સામાન્ય શહેરીજનના ઘરમાં એક મચ્છર દેખાઇ તો પણ નોટિસ ફટકારી દંડ વસૂલતી આરોગ્ય શાખા શાસકો સામે નત મસ્તક
છેલ્લાં ઘણા દિવસોથી મચ્છરોનો ત્રાસ વધી જતા તકેદારીના ભાગરૂપે પદાધિકારીઓની ચેમ્બર ઉપરાંત ભાજપ કાર્યાલય, સેક્રેટરીની ચેમ્બર અને સેક્રેટરી બ્રાન્ચમાં ફોગીંગ કરાયું
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા ચેકીંગમાં નીકળે ત્યારે જો કોઇ સામાન્ય શહેરીજનના ઘર, અગાસી કે ફળીયામાં મચ્છર દેખાય કે મચ્છરના પોરા નજરે પડે તો નોટીસ ફટકારી દંડનો કોરડો વીંઝવા માંડે છે. જો કે, આરોગ્ય શાખા કર્મચારીઓનું આરોગ્ય શાસકો સામે નબળું પડી જતું હોય તેવું લાગુ રહ્યુ છે. આખા રાજકોટને મચ્છરોના ત્રાસથી મુક્ત રાખવાની જવાબદારી જેના શીરે છે તે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોનની કચેરીમાં જ્યાં શાસકો બેસે છે ત્યાં છેલ્લા ઘણા દિવસથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં તકેદારીના ભાગરૂપે ગઇકાલે સાંજે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની ચેમ્બર સહિતના સ્થળોએ ફોગીંગ કરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં પદાધિકારીઓ જ્યાં બેસે છે તે બિલ્ડીંગમાં છેલ્લા ઘણા સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો. સ્ટાફ માટે હવે બેસવું પણ મુશ્કેલ બની જતા તકેદારીના ભાગરૂપે ગઇકાલે સાંજે ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલની ચેમ્બર, ઉપરાંત શાસક પક્ષ ભાજપના કાર્યાલય અને કાર્યાલયમાં આવેલી શાસક નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાની એન્ટી ચેમ્બર, સ્ટેન્ડિંગ કમિટિના કોન્ફરન્સરૂમ, સેક્રેટરી એચ.પી. રૂપારેલીયાની ચેમ્બર અને બહાર લોબીમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જો કે, મેયર ડો.પ્રદિપ ડવની ચેમ્બરમાં મચ્છરોનો ત્રાસ પ્રમાણમાં ઓછો હોવાના કારણે મેયર ચેમ્બર કે એન્ટી ચેમ્બરમાં ફોગીંગ કરવામાં આવ્યુ ન હતું.
ફોગીંગના કારણે આજે પદાધિકારીઓની ચેમ્બરો દવાની દુર્ગંધથી ધમધમી હતી. જો કોઇ સામાન્ય નાગરિકના ઘર કે ફળીયામાં મચ્છર મળે તો કોર્પોરેશનની આરોગ્ય શાખા મોટા ઉપાડે નોટીસો ફટકારે છે અને દંડ પણ વસૂલ કરે છે અને જ્યારે ખુદ પદાધિકારીઓના ચેમ્બરમાં મચ્છરોનો ઉપદ્રવ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવાને બદલે મૂંગા મોઢે ફોગીંગ કરી દેવાયું હતું.