કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને 2018ના દુષ્કાળમાં રાહતરૂપે 3370 કરોડ રૂપિયાથી આર્થિક સહાય ન આપવાનો નિર્ણય લીધો હોવાની ગુજરાત વિધાનસભામાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલની કબુલાતથી ખળભળાટ
પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. ગુજરાત માટે છેલ્લા 7 વર્ષથી જાણે મોસાળે જમણ અને ર્માં પિરસનાર હોય તેવો મજાનો માહોલ સર્જાયો છે. ગુજરાતનું એકપણ કામ કયારેય કેન્દ્રમાં અટકતું નથી. કોઈપણ રજુઆત કે પ્રશ્ર્નો લઈને જાય ત્યારે કયારેય ખાલી હાથે પાછા આવતા નથી. આવા જ કંઈક બણગા ભાજપના નેતાઓ ગળા ફાડી ફાડીને છાશવારે કહેતા નજરે પડે છે. પરંતુ મોસાળે અર્થાત દિલ્હી ગયેલી ર્માં એટલે કે રૂપાણી સરકારને માવતર એટલે કે મોદી સરકારે ખાલી હાથે નિરાશ કરી પાછી હડસેલી હોય તેવો બનાવ બન્યો છે. ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રમાં ગઈકાલે રાજયના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે એવી કબુલાત કરી હતી કે, રાજયમાં 2018માં પડેલા દુષ્કાળમાં રાહતરૂપે 3370 કરોડની આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી હતી પરંતુ ગુજરાતને એક પણ રૂપિયાની દુષ્કાળ રાહત આર્થિક સહાય આપવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. મહેસુલ મંત્રીની આ કબુલાતથી ખળભળાટ મચી જવા પામ્યો છે તો બીજી તરફ ગત વર્ષે રાજયમાં આકાશી સુનામી અર્થાત પુરના કારણે વ્યાપક ખુંવારી સર્જાય હતી જેમાં રાહતરૂપે રાજયએ રૂા.7239.47 કરોડની માંગણી કરી હતી પરંતુ જેનો આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી.
કેન્દ્રમાં 2014માં નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર સતારૂઢ થયાના બીજા દિવસથી ગુજરાતમાં ભાજપના નેતાઓ છાશવારે એવા નિવેદનો આપતા નજરે પડે છે કે, હવે ગુજરાત માટે મોસાળે જમણ અને ર્માં પીરસનાર જેવો સાનુકુળ માહોલ સર્જાઈ ગયો છે પરંતુ આ વાતમાં જોઈએ તેટલો દમ રહ્યો ન હોય તેવી લાગી રહ્યું છે. સતત 13 વર્ષ સુધી ગુજરાતની ગાદી સંભાળનાર નરેન્દ્રભાઈ મોદી હવે ગુજરાતના ખેડુતો કે ગુજરાતની જનતાને સીધી અસર કરતા પ્રશ્ર્નોને હલ કરવા માટે અંગત રસ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં ગઈકાલે ધારાસભ્ય ભગાભાઈ બારડે પુછેલા એક પ્રશ્ર્નનો જવાબ આપતા મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 2018ના દુષ્કાળમાં રાહતરૂપે રાજય સરકાર દ્વારા જે 3370 કરોડ રૂપિયાની આર્થિક સહાયની માંગણી કરવામાં આવી હતી તે ન ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને 2020માં પુરના કારણે થયેલ નુકસાનના વળતરરૂપે રાજય સરકાર દ્વારા 7239.47 કરોડ રૂપિયાની માંગણી કરી છે પરંતુ આજ સુધી આ અંગે મહેસુલ પ્રધાનને કોઈ જવાબ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, 2018ના દુષ્કાળમાં રાહતકાર્યો કરવા માટે કેન્દ્ર સરકાર પાસે જે 3370.71 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તેમાં કેન્દ્ર સરકારે 20 ફેબ્રુઆરી 2019ના રોજ જણાવ્યું હતું કે, રાજય કોઈપણ ભંડોળ માટે લાયક નથી કેમ કે આ હેઠળ તે માટે ઉપલબ્ધ ભંડોળના 50 ટકા રાજય આપતિ પ્રતિસાદ ભંડોળ (એસડીઆરએફ) તેની ઉચ્ચ કક્ષાની સમિતિ દ્વારા નકકી કરેલા રૂા.127.60 કરોડથી વધુ છે. તેથી આ રકમ આપી શકાય તેમ નથી તેવું એનડીઆરએફે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે 2018માં રાજયના 51 તાલુકાના 3367 ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા અને આ માટે કેન્દ્ર સરકાર પાસે રાહતરૂપ આર્થિક સહાય માંગવામાં આવી હતી પરંતુ નકકી કરેલા ધારાધોરણ કરતા સહાયની રકમ વધુ હોવાના કારણે કેન્દ્રએ ગુજરાતની માંગણીને ઠુકરાવી દીધી છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે ગૃહમાં વધુ એ વાતની પણ કબુલાત કરી હતી કે, ગત વર્ષે રાજયમાં પુરની સ્થિતિ સર્જાય હતી. આ માટે રાજય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ 7239.47 કરોડની માંગણી કરવામાં આવી છે પરંતુ આ રકમ મળશે કે કેમ ? તે અંગે આજ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. રાજય સરકારે 1, એપ્રિલ, 2018 થી 31 ડિસેમ્બર 2020ની વચ્ચે આપતિ રાહત ભંડોળમાંથી રૂા.93.94 કરોડ ખર્ચયા છે તે પણ બાકી છે. 2020-21માં એસડીઆરએફ ફંડ માટે રૂા.1765 કરોડની જોગવાઈ સામે સરકારે કૃષિ રાહત પેકેજમાંથી ઉભી થયેલી જરૂરીયાતના કારણે 806.60 કરોડના વધારાના ભંડોળની ફાળવણી કરી છે.
હાલ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપનું રાજ છે. ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવી છે પરંતુ કેન્દ્ર સરકારે હવે ગુજરાતને અન્યાયના તમાચા ઝીંકવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. દુષ્કાળ રાહત પેટે રૂા.3370 કરોડની સહાય આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઘટના ખુબ જ ગંભીર છે જેના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડે તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચાર મહિનાથી કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં દેશના અલગ-અલગ રાજયોના ખેડુતો આંદોલન ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ભલે આ આંદોલનની કોઈપણ પ્રકારની અસર દેખાતી ન હોય પરંતુ કેન્દ્ર અને રાજય સરકારની નીતિ-રીતિથી ખેડુતો ભારોભાર નારાજ છે. દુષ્કાળ રાહત માટેની સહાય ચુકવાની પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ ના ભણી દેતા એક વાત સાબિત થઈ ચુકી છે ગુજરાતનું દિલ્હીમાં કાંઈ ખાસ ઉપજતું નથી. આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે આવા અનેક મુદાઓ અસર કરે છે તેવું લાગી રહ્યું છે.
હાલ ઉપરછલુ એવું ચોકકસ લાગી રહ્યું છે કે, ગુજરાતનો એક પણ પ્રશ્ર્ન કે પ્રોજેકટ કેન્દ્રમાં 24 કલાકથી વધુ પેન્ડીંગ રહેતો નથી પરંતુ આ બધુ અવાસ્તવિક છે. મોસાળે જમણવાર અને ર્માં પીરસનાર એ કહેવત હવે ગુજરાત માટે થોડી ઉંધી સાબિત થઈ રહી છે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કર્યા બાદ પણ જો કેન્દ્ર સરકાર દ્વારા રાજયને આર્થિક સહાય ચુકવવાનો ઈન્કાર કરી દેવામાં આવે તે ઘટના કેટલી ગંભીર હશે તેનો ખ્યાલ આગામી દિવસોમાં આવશે.
17.6 લાખ ઘરો હજુ નળ જોડાણથી વંચિત!!
રાજ્યમાં હજુ 17.6 લાખ ઘરો નળ જોડાણથી વંચિત છે. એક તરફ વર્ષ 2024 સુધીમાં દરેક ઘર સુધી નળ જોડાણ આપવાની રાજ્ય સરકારે નેમ વ્યક્ત કરી છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં નળ જોડાણ આપવાના બાકી હોય સરકારની આ નેમ પરિપૂર્ણ થશે કે કેમ?
કોંગ્રેસના ધારાસભ્યએ નળથી જળ પ્રોજેકટનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આણંદના 211 ગામ, પોરબંદરના 3 ગામ, મહેસાણાના 5 ગામ હજુ પાણી વિતરણ યોજનામાં સંકળાયેલા નથી. સરકારે જવાબમાં જણાવ્યું હતું કે વલસાડમાં 2.22 લાખ ઘરો તેમજ દાહોદમાં 1.96 લાખ ઘરો નળ જોડાણ ધરાવતા નથી. ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, બોટાદ, આણંદ અને પોરબંદરમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં તમામ ઘરોમાં નળ જોડાણ હશે આ માટે રાજ્ય સરકારે રૂ. 4000 કરોડની રકમ પણ ફાળવી છે.