૯૬ હોસ્પિટલ, ૧૨૫ બાંધકામ સાઈટ, રહેણાંક મકાનો સહિત ૨૨૨ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ અંગે ચેકિંગ: રૂા.૩૦૫૫૦નો દંડ વસુલાયો

મિશ્ર ઋતુમાં મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગોને ફેલાતા અટકાવવા માટે મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા ૧ સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની નામી હોસ્પિટલો જાણે રોગચાળાનું એપી સેન્ટર બની ગઈ હોય તેમ ત્યાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા. મચ્છરોનો ઉપદ્રવ જણાતા ૨૦૩ આસામીને નોટિસ ફટકારી રૂા.૩૦૫૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ગત સપ્તાહે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૯૬ હોસ્પિટલ, ૧૨૫ બાંધકામ સાઈટ, રહેણાંક મકાન, કોમર્શીયલ મિલકત અને ભંગારના ડેલા સહિત ૪૨૨ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં કસ્તુરબા રોડ પર સિધ્ધી ઓર્થોપેડીક હોસ્પિટલ, વિદ્યાનગર રોડ પર આદિત્ય હોસ્પિટલ, કરણસિંહજી રોડ પર નિરામય હોસ્પિટલ, નાણાવટી ચોકમાં સ્ટર્લીંગ હોસ્પિટલ, ગાયત્રીનગરમાં ઓમ હોસ્પિટલ, વિદ્યાનગર મેઈન રોડ પર ડો.સુધીર શેઠની હોસ્પિટલ, એસ.વી.રોડ પર ક્રિષ્ના હોસ્પિટલ, ક્રિષ્ના ગાયનેક હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મેડીસર્જ હોસ્પિટલ,  વિદ્યાનગર મેઈન રોડ પર માઈલસ્ટોન હોસ્પિટલ, વાણીયાવાડીમાં રાખોલીયા હોસ્પિટલ, મંગળા રોડ પર શુભમ ડેન્ટલ કલીનીક, ન્યુ ૮૦ ફૂટ રોડ પર હરીઓમ સ્કૂલ, શુભાસનગરમાં પી.એમ.હોસ્ટેલ, લાતી પ્લોટમાં રાજ ટ્રેડર્સ, જામનગર રોડ પર રોયલ વેસ્ટેજ સપલાયર સહિતના અલગ અલગ ૨૦૩ સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તેઓને નોટિસ ફટકારી રૂા.૩૦૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.  આગામી દિવસોમાં પણ આ ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

તેઓએ ઉમેર્યું હતું કે, મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે બિનજરૂરી ટાયર કે ભંગારનો યોગ્ય નિકાલ કરવો, પાણીની કુંડીમાં વધુ સમય પાણી ભરેલુ ન રાખવું, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખવા સહિતની તકેદારી રાખવી ખુબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.