ભાજપના ઉમેદવાર નિમિષાબેનનો જાતિનો દાખલો તદ્દન ખોટો: કોંગ્રેસી ઉમેદવાર સુરેશ કટારાની હાઇકોર્ટમાં અરજી
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી હતી. મોરવાહડફ બેઠક પર 2017ની સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયા બાદ પેટા ચૂંટણી જાહેર થઈ હતી. આ વિધાન સભા બેઠકની પેટા ચૂંટણી માટે ગત 17 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારનો વિજય થયો હતો.મતગણતરીમાં ભાજપના નિમિષા સુથારને 67,101 અને કોંગ્રેસના સુરેશ કટારાને 21,669 મતો મળ્યા હતા અને નિમિષાબેન સુથારનો વિજય થયો હતો. આ બેઠક આદિવાસીઓ માટે
અનામત હોવાથી ઉમેદવાર આદિવાસી જ હોવો જોઈએ અને ચૂંટણીપંચને જાતિનું પ્રમાણપત્ર જમા કરાવવું પડે છે ત્યારે નિમિષાબેન આદિવાસી છે કે કેમ ? તે મામલો હાલ કોર્ટ સુધી પહોંચ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે ભાજપના ધારાસભ્ય નિમિષા સુથારને કોંગ્રેસના સુરેશ કટારા દ્વારા દાખલ કરેલી અરજી પર સમન્સ જારી કર્યુ છે. સુરેશ કટારાએ મોરવા હડફ મત વિસ્તારના પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન દ્વારા સબમિટ કરાયેલા તેના જાતિ પ્રમાણપત્રને પડકારતી અરજી કરાઈ છે.
ન્યાયમૂર્તિ નિખિલ કારીયલ દ્વારા સોમવારે પીપલ એકટ હેઠળ સમન્સ જારી કરીને નિમિષાબેન અને ચૂંટણી અધિકારી તેમજ ચૂંટણી પંચને 2 ઓગસ્ટ પહેલા હાઇકોર્ટમા હાજર થવા તેંડુ મોકલવામાં આવ્યું છે.
મોરવા હડફ વિધાનસભાની બેઠક શેડ્યુલ્ડ ટ્રાઈબ્સ માટે અનામત હોવાથી ભાજપના ઉમેદવાર નિમિષાબેન રાવલ બે મેના રોજ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાને હરાવી ચૂંટણી જીતી હતી. ત્યારે સુરેશ કટારા દ્વારા હાલમાં જ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નિમિષાબેન સુથાર દ્વારા ચૂંટણીપંચને આપવામાં આવેલું જાતિનો દાખલો તદ્દન ખોટો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે હાઇકોર્ટ દ્વારા નિમિષાબેનને તેંડુ મોકલવામાં આવ્યું છે.