વેકિસન અંગેની ભ્રામક વાતો ધ્યાને ન લઈ તમામ લોકોને વેકિસનનું સુરક્ષા કવચ મેળવવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ
રસી ઇન્ફેક્શન નથી અટકાવતી, ડીસીઝને અટકાવે છે, ઇન્ફેક્શન અને ડીસીઝ બંને અલગ : કલેકટરનો પ્રજાજોગ સંદેશ
હાલ વેકસીન અંગે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. જેને લઈને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપ્યું છે કે રસી એકદમ સુરક્ષિત છે. કોરોનાથી થયેલા મોતના કિસ્સામાં મોટાભાગના દર્દીઓએ કોરોના વેકસીન લીધેલી નથી. રસી ઇન્ફેકશનને નહિ પણ ડીસીઝને અટકાવે છે. લોકોએ જાગૃત બનીને વેકસીન લેવી જ જોઈએ તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.દિન પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં જબ્બર ઉછાળો નોંધાઇ રહ્યો છે.તેવામાં તંત્રએ કોરોનાને અટકાવવા રસિકર5 અભિયાન પુરજોશમાં ચલાવ્યું છે. હાલ તંત્ર વધુમાં વધુ લોકોને તાત્કાલિક વેકસીન મળે તેવા પ્રયાસોમાં ઊંધામાથે થઈ ગયું છે. તેવામાં વેકસીન અંગેની ગેરમાન્યતાઓ પણ ખૂબ ફેલાઈ રહી છે. વેકસીન અંગેની ભ્રામક વાતોમાં આવી ઘણા લોકો ડરના લીધે વેકસીન લેવાનું ટાળી રહ્યા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કોરોનાથી થયેલા મૃત્યુના કિસ્સામાં મોટાભાગના દર્દીઓ કોરોના વેકસીન લીધા વગરના છે. કોરોના વેકસીન એકદમ સુરક્ષિત છે. તેનાથી કોઈ નુકસાન નથી. વેકસીનથી ફાયદો થાય છે. વધુમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને પ્રજા જોગ સંદેશો આપતા જણાવ્યું કે વેકસીનથી ઇન્ફેક્શન થતું અટકી જાય એવું નથી. પણ વેકસીનથી ડીસીઝ થતો અટકી જાય છે. ઇન્ફેક્શન અને ડીસીઝ બન્ને અલગ અલગ છે. અંતમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુમાં વધુ લોકો કોરોના વેકસીન લ્યે. તંત્ર પણ એવા પ્રયાસો કરે છે કે વેકસીન તમામ લોકો સુધી પહોંચે. લોકોએ જાગૃત બનીને વેકસીન અવશ્યપણે લેવી જ જોઇએ.
ટેસ્ટિંગ અને વેકસીનેશન બન્નેની સંખ્યા વધારાશે
જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લામાં કોર કમિટી વિવિધ નિર્ણયો લ્યે છે. જિલ્લાના મુખ્ય અધિકારીઓની બનેલી આ કોર કમિટી દ્વારા ટેસ્ટિંગ અને વેકસીનેશનની સંખ્યા વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેસ્ટિંગની સંખ્યા વધારવાથી કોરોનાના દર્દી તુરંત જ ડિટેકટ થઈ જશે અને તેના દ્વારા ફેલાતું સંક્રમણ અટકી જશે. બીજી બાજુ વધુમાં વધુ લોકોને વેકસીન આપી તેઓને સુરક્ષિત કરી શકાશે.
સમરસમાં વધુ બેડની વ્યવસ્થા કરાશે
સમરસ હોસ્ટેલ હાલ કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત થઈ ગયું છે. જ્યાં 250 જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અહીં વહીવટી તંત્ર દ્વારા 110 ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત બે ફ્લોર વધારી દેવાનો પણ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જરૂર પડશે તો 250 જેટલા ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.