ‚રીયાત હોય તેઓને બત્રીસી આપીએ છીએ , કાને ઓછુ સાંભળતા લોકોને ઈઅર મશીન આપીએ છીએ, આંખના મોતીયાના ઓપરેશન કરીએ છીએ.

સાતમ-આઠમ, જન્માષ્ટમી ઉપર દરેક લોકોના ઘરમાં ફરસાણ અને મીઠાઈ બંને એની વ્યવસ્થા માટે અમે બેથી ત્રણ હજાર લોકોને રાશનકીટ આપીએ છીએ. નવરાત્રીમાં પછાત વિસ્તારની દિકરીઓને રમાડીએ છીએ અને દરેક દિકરીઓને અમારી તરફથી કરિયાવરમાં ઉપયોગી થાય તેવી વસ્તુઓ ભેટ આપીએ છીએ શરદ પૂનમના દિવસે અમારી મેર પરંપરા મુજબ રાસ કરીએ છીએ તદ ઉપરાંત હોલિકાદહન કાર્યક્રમ, વિદ્યાર્થીઓને પુસ્તક આપીએ છીએ, બાળકોને દર રવિવારે ભોજન આપીએ છીએ. આ સિવાય ભુરા મુંજાનો રોટલો અને ઓટલો તમામ લોકો માટે છે નિરાધાર હોય નિસહાય હોય એવા તમામ વ્યકિત અમારે આંગણે આવે તો તેઓની અમે સેવા કરીએ છીએ.

પ્રશ્ન: શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ અંતર્ગત કેવા પ્રકારની પ્રવૃત્તિ કરો છો?

જવાબ: આ પ્રશ્નના ઉતરમાં યશવંતભાઈએ જણાવ્યું હતુ કે શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ વીસ વર્ષ જુનુ છે એ ટ્રસ્ટ દ્વારા અમે સામાજીક, ધાર્મિક, સેવાકીય, મેડીકલી અને વિદ્યાર્થીઓ કે જેઓ નબળા હોય તેવા વિદ્યાર્થીઓને ફ્રીમાં આર્થિક રીતે સહાય કરવી એ ઉપરાંત જે ગરીબ લોકો છે એમને યાત્રાના પ્રવાસ કરાવવા મેડીકલની જે જરૂરીયાત હોય તે સહાયતા આપવી, વૃધ્ધ લોકોને કિટ વિતરણનો કાર્યક્રમ, ઉનાળામાં ચપ્પલ વિતરણ કાર્યક્રમ, શિયાળામાં ધાબળા વિતરણ કાર્યક્રમ આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ.

પ્રશ્ન: કૈલાશ માન સરોવર યાત્રા વિશે લોકોને શુ અપીલ કરશો?

જવાબ: આ પ્રશ્નના ઉત્તરમાં યશવંતભાઈએ જણાવ્યું હતુ કે આ યાત્રા ખૂબજ સરળ છે. યાત્રામાં કોઈપણ પ્રકારની તકલીફ નથી માત્ર જરૂર છે. સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.