આમાં કોરોના વકરે નહીં તો જ નવાઇ!!
મનપા સફાઇની ઝુંબેશ કયારે હાથ ધરશે : લોકોમાં પૂછાતો પ્રશ્ર્ન
જૂનાગઢમાં હાલ ચોમાસામાં સફાઇ વ્યવસ્થાની તાતી જરૂરિયાત છે. સફાઇ વ્યવસ્થા મજબૂત કરીને લોકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવે તેવી લોક માંગ છે. શહેરમાં ઠેર ઠેર ભરાયેલ પાણીના ખાબોચિયાં અને અનેક જગ્યાએ ગંદકી છે, સફાઈનો અભાવ છે અને મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધી રહ્યો છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો સિવાય શહેરના સોસાયટી વિસ્તાર અને ગલીઓમાં પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારો ન હોવાથી અઠવાડિયા, પંદર દિવસે એક વખત પણ સફાઈ થતી નથી કે, મેલેરિયા ઈન્સ્પેકટરો ક્યાંય દેખાતા નથી, એસ.આઈ. વોર્ડમાં રાઉન્ડ મારતા નથી, વોર્ડની દેખભાળ રાખવા નિમાયેલા વોર્ડ પ્રભારીએ વોર્ડમાં પગ મૂક્યો નથી, છેવાડાના કે સોસાયટી વિસ્તારમાં ક્યાંય ડી ડી ટી કે દવા છંટકાવ ના થતી હોવાની લોકોની વર્ષો જૂની ફરિયાદ હોવા છતાં ધ્યાન અપાતુ નથી.
જૂનાગઢ શહેરમાં કોરોનાના કેસ વધતા જૂનાગઢ મનપા કમિશનર સહિતના અધિકારીઓ તાજેતરમાં ચાલીને શહેરની બજારોમાં ફરી વેપારીઓને તીખી ભાષામાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તાકીદ કરાવે તે પણ જરૂરી છેે.
કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોના રહેવાસીઓની જો વાત માનીએ તો, તેમના વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા બાદ અત્યંત જરૂ રી એવી સેનીટેશન જેવી જરૂ રી કાર્યવાહી પણ ૨૪ કે ૩૬ કલાકે કરવામાં આવે છે. આ સિવાય જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થાય છે તેની આસપાસના વિસ્તારમાં આરોગ્ય તપાસણી પણ માત્ર કહેવા પૂરતી થતી હોવાની અને તે પણ તાત્કાલિક ને બદલે એક, બે કે ત્રણ દિવસ બાદ કરાતી હોવાની લોકોમાંથી ફરીયાદો ઉઠી છે. મનપાએ આવા કપરા સંજોગોમાં લોકોને દંડવાની સાથે તેમની ફરજમાં જે કાર્યવાહી આવતી હોય તે સત્વરે પૂર્ણ કરવા માટે જરૂરી સ્ટાફની વ્યવસ્થા તથા સાધનોની સગવડ કરવી પણ આવશ્યક છે.
જૂનાગઢની જનતા માટે ખેવના કરી મનપાનું આરોગ્ય તંત્ર અને મનપાના આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ થાય દ્વારા ખરા અર્થમાં કામગીરી થાય તે માટે જરૂરી સાધનો અને માનવ બળની વ્યવસ્થા કરી, જૂનાગઢમાં કોરોના સંક્રમણ કેમ ઓછું, કેમ કેસ ઓછા થાય તે માટેની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સરકારી ગાઇડ લાઇન મુજબ જે કામગીરી સત્વરે કરવી જોઈએ તે માટેની તમામ વ્યવસ્થા મનપાના કમિશનર કરે તેવી લોક માંગ ઉઠી છે.