આવકવેરા વિભાગે લોકોને આપી ચેતવણી
નવીદિલ્હી
નોટબંધી બાદ રોકડ વ્યવહારોનું પ્રમાણ ઓછુ થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યાં છે જેના પગલે ડિજીટલ પેમેન્ટ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. મોટા રોકડ વ્યવહારોમાં મોટા પ્રમાણમાં કાળા નાણાનો ઉપયોગ થતો હોવાની શંકાને પર કેશલેસ અર્થતંત્ર ઉપર ભાર મુકાય રહ્યો છે. તેવામાં હવે ૨ લાખથી વધુના રોકડ વ્યવહારો કરનારાને દંડ માટે પણ તૈયારી રાખવી પડશે. આવકવેરા વિભાગ વધુમાં એક દિવસમાં બે લાખથી વધારેના એક કરતા વધારે રોકડ વ્યવહારો ઉપર પ્રતિબંધ મુકવા પણ વિચારણા કરી રહ્યું છે. બે લાખથી વધુના રોકડ વ્યવહારો કરતા લોકોને આવકવેરા વિભાગે ચેતવણી પણ આપી છે.
હવે વેપારીઓ અને ઉત્પાદકોને ફરજિયાત GSTરીટર્ન ફાઇલ કરવું પડી રહ્યું છે. GSTના અમલને લઇને ઘણા કરચોરોની કરચોરી સામે આવી રહી હોવાનું આયકર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. વર્ષો સુધી ખોટા બિલો રજૂ કરીને તથા બિલ વગર જ માલ વેચીને કે ખરીદીને ધંધો કરતા વેપારીઓને હવે ફરજિયાત GSTરજિસ્ટ્રેશન કરાવી બિલથી જ ધંધો કરવો પડી રહ્યો છે. જેને કારણે વેપારીઓના ટર્ન ઓવરની સાચી વિગતો જાહેર થઇ જાય છે. GSTરિટર્ન ભરવાની મુદ્દત તાજેતરમાં જ પૂરી થઈ છે. જેમાં ઘણા વેપારીઓ કે જેઓ વર્ષો સુધી ખૂબ જ ઓછો ઇનકમ ટેક્સ ભરતા હતા, તેમનો ઇનકમ ટેક્સ ચાલુ વર્ષે વધી ગયો છે. આટલા વર્ષો સુધી આયકરની ચોરી કરનાર આવા વેપારીઓ અને ઉત્પાદકોના આર્થિક વ્યવહારોની ચકાસણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આયકર વિભાગના અધિકારીઓ આવા વેપારીઓના અગાઉના વર્ષોના આર્થિક વ્યવહારોની ચકાસણી કરીને આયકરની રિકરવી કાઢી શકે છે.
બીજી તરફ લગભગ ચારેક મહિના સુધી શાંતિ રાખનારા આયકર વિભાગે ફરીથી કરચોરો ઉપર સપાટો બોલાવ્યો છે. હાલ મોટા કરચોરોની ઓફિસો અને રહેઠાણ પર દરોડા પાડવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આયકર વિભાગના અધિકારીઓ કરચોરોના આર્થિક વ્યવહારોની ચકાસણીમાં તેણે GSTનું રિટર્ન કેટલું ફાઇલ કર્યું છે. તેની વિગતો ચકાસી રહ્યા છે. જેને કારણે જેતે કરચોરોના ધંધાકીય તમામ વ્યવહારોની વિગતો સામે આવી જાય છે.