ઓનલાઈન એપ અંગે યોગ્ય તપાસ કરવા યુવાનોની માંગ
જામનગરમાં કોરોનાની મહામારી વધી રહી છે. બેકાબુ કોરોના અટકવાનું નામ નથી લેતો ત્યારે બીજી તરફ કોરોના સામેના અભેય શસ્ત્ર એવા વેક્સિનની પણ તિવ્ર અછત ઉભી થઇ છે. અનેક વેક્સિન કેન્દ્ર બંધ કરી દેવા પડ્યાં છે. એટલું જ નહીં 18 વર્ષથી ઉપરની ઉંમરના યુવાનો વેક્સિન તો દૂરની વાત રજીસ્ટ્રેશન પણ કરાવી શકતા નથી.જામનગર મહાનગરપાલિકાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન સાંજે 5:00 વાગ્યે ખુલે છે અને ક્ષણવારમાં તો તમામા સેન્ટરોના સ્લોટ ભરાઇ જાય છે.
મહાનગરપાલિકાની પ્રારંભે 3000 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હોવાનું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું. જો કે સમય જતાં વેક્સિનનો જથ્થો જ ઓછો આવતો હોય જેને લીધે પરિસ્થિતિ વેક્સિન માટેની જુદી જ નિર્માણ થઇ છે. રજીસ્ટ્રેશન કરવા માટે અનેક યુવાનો સાંજના 5:00 વાગ્યે સાઇટ ક્યારે ખુલે? અને ક્યારે રજીસ્ટ્રેશન કરાવીએ? તેની રાહમાં બેઠા હોય છે. પરંતુ કૌન બનેગા કરોડપતિની જેમ સાઇટ ખોલવાની સાથે તુરંત તમામ સ્લોટ ભરાઇ જતાં હોવાની ફરિયાદ યુવાનો કરી રહ્યાં છેઅને રજીસ્ટ્રેશન ઓનલાઇન પ્રક્રિયા અંગે શંકા પણ વ્યક્ત કરી રહ્યાં છે.
આ અંગે મહાનગર પાલિકાના સુત્રોમાંથી એવી હકીકત જાણવા મળી છે કે, સરકાર તરફથી ઓછો જથ્થો આવતો હોય, જેને લઇને ઓનલાઇન રજીસ્ટ્રેશન 750 થી 1000ની વચ્ચે પૂર્ણ કરી દેવામાં આવે છે. જામનગર શહેરની વસ્તીને ધ્યાને લઇ તેમાં પણ ખાસ કરીને 18 વર્ષથી ઉપરની વયના યુવાનોની સંખ્યાને ધ્યાને લીધા વગર સરકાર તરફથી મોરબીની સરખામણીમાં જથ્થો આપવામાં આવતો હોવાનું પણ જાણવા મળે છે. ઓછો જથ્થો આવતો હોય, જેથી હાલ મુશ્કેલી હોવાનું સ્વિકારી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા ઓનલાઇન એપ શા માટે ક્ષણિક વારમાં જ સંપૂર્ણ ભરાઇ જાય છે? તે અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા ઉઠી રહી છે.
જિલ્લામાં બે લાખથી વધુ લોકો વેકસીનથી વંચિત રહેતા રોષ
જામનગર જીલ્લામાં વેક્સીનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ગામડાઓમાં પણ વિવિધ સેન્ટરો પર 45 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. 16 જાન્યુઆરીથી 4મે સુધીમાં જામનગર જીલ્લાના 6તાલુકાના ગામડાઓમાં 45 વર્ષથી વધુ ઉંમરના 142744 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જયારે 38648 લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. એટલે કે 45વર્ષથી વધુ ઉંમરના 181392 લોકોએ વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે.
જામનગર જીલ્લાના 6 તાલુકા ધ્રોલ,જામજોધપુર, જામનગર, જોડીયા, કાલાવડ, લાલપુર મળીને 45 વર્ષથી વધુની વય ધરાવતા 201395 પૈકી હજુ પણ 20003 લોકોએ વેક્સીન લીધી નથી. તેમજ પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ન લેનારની સંખ્યા 104096 છે. ધ્રોલમાં 45 વર્ષથી વધુ વયના 22825 લોકો પૈકી 13563 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ જયારે 4563 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. જામજોધપુરમાં 45 વર્ષથી વધુ વયના 35548 લોકો પૈકી 23949લોકોએ પ્રથમ જયારે 7997 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે. જામનગરમાં 45 વર્ષથી વધુ ઉંમરના 55522 લોકો છે. જે પૈકી 45547 લોકોએ પ્રથમ ડોઝ જયારે 10551લોકોએ બીજો ડોઝ લીધો છે. એટલે કે 19% લોકોએ બીજો ડોઝ લીધો છે.જોડીયામાં 45 વર્ષથી વધુ વયના 16787 લોકો પૈકી 9976 લોકોએ પ્રથમ જ્યારે 3952 લોકોએ બીજો ડોઝ લીધો છે. એટલે કે 24% લોકોએ બીજો ડોઝ લીધો છે. કાલાવડમાં 45 વર્ષથી વધુ વયના 38311 લોકો પૈકી પ્રથમ ડોઝ લેનારમાં 25006 જયારે 5671 લોકોએ વેક્સીનનો બીજો ડોઝ લીધો છે એટલે કે 15% લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.લાલપુરમાં અત્યાર સુધીમાં 45 વર્ષથી વધુ ઉંમરના 32402 લોકોએ વેક્સીન લીધી છે. જે પૈકી 24703 લોકોએ રસીનો પ્રથમ જયારે 5914 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. મતલબ કે પ્રથમ ડોઝ લીધા બાદ વેક્સીનનો બીનો ડોઝ લેનાર 18% લોકો છે.