શ્રીનાથધામ હવેલી ખાતે વીવાઇઓ આયોજીત ફૂલફાગ રસિયામાં વૈષ્ણવો ભાવવિભોર
અબતક-રાજકોટ
શહેરના નાનામવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં બાજુમાં આવેલી શ્રીનાથધામ હવેલીના પાવનકારી પરિસર ખાતે ગઇકાલે રાત્રે વલ્લભકુળ ભૂષણ વૈષ્ણવાચાર્ય-1008 પ.પૂ.વ્રજરાજકુમાર મહોદયના સાંનિધ્યમાં ફૂલફાગ રસિયા મહોત્સવની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા અને ઠાકોરજીના ભક્તિ સંગીતમાં લીન બની ગયા હતા. પરિસર પણ ટૂંકુ પડ્યુ હતું. મોડી રાત સુધી ચાલેલા આ કાર્યક્રમને વૈષ્ણવોએ મન ભરીને માણ્યો હતો.
શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ- ચોરડીમાં ટૂંક સમયમાં નિર્માણકામ શરૂ કરવાની પૂ.વ્રજરાજકુમાર મહોદયની જાહેરાતને વૈષ્ણવોએ જય જયકાર સાથે વધાવી
શ્રીનાથધામ હવેલી ખાતે યોજાયેલા ફૂલફાગ રસિયા ઉત્સવ પૂર્વે વૈષ્ણાવાચાર્ય પ.પૂ.વ્રજરાજ મહોદયે વચનામૃતમાં જણાવ્યું હતું કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝર દ્વારા ગોંડલ નજીક ચોરડી ખાતે 55 વિઘા જમીન પર શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઇ કારણોસર આ પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો નથી. જેનાથી વૈષ્ણવોના મનમાં પણ સવાલ થઇ રહ્યા છે કે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું કામ ક્યારથી શરૂ થશે. તેઓએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને અલગ-અલગ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ચોરડી મુકામે જે મોરપીંછ ટેમ્પલનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે મોરપીંછ ટેમ્પલ અને સાત સ્વરૂપ હવેલી હવે વૈષ્ણવોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે જ શ્રીનાથધામ હવેલીની બાજુમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફૂલફાગ રસિયા ઉત્સવ મોડી રાત સુધી ચાલ્યો હતો. જેમાં વૈષ્ણવોએ મન મૂકી આનંદ લૂંટાવ્યો હતો.
ચોરડી ખાતે શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેજેની આ જાહેરાતને ઉપસ્થિત વૈષ્ણવોએ જય જયકાર સાથે વધાવી લીધી હતી.
હોળી પૂર્વે 40 દિવસ પહેલા ફૂલફાગ રસિયા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેનું મહત્વ સમજાવતાં પૂ.વ્રજરાજકુમારજી મહોદયે જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન વૈષ્ણવો દાસભાવે ઠાકોરજીની સેવા કરતા હોય છે. પરંતુ આ 40 દિવસ દરમિયાન ઠાકોરજી ભક્તો સાથે સખાભાવે ફુલફાગ મનોરથ કરતા હોય છે. તેઓએ અલગ-અલગ 10-10 દિવસનું મહાત્મ્ય પણ વૈષ્ણવો સમક્ષ રજૂ કર્યું હતું. હોરી રસિયા શરૂ થતાની સાથે વૈષ્ણવો ઠાકોરજીને ભાવથી લાડ લડાવવા માટે મશગૂલ બની ગયા હતા.
2 વર્ષ બાદ ટઢઘ શ્રીનાથધામ હવેલી ખાતે મોટો ઉત્સવ ઉજવાયો : મૌલેશભાઈ ઉકાણી
જાણીતા ઉદ્યોગપતિ તેમજ કૃષ્ણ ભક્ત મૌલેશભાઈ ઉકાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું છે.2 વર્ષ બાદ ટઢઘ શ્રીનાથધામ હવેલી ખાતે શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં હોલી રસિયા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો .શ્રી વ્રજરાજકુમારજીના દર્શનનો લહાવો તમામ ભક્તોને મળ્યો.આજે તમામનું જીવન પ્રફુલ્લિત બની ગયું છે.શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશના આશીર્વાદ સદૈવ તમામ પર રહે તેવી પ્રભુને પ્રાર્થના.
અબતક ચેનલ તેમજ ડિજિટલ મીડિયાના માધ્યમ દ્વારા 5 લાખથી વધુ લોકોએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો
શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં ટઢઘ શ્રીનાથધામ ખાતે હોલી રસિયા ઉત્સવ ભવ્ય રીતે ઉજવાયો જેનું જીવંત પ્રસારણ અબતક ચેનલ તેમજ ડીઝીટલ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું.3 કલાક ચાલેલા આ ઉત્સવનો અબતક મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર 5 લાખથી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો તેમજ દર્શનનો લાભ લીધો હતો.
ટઢઘ પરીવારના સાથ સહકારથી ભવ્ય ઉત્સવ ઉજવાયો : રાકેશભાઈ દેસાઈ
ટઢઘ ગ્રુપના પ્રભારી તેમજ ટઢઘ શ્રીનાથધામ હવેલીના મહામંત્રી રાકેશભાઈ દેસાઈએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં ,શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં કોવિડ 19 ની મહામારી બાદ પહેલી વાર આ ઉત્સવ રંગે ચંગે મનાવી રહ્યા છીએ.આજે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનમાં સર્વે પરિવારજનો ના સાથ સહકારથી તમામને આનંદિત કરવાનો અવસર મળ્યો.અમારા ટઢઘ ટિમ નું આ સૌભાગ્ય છે.આવો જ આનંદ ઉત્સવ આપણે કરતા રહીએ.પ્રભુને આનંદ ઉત્સવથી લાડ લડાવતા રહીએ.