ચોથુવિશ્વ યુદ્ધ પાણી માટે ખેલાશે તે વાત વિશ્ર્વના દરેક દેશો કબુલી રહ્યાં છે. વિશ્ર્વભરમાં ધીમે ધીમે જળ સ્ત્રોતો ખુંટવા લાગ્યા છે. આવનારી પેઢી માટે પાણીનો પ્રશ્ર્ન સૌથી વિકટ રહેશે તેમાં કોઈ શંકા નથી. આપણા પરદાદાઓએ કુવામાં પાણી જોયું હતું. હવે આપણે બોટલમાં પાણી જોઈ રહ્યાં છીએ. આવનારી પેઢીને કેમાં પાણી જોવા મળશે તેવા સવાલો પણ મોઢુ ફાડીને ઉભા છે. ત્યારે ગુજરાતને જળ સમૃદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી સુજલામ, સુફલામ જળ સંચય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમ તો જળ સંચયના કામો મોડા શરૂ કરવાની સરકારની રાબેતા મુજબની કુટેવના કારણે ખેડૂતોને થવો જોઈએ તેટલો ફાયદો થતો નથી અને જગતાત દિવસે ને દિવસે પાયમાલી તરફ ધકેલાતો જાય છે. પરંતુ એક વાત એ પણ કબુલવી રહી કે જળ સંચય ગમે ત્યારે શરૂ કરવામાં આવે તેમાં જાગ્યા ત્યારથી સવાર જેવી કહેવત લાગુ પડે છે.
નર્મદાને ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે. રાજ્ય સરકારની દીર્ધ દ્રષ્ટિના કારણે એક સમયે નપાણીયુ ગણાતું સૌરાષ્ટ્ર આજે નર્મદા મૈયાની કૃપાથી આજે પાણી-પાણી થઈ ર્હયું છે. નેવાના પાણી મોભે ચડાવવાની કહેવત સરકારે સાચી કરી બતાવી છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન જળ સંચય અભિયાન અંતર્ગત ગામે ગામે તળાવો અને ચેકડેમો ઉંડા ઉતારવામાં આવ્યા હોવાની જળાશયોની સંગ્રહ શક્તિમાં ચોક્કસ વધારો થયો છે. પરંતુ તેનો લાભ ખેડૂતોને મળવો જોઈએ તેટલો મળતો નથી તે વાત પણ એટલી જ સાચી છે. શિયાળામાં જેમ જેમ ચેકડેપો અને તળાવ ખાલી થાય તેમ તેમ જો જળ સંચય અભિયાન શરૂ કરી દેવામાં આવે તો તેનો મહત્તમ ફાયદો ખેડૂતોને થઈ શકે તેમ છે. જેટલા ચેકડેમો ઉંડા ઉતારવામાં આવે છે કે રીપેર કરવામાં આવે છે તેનાથી વધુ તુટતા હોવાની પણ વાસ્તવિકતા છે. જો ખેડૂતે સામાન્ય કામ માટે પણ સિંચાઈ વિભાગના પગથીયા ઘસવા પડે છે. સ્વખર્ચે તળાવો ઉંડા ઉતારવા ઈચ્છતા ખેડૂતોને ઓફિસે ધક્કા ખવડાવવામાં આવે છે. વાસ્તવમાં આ બધી ક્ષતિઓ જો દૂર થઈ જાય તો ખરેખર જળ સંચય અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય તેમ છે અને ગુજરાતમાં જળ સમૃધ્ધી વિકાસની પારસમણી બની શકે તેમ છે.
ઉનાળામાં જળ સંચય અભિયાન શરૂ કરવાના બદલે જો શિયાળાના આરંભે જ આ મહાઅભિયાન શરૂ કરી દેવામાં આવે તો ચોમાસુ સુધીમાં અનેક જળાશયોની સંગ્રહ શક્તિમાં માતબર વધારો થઈ શકે તેમ છે. પરંતુ સરકારી કુટેવના કારણે દર છેલ્લા ચાર વર્ષથી સુજલામ સુફલામ જળ અભિયાન મોડે-મોડે શરૂ કરવામાં આવતું હોવાના કારણે તેનો મહત્તમ લાભ ખેડૂતોને મળતો નથી.