બળાત્કારની ફરિયાદ હાઇકોર્ટમાં ક્રોસિંગ કરવા લગ્ન કર્યા:રેપનો ગુનો રદ થયા બાદ પરિણીતાને અગાશી પરથી નીચે ફેંકી દીધી: સરપંચ સહિત ચાર સામે નોંધાતો ગુનો
સાયલા તાલુકાના મોરસરના યુવાને ધજાળાની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અવાર નવાર બળાત્કાર ગુજાયા અંગેના ગુનામાંથી છુટવા પ્રેમ લગ્ન કરી ફરિયાદ ક્રોસિંગ કરાવ્યા બાદ અગાશી પરથી ધક્કો મારી હત્યાનો પ્રયાસ કર્યા અંગેની મોરસરના સરપંચ સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના ધજાળા ગામે રહેતી છાયાબેન શૈલેષભાઇ ડાભી નામની પરિણીતાએ મોરસર ગામના સરપંચ વજાભાઇ, શૈલેષ હરજી ડાભી, શૈલેષના ભાભી અને શૈલેષના ભાભુ સામે છેતરપિંડીથી બળાત્કારની ફરિયાદ પાછી ખેચાવી, શારિરીક અને માનસિક ત્રાસ દઇ અગાશી પરથી ધક્કો મારી મોત નીપજાવવા અંગેના પ્રયાસ અંગેની ધજાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધજાળાના છાયાબેન ડાભી મોરસરના શૈલેષ ડાભીના સાતેક વર્ષ પહેલાં પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. છાયાબેન સગીર હોવા છતાં શૈલેષ ડાભીએ લગ્ન કરવાની લાલચ દઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યા બાદ પુક્ત વયના થયા ત્યારે લગ્નની ના કહેતા શૈલેષ ડાભી સામે ધજાળા પોલીસમાં બળાત્કાર ગુજાર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
શૈલેષ ડાભીએ બળાત્કાર અને પોકસોના ગુનામાંથી છુટવા છાયાબેન સાથે ગત તા.14-12-20ના રોજ અમરેલીના બાટવા દેવળી ગામે પ્રેમ લગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ શૈલેષ ડાભીના વકીલે કોરા કાગળમાં સહી કરાવી ગત તા.18-1-21ના રોજ હાઇકોર્ટના જજ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરાવી બળાત્કારની ફરિયાદ ક્રોસિંગ કરાવી લઇ બોટાદના ડો.ગાબુ પાસે ગર્ભપાત કરાવ્યા બાદ છાયાબેનને ધજાળા ગામે મુકલી પરત તેડવા ન આવતા છાયાબેન મોરસર ગામે ગયા ત્યારે તેણીને ઘરમાંથી ધક્કા મારી કાઢી મુકી હતી. તેમ છતાં મોરસર રહેતા તેણીને અગાશી પર લઇ જઇ ધક્કો મારી દેતા પગમાં ફેકચર થયું હતું અને કમ્મરના મણકામાં ઇજા થયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.
ધજાળા પોલીસ મથકના પી.એસ.આઇ. ઝેડ.એલ.ઓડેદરા સહિતના સ્ટાફે મોરસરના સરપંચ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.