- બંદૂકધારીઓએ મોસ્કોના ક્રોકસ સિટી હોલ પર હુમલો કર્યો – રશિયન ગુપ્તચર.
- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
International News : રશિયાની રાજધાની મોસ્કોના બહારના વિસ્તારમાં એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે રાત્રે ગોળીબારની ઘટના બની હતી. મોસ્કો કોન્સર્ટ હોલ હુમલાનો મૃત્યુઆંક વધીને 93 થયો છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાબતે 11 લોકો કસ્ટડીમાં લીધા છે. બિલ્ડિંગમાં આગ લાગી હતી અને થિયેટર પાસેની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ બાબતે ઈસ્લામિક સ્ટેટનું કહેવું છે કે હુમલાખોરો નાસી છૂટ્યા છે. જ્યારે અમેરિકાએ કહ્યું કે તેણે આ હુમલા અંગે રશિયાને ચેતવણી આપી છે. તેમજ યુક્રેને હુમલામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે.
રશિયાના વિદેશ મંત્રીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. યુક્રેને હુમલામાં કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે.
બીબીસી રશિયન સર્વિસ એડિટર સ્ટીવ રોસેનબર્ગે કહ્યું છે કે છેલ્લા બે દાયકામાં રશિયા પર આ સૌથી મોટો હુમલો છે.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા તે અંગે તેમની પાસે વધુ માહિતી નથી. હુમલાખોરો નાસી છૂટ્યા હોવાના પણ સંકેતો મળી રહ્યા છે અને પોલીસ તેમને શોધવામાં વ્યસ્ત છે.
મધ્યરાત્રિએ, રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે તેની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હુમલા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે સતત માહિતી આપવામાં આવી રહી છે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે પુતિને આ મામલાને લગતા તમામ વિભાગોને આદેશ આપી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.
We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the victims. India stands in solidarity with the government and the people of the Russian Federation in this hour of grief.
— Narendra Modi (@narendramodi) March 23, 2024
તેમણે ટ્વીટ કર્યું, “અમે મોસ્કોમાં જઘન્ય ઉગ્રવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે. ભારત આ દુઃખની ઘડીમાં રશિયાની સરકાર અને તેના લોકો સાથે ઉભું છે.”
હુમલા માટે કોણ જવાબદાર?
ઉગ્રવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)ના એક જૂથે હુમલાની જવાબદારી લીધી છે. ISનું કહેવું છે કે હુમલો કરનાર બંદૂકધારી અહીંથી ભાગી ગયા છે. અમેરિકાએ કહ્યું છે કે ઈસ્લામિક સ્ટેટના આ દાવા પર વિશ્વાસ ન કરવાનું કોઈ કારણ નથી. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી છે કે તેણે માર્ચની શરૂઆતમાં રશિયન અધિકારીઓને જાણ કરી હતી કે મોસ્કોમાં ‘મોટી ભીડ’ પર હુમલો શક્ય છે. રશિયાએ હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
અમેરિકાએ અગાઉ ચેતવણી આપી હતી
યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે, “આ મહિનાની શરૂઆતમાં, યુએસ સરકારને મોસ્કોમાં કોન્સર્ટ જેવા ભીડવાળા સ્થળોને નિશાન બનાવીને આયોજિત આતંકવાદી હુમલાની માહિતી હતી.” તેમણે કહ્યું કે વોશિંગ્ટને રશિયન અધિકારીઓ સાથે માહિતી શેર કરી છે.
બીબીસી સુરક્ષા સંવાદદાતા ગોર્ડન કોરેરાએ કહ્યું છે કે ક્રેમલિને આ ચેતવણીઓને ‘પ્રચાર’ તરીકે ફગાવી દીધી હતી. યુએસ અધિકારીઓએ યુ.એસ.માં બીબીસીના સહયોગી સીબીએસને જણાવ્યું છે કે તેમને ગુપ્ત માહિતી મળી હતી કે આઈએસ રશિયામાં હુમલો કરી શકે છે. અમેરિકન વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે પરિસ્થિતિ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.