પક્ષીકુંજ, પાણીના કુંડા, ડોલ, કલરના ડબ્બા, સિન્ટેક્ષની ટાંકી, ટાયર અને અગાસી પર મચ્છરોના પોરા
શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા રાજકુમાર કોલેજમાં આજે કોર્પોરેશનની આરોગ્ય શાખાની પાંચ ટીમો દ્વારા મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કોલેજ કેમ્પસમાં અલગ-અલગ ૨૯ સ્થળોએથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આજે આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા રાજકુમાર કોલેજના કેમ્પસમાં મચ્છરોની ઉત્પતિ અંગે હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં પક્ષીકુંજ, છોડાના કુંડા, નાળીયેરની કાછલી, ડોલ, કલરના ડબ્બા, સિન્ટેક્ષની ટાંકી, ટાયર અને અગાસી પર જમા થયેલા પાણીમાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા.
જુનીયર કેજી પ્રિમાઈસીસની બાજુના બગીચામાં સિન્ટેક્ષની ટાંકીમાંથી મચ્છરોના પોરા મળી આવ્યા હતા. નાના વિદ્યાર્થીઓ પર મચ્છરજન્ય રોગચાળાનો ભય ઝડુબી રહ્યો હોવાનું ખુલ્યું હતું. કોલેજ કેમ્પસમાં અલગ-અલગ ૨૯ સ્થળોએથી મચ્છરોની ઉત્પતિ મળી આવતા રૂ.૧૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી સોમવારે બપોરે ૪:૦૦ કલાકે આરોગ્ય શાખા દ્વારા રાજકુમાર કોલેજના સેનીટેશન સ્ટાફના વર્કર તથા સુપર વાઈઝરોને મચ્છરોની ઉત્પતિ કેવી રીતે અટકાવી તે અંગે તાલીમ આપવામાં આવશે.