આને કહેવાય વિકાસ…?
સરકારી કચેરીમાં બેસી ડીઝાસ્ટર મેનેજમેન્ટની સુફીયાણી વાતો કરતા અધિકારીઓએ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જરૂરી
ખારાઘોડાના રણમાં અંદાજે 3000 જેટલાં અગરીયા પરિવારો ઓક્ટોબર માસમાં રણમાં મીઠું પકવવા જાય છે તેઓ રણમાં જાય ત્યારે સાથે લઈ ગયેલા પીવાનું પાણી તેઓને મહિના સુધી ચલાવવું પડે છે અને શરૂઆતના મહિનામાં જ ગારા, માટીમાં કામ કરવાનું હોય છે છતાં હાથપગ ધોવા, નહાવા માટે તેમજ પીવા કે રસોઈ બનાવવા માટે પણ ખુબ જ સાવચેતી પૂર્વક કરકસર કરી પાણી વાપરવું પડે છે.
જ્યારે દર વર્ષે પાણી પુરવઠા વિભાગ દ્વારા દિવાળી પહેલા રણમાં ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડાય છે પરંતુ હાલમાં દિવાળી ગયાને 10 દિવસ જેટલો સમય વિતવા છતાંય પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં પીવાનું પાણી પહોંચાડવાની કોઈ જ હિલચાલ કરવામાં આવી નથી અને શરૂઆતમાં મીઠું પકવવા માટે આખો દિવસ મહેનત કરવી પડે છે જેથી પાણી શોધવા રઝળવું પડે તો મીઠું પકવવાનું કામ પણ થતું નથી અને પરિણામે ઓછું મીઠું પાકે છે.
જ્યારે આ અંગે તંત્ર અને સરકાર દ્વારા રણમાં વહેલી તકે પીવાના પાણીના ટેન્કરો શરૂ કરવામાં આવે અને પીવાના પાણી માટે કરવી પડતી રઝળપાટ બંધ થાય તે માટે વ્યવસ્થા કરવાની લોકમાંગ ઉઠવા પામી છે.