મચ્છરોના ત્રાસ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેકટર તંત્રને રજુઆત કરવા છતાં સમસ્યા હલ ન થતા કમિશન એજન્ટોએ આપ્યું બંધનું એલાન
બેડી નજીક આવેલ રાજકોટ માર્કેટીંગ યાર્ડ પાસે પસાર થતી નદીમાં ગંદા પાણી અને ગાંડી વેલના સામ્રાજયના કારણે મચ્છરોનો ભયંકર ત્રાસ પ્રવર્તી રહ્યો છે. મચ્છરોના ત્રાસથી કંટાળી આજે માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોએ બંધનું એલાન આપતા રાજયભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અચાનક બંધના એલાનના કારણે બહારગામથી યાર્ડમાં જણસીનું વેચાણ કરવા માટે આવેલા ખેડુતોએ ભારે હાલાકી ભોગવી પડી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજથી પાંચેક વર્ષ પૂર્વે રાજકોટ માર્કેટીંગ યાર્ડનું બેડી નજીક સ્થળાંતર કરવામાં આવ્યું છે. યાર્ડ જે સ્થળે બનાવવામાં આવ્યું છે તેની બાજુમાંથી એક નદી પસાર થાય છે. આ નદીમાં રાજકોટમાંથી નિકળતું ગંદુ પાણી જતું હોવાના કારણે નદીમાં ગાંડી વેલનું સામ્રાજય થઈ ગયું છે. જેના કારણે મચ્છરોનો બેફામ ઉપદ્રવ વધી ગયો છે. મચ્છરોના ત્રાસથી તોબા પોકારી ગયેલા રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ આજથી એકાદ માસ પૂર્વે મચ્છરોના ત્રાસમાંથી વેપારીઓને છુટકારો અપાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તથા રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને રજુઆત કરી હતી.
વેપારીઓની રજુઆત બાદ તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી છતાં આજ સુધી એક પણ સરકારી વિભાગ દ્વારા યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓને છુટકારો આપવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે મંગળવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોએ યાર્ડ બંધનું એલાન આપ્યું હતું. આજે સવારે યાર્ડમાં એક પણ જણસીની હરાજી કરવામાં આવી ન હતી. જેના કારણે યાર્ડમાં ખેતપેદાશોનું વહેંચાણ કરવા આવેલા ખેડુતો ભારે હેરાન-પરેશાન થઈ ગયા હતા.
નદીમાંથી ગાંડી વેલ દુર કરાય તો મચ્છરોનો ત્રાસ ઘટે: ડી.કે.સખીયા
રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મચ્છરોના ત્રાસથી કંટાળી રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોએ આજે યાર્ડ બંધનું એલાન આપ્યું હોવાના કોઈ સમાચાર મારા સુધી પહોંચ્યા નથી. બેડી નજીક આવેલા યાર્ડ પાસેથી નદી પસાર થાય છે. જેમાં રાજકોટથી નિકળતું ગંદુ પાણી છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં ગાંડી વેલનું સામ્રાજય ફેલાઈ ગયું છે. આ ગાંડી વેલ હટાવવા માટે કોર્પોરેશન અને કલેકટર તંત્રને રજુઆત કરવામાં આવી હતી. રજુઆત બાદ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા એક ફોગીંગ મશીન ફાળવવામાં આવ્યું છે અને આ ફોગીંગ મશીન રોજ બે કલાક ફોગીંગ કરે છે.
જેનાથી વેપારીઓને મચ્છરોના ત્રાસમાંથી થોડી રાહત મળે છે. યાર્ડ અહીં પાંચ વર્ષથી કાર્યરત છે ત્યારે વેપારીઓને આ વર્ષે જ કેમ મચ્છરોનો ત્રાસ વર્તાવવા લાગ્યો છે તે પણ એક મોટો સવાલ છે. જો નદીમાં ઉગી નિકળેલી ગાંડી વેલની હટાવી દેવામાં આવે અથવા તેને સુકવી દેવા માટે કોઈ દવાનો છંટકાવ કરવામાં આવે તો યાર્ડમાં મચ્છરોના ત્રાસમાંથી ૭૫ ટકા રાહત મળી શકે તેમ છે. આ માટે કોર્પોરેશન અને જિલ્લા વહિવટી તંત્રએ ખરેખર ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. વેપારીઓની રજુઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે ગાંડી વેલ હટાવવા માટેનું આશ્ર્વાસન ચોકકસ આપ્યું હતું પરંતુ કોઈ સચોટ કામગીરી ન કરતા યાર્ડમાં મચ્છરોનો ત્રાસ યથાવત છે.